Friday, April 12, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટડાબેરી ઇકોસિસ્ટમને વધુ એક ફટકો, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘તહેલકા ટેપ્સ’નો કોઈ કાનૂની...

  ડાબેરી ઇકોસિસ્ટમને વધુ એક ફટકો, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘તહેલકા ટેપ્સ’નો કોઈ કાનૂની આધાર નહીં, રાજકીય રંગ આપવા માટે દાવાઓ થયા હતા

  ઝાકિયા જાફરીની અરજી કાઢી નાખતી વખતે સુપ્રિમ કોર્ટે તહેલકા ટેપ્સ વિષે નોંધ કરી હતી કે આ પ્રકારની ટેપ્સ ફક્ત સનસનાટી ઉભી કરવા માટે જ રજુ કરવામાં આવી હતી અને તેનો કોઈજ આધાર નથી.

  - Advertisement -

  આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોના કેસમાં એસઆઈટી દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને આપવામાં આવેલ ક્લીન ચિટને પડકારતી અરજી ફગાવી દીધી હતી. આ અરજી હિંસામાં માર્યા ગયેલા પૂર્વ કોંગ્રેસ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરી દ્વારા કરવામાં આવી હતી. અરજી મોટેભાગે તહેલકા ટેપ્સ પર આધારિત હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદી પણ હિંસા પાછળ કારણભૂત હતા. જોકે, કોર્ટે કહ્યું છે કે તહેલકા ટેપ્સનું કોઈ મહત્વ નથી.

  જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે, અરજી મોટેભાગે તહેલકા ટેપ્સ પર આધારિત છે, જેમાં કેટલાક લોકોની કથિત કબૂલાત સામેલ છે. પરંતુ તે કાયદાકીય રીતે સ્વીકાર્ય નથી. ખંડપીઠે આગળ કહ્યું કે, વર્ષ 2008 થી 2011 દરમિયાન જ્યારે કોર્ટ SIT તપાસ પર નજર રાખી રહી હતી ત્યારે જ આ ટેપ અંગે પૂરતી તપાસ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે, સંજીવ ભટ્ટ અને હરેન પંડ્યા જેવા લોકો દ્વારા કરવામાં આવેલ દાવા માત્ર મામલાને વધુ ભડકાવવા અને રાજકીય રંગ આપવા માટે કરવામાં આવ્યા હતા.

  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટેપમાં જે કબૂલાત જોવા મળે છે તે કાયદાની કસોટી પર ઉતરતી નથી અને આવી ન્યાયેત્તર કબૂલાતો માત્ર નિવેદન આપનારા વિરુદ્ધ જ લઇ શકાય છે, નિવેદનમાં ઉલ્લેખિત અન્ય વ્યક્તિઓ સામે નહીં. કોર્ટે કહ્યું કે, તપાસ દરમિયાન જો ટેપ કે અન્ય સામગ્રીનું સંભવિત મૂલ્ય જાણવા મળે તો જ તેનો ઉપયોગ કરી શકાય છે અને તે પણ માત્ર નિવેદન આપનારા વિરુદ્ધ, કોઈ અન્ય વ્યક્તિ વિરુદ્ધ નહીં.”

  - Advertisement -

  કોર્ટે એ પણ નોંધ્યું કે એસઆઈટીએ તહેલકા સ્ટિંગ વિડીયોમાં જોવા મળેલ તમામ સબંધિત લોકોની પૂછપરછ કરી હતી અને તેમનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યાં હતાં. ઉપરાંત, ટેપમાં કરવામાં આવેલ કેટલાક દાવાઓની તપાસ દરમિયાન પુષ્ટિ થઇ શકી ન હતી.  જેમકે, દાવો કરવામાં આવ્યો હતો કે ગોધરામાં ટ્રેન સળગવાની ઘટના બની તે પહેલાં જ ગુજરાતમાં હથિયારો અને વિસ્ફોટકો પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ તેના કોઈ પુરાવા મળ્યા ન હતા.

  અન્ય અગત્યનું અવલોકન કરતા કોર્ટે નોંધ્યું કે જાફરી ઉપર હુમલો કરનારી ભીડમાંથી કોઈએ પણ હથિયાર દ્વારા ગોળી ચલાવી હોય તેનો પુરાવો મળ્યો ન હતો. જ્યારે સ્થળ પરથી મળી આવેલા ખાલી કારતૂસ અને બુલેટ કેસ અહેસાન જાફરીની લાયસન્સ પ્રાપ્ત બંદૂકમાંથી છોડવામાં આવ્યા હતા.

  કોર્ટે એમ પણ નોંધ્યું કે તહેલકા ટેપ્સમાં સ્થાનિક સ્તરે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જ્યારે એસઆઈટી દ્વારા એક મોટા અને સુનિયોજિત ષડ્યંત્રના આરોપોની તપાસ કરવામાં આવી રહી હતી. જેથી બંને વચ્ચે કોઈ સબંધ નથી. કોર્ટે કહ્યું કે, સબંધિત મામલે સ્થાનિક સ્તરની તપાસ પહેલેથી જ કરવામાં આવી ચુકી છે અને તેમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવેલ નવ કેસ પણ સામેલ છે.

  અરજી ફગાવતા કોર્ટે કહ્યું કે, અદાલતની બુદ્ધિમતા પર શંકા કરવી એ ન્યાયને ઉપહાસના વિષય બનાવવા જેવું કહેવાશે. કારણ કે આ સંપૂર્ણ તપાસ એસઆઈટીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરી હતી.

  આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની બેન્ચે SITના વકીલની એ દલીલ પણ ધ્યાને લીધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ઝાકિયા જાફરી સતત પોતાનું સ્ટેન્ડ બદલતાં રહ્યાં છે. પહેલાં તેમણે તહેલકા ટેપ્સ અને સંજીવ ભટ્ટ તેમજ હરેન પંડ્યાનાં નિવેદનોનો આધાર લઈને ‘મોટા ષડ્યંત્ર’નો આરોપ લગાવ્યો હતો પરંતુ SITએ આ દાવાઓ નકારી કાઢતા તેમણે એમ કહીને વલણ બદલી નાંખ્યું હતું કે મોટા ષડ્યંત્ર વિશે કોઈ પ્રત્યક્ષ સાબિતી ન મળી શકે.

  મોટું ષડ્યંત્ર રચવામાં આવ્યું હોવાનો દાવો નકારતા કોર્ટે કહ્યું કે, આ દલીલ દ્વારા વિષયાંતર થઇ રહ્યું છે. કોર્ટે આગળ કહ્યું કે, એસઆઈટીએ તપાસમાં સંજીવ ભટ્ટ અને હરેન પંડ્યાના દાવાઓને ખોટા સાબિત કર્યા હતા અને એમ પણ નોંધ્યું હતું કે રમખાણો નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે પૂરતા પ્રયાસો કર્યા હતા. બેન્ચે કહ્યું કે, સંજીવ ભટ્ટ, હરેન પંડ્યા અને આરબી શ્રીકુમારનાં નિવેદનો માત્ર મામલાને સનસનાટીભર્યો બનાવવા અને રાજકીય રંગ આપવા માટેનાં હતાં.

  ઉલ્લેખનીય છે કે ‘તહેલકા ટેપ્સ’ એ વિવાદાસ્પદ મેગેઝીન તહેલકા દ્વારા ગુજરાત રમખાણોના પાંચ વર્ષ બાદ કરવામાં આવેલ સ્ટીંગ ઓપરેશન છે. જેનું પ્રસારણ નવેમ્બર 2007 માં આજતક પર કરવામાં આવ્યું હતું. ટેપમાં સંઘ પરિવારના કેટલાક કાર્યકરોએ કથિત રીતે કહ્યું હતું કે ગુજરાત રમખાણો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂર્વનિયોજિત રીતે કરવામાં આવ્યા હતા. જોકે, એસઆઈટીએ તપાસમાં નોંધ્યું હતું કે આ ટેપનો કોઈ કાયદાકીય આધાર નથી અને જેથી તેને કેસના પુરાવામાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આજે સુપ્રીમ કોર્ટે પણ પુષ્ટિ કરી છે કે આ સ્ટિંગ ટેપ્સ કાયદેસર રીતે માન્ય નથી.

  જોકે, ગુજરાત રમખાણો મામલે નરેન્દ્ર મોદીને ફસાવવાની કોશિશ કરનાર લેફ્ટ-લિબરલ ઇકોસિસ્ટમના પ્રયત્નો સુપ્રીમ કોર્ટે નિષ્ફ્ળ બનાવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલા કોર્ટે કાર્યવાહીમાં વિવાદાસ્પદ પત્રકાર રાણા અય્યુબ લિખિત પુસ્તક ‘ગુજરાત ફાઇલ્સ’ને ધ્યાને લેવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ પુસ્તક અનુમાન, અટકળો અને ધારણાઓ પર આધારિત છે. 

  વાસ્તવમાં, રાણા અયૂબે પોતાના પુસ્તકમાં એવા સંદિગ્ધ દાવાઓ કર્યા હતા કે ચરમ વામપંથી પ્રકાશનોએ પણ પુસ્તક પ્રકાશિત કરવાનો ઇનકાર કરી દીધો હતો.  અયૂબે જાતે જ પુસ્તક પ્રકાશિત કરવું પડ્યું હતું. આ પુસ્તક રાણા અયૂબના કથિત સ્ટિંગ ઓપરેશન પર આધારિત હતું, જોકે તેમણે હજુ સુધી આ વિડીયો સાર્વજનિક કર્યા નથી.

  પત્રકાર મધુ ત્રેહને ખુલાસો કર્યો હતો કે તેમણે આ ટેપ તહેલકા પર પ્રકાશિત કરવા માટે તૈયારી દર્શાવી હતી પરંતુ રાણા અયૂબે ઇનકાર કરી દીધો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં