નવરાત્રિના તહેવારને હજુ ત્રણેક મહિના જેટલો સમય બાકી છે પરંતુ શહેરોમાં અત્યારથી જ ગરબા ક્લાસ શરૂ થઇ જતા હોય છે. સુરત શહેરમાં ચાલતા આવા જ એક ગરબા ક્લાસમાં કોચિંગ માટે એક મુસ્લિમ યુવક હિંદુ ઓળખ ધારણ કરીને જોડાયો હોવાનો મામલો સામે આવતાં બજરંગ દળ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. આખરે ગરબા ક્લાસીસના સંચાલકોએ બાહેંધરી આપતાં મામલો થાળે પડ્યો હતો.
વધુ વિગતો એવી છે કે, સુરતના અડાજણ વિસ્તારમાં ‘પનઘટ ગરબા ક્લાસીસ’ નામથી ગરબાના વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંદુ યુવાનો-યુવતીઓ ગરબા શીખવા માટે આવતા હતા. આ જ ક્લાસની બહાર ‘પોલીસ કમિશનરના નિયમાનુસાર ગરબા ક્લાસ દરમિયાન કોઈ પણ વિધર્મી યુવક અને યુવતીઓને પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે’ તે પ્રકારનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું.
તાજેતરમાં સુરત બજરંગ દળને જાણવા મળ્યું હતું કે આ ગરબા ક્લાસમાં એક મુસ્લિમ યુવક હિંદુ તરીકે ઓળખ આપીને દાંડિયા-રાસ શીખવવા માટે આવતો હતો. જે બાબત ધ્યાને આવતાં જ હિંદુ સંગઠનના લગભગ પચાસેક જેટલા કાર્યકર્તાઓ ગરબા ક્લાસના સ્થળે પહોંચી ગયા હતા અને વાંધો ઉઠાવ્યો હતો. દરમ્યાન, શરૂઆતમાં સંચાલકોએ મુસ્લિમ યુવકની તરફેણ કરી હતી પરંતુ પછીથી સંગઠનના કાર્યકરો સામે નમતું મૂક્યું હતું અને બાહેંધરી આપી હતી કે તેઓ ક્લાસીસમાં મુસ્લિમ યુવકોને પ્રવેશ આપશે નહીં.
ઑપઇન્ડિયા પાસે અમુક વિડીયો પણ ઉપલબ્ધ છે, જેની પુષ્ટિ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ કરી છે. વીડિયોમાં મોહમ્મદ ઇશાક નામનો આ યુવક સ્વીકારે છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તેણે ‘આકાશ પનઘટ’ નામથી આઈડી બનાવ્યું હતું. તેમજ તે એમ પણ કહેતો સંભળાય છે કે તે અગાઉ પણ ગરબા આયોજનોમાં ગરબા રમવા માટે જઈ ચૂક્યો છે.
બજરંગ દળ કાર્યકર્તાઓએ ગરબા શીખવા માટે આવતી હિંદુ યુવતીઓને પણ સમજણ આપી હતી અને લવ જેહાદ વિશે જણાવ્યું હતું. બીજી તરફ, ક્લાસીસના સંચાલકોએ ફરીથી આ પ્રકારે અન્ય ધર્મના યુવકોને કોચિંગ માટે બોલાવવામાં નહીં આવે તેવી બાહેંધરી આપી હતી. ત્યારબાદ બજરંગ દળ કાર્યકર્તાઓએ ત્યાં પોતાનું એક બેનર પણ લગાવ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવરાત્રિ દરમિયાન સુરતના વેસુમાં આયોજિત એક ગરબા કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ બાઉન્સરોને રાખવામાં આવતાં બજરંગ દળ કાર્યકર્તાઓએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. સંગઠને આયોજકોને સુરક્ષા કારણોસર કોઈ પણ બિનહિંદુને પ્રવેશ ન આપવા માટે જણાવ્યું હતું પરંતુ તેમ છતાં કેટલાક મુસ્લિમ બાઉન્સરોને રાખવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓએ સ્થળ પર જઈને નામ પૂછતાં અમુકે હિંદુ નામો જણાવ્યાં હતાં પરંતુ પછીથી ઓળખ છતી થઇ જતાં કાર્યકર્તાઓએ મેથીપાક ચખાડ્યો હતો. જેના કારણે બાઉન્સરોએ સ્થળ પરથી ભાગવું પડ્યું હતું.