ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. ફિલ્મ શુક્રવારે (14 જૂન) રિલીઝ થવા માટે જઈ રહી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતની વેકેશન બેન્ચે હાલ પૂરતી રોક લગાવી દીધી છે. બોમ્બે હાઇકોર્ટ સમક્ષ દાખલ અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ થઈ શકશે નહીં.
#BREAKING#supremecourt STOPS release of film "HUMARE BAARAH" slated to release tomorrow.
— LawBeat (@LawBeatInd) June 13, 2024
A vacation bench has stayed the release till the petition pending before #bombayhighcourt is decided. pic.twitter.com/5epVfImXQE
જસ્ટિસ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આદેશ કરતાં કહ્યું કે, ફિલ્મના સર્ટિફિકેશનને પડકારતી અરજી પર બૉમ્બે હાઇકોર્ટ કોઇ નિર્ણય ન સંભળાવે ત્યાં સુધી ફિલ્મનું સ્ક્રીનિંગ થઈ શકશે નહીં. કોર્ટે કહ્યું, “અમે હાઈકોર્ટને વિનંતી કરીએ છીએ કે અરજીનો તાત્કાલિક નિકાલ કરે.” નોંધવું જોઈએ કે બૉમ્બે હાઈકોર્ટે ફિલ્મ રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું કે, તેમણે ફિલ્મનું ટીઝર જોયું છે અને તેમને તે ખૂબ વાંધાજનક લાગ્યું છે. જસ્ટિસ મહેતાએ કહ્યું, “આજે સવારે જ અમે ટીઝર જોયું. જેમાં ઘણી વાંધાજનક સામગ્રી છે. ટીઝર યુ-ટ્યુબ પર ઉપલબ્ધ છે. ટીઝર એટલું વાંધાજનક છે કે હાઈકોર્ટે પણ વચગાળાનો આદેશ આપ્યો હતો.”
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં ફિલ્મ ‘હમારે બારહ’નું ટીઝર લૉન્ચ થયું હતું. જેમાં મુસ્લિમ મહિલાઓ સાથે થતા અત્યાચારો અને તેમણે ભોગવવી પડતી સમસ્યાઓ પર પ્રકાશ પાડે છે. જોકે, ફિલ્મની જાહેરાત થતાંની સાથે જ ફિલ્મ નિર્માતાઓ અને ક્રૂને ધમકીઓ મળવા માંડી હતી. ત્યારબાદ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો.
આ મામલે એક વ્યક્તિએ બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને આ ફિલ્મને મળેલું સર્ટિફિકેટ રદ કરીને રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં દલીલો એવી કરવામાં આવી કે ફિલ્મ સિનેમેટોગ્રાફ એક્ટ, 1952ના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તેનું ટ્રેલર ઈસ્લામનું અપમાન કરે છે. તે જો રિલીઝ થાય તો બંધારણના આર્ટિકલ 19(2) અને આર્ટિકલ 25નું પણ ઉલ્લંઘન ગણાશે તેવી દલીલો આપવામાં આવી હતી.
આ મામલે CBFCએ કોર્ટને જણાવ્યું હતું કે, ફિલ્મને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે, ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો અને સંવાદો હટાવી દેવામાં આવ્યાં છે અને યુ-ટ્યુબ અને બુકમાયશો પર જે ટ્રેલર છે તે સર્ટિફાઇડ નથી. જોકે, બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે 14 જૂન સુધી ફિલ્મ રિલીઝ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ કોર્ટે બોર્ડની 3 સભ્યોની એક કમિટી બનાવીને ફિલ્મ જોઈને રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ કમિટી નિયત સમયમાં જવાબ રજૂ ન કરી શકતાં કોર્ટે ફિલ્મ રિલીઝ કરવા માટે લીલી ઝંડી આપી દીધી હતી.
હાઈકોર્ટે ફિલ્મ રિલીઝ કરવા માટે પરવાનગી આપતાં અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજદારે હાઈકોર્ટના CBFC કમિટી બનાવવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ, ફિલ્મ નિર્માતા પક્ષે કહેવામાં આવ્યું કે, તેમની પાસે સર્ટિફિકેટ હોવાના કારણે તેઓ ફિલ્મ રિલીઝ કરવા માટે સ્વતંત્ર છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું કે અરજદારને ટીઝર સામે વાંધો હતો, જે હટાવી લેવામાં આવ્યું છે.
જોકે, સુપ્રીમ કોર્ટે હવે મામલો હાઈકોર્ટમાં જ રાખ્યો છે અને ગુણદોષના આધારે વહેલી તકે નિર્ણય કરવા માટે જણાવ્યું છે. ત્યાં સુધી ફિલ્મ રિલીઝ થઈ શકશે નહીં.