નવરાત્રિ દરમિયાન સુપ્રીમ કોર્ટ (Supreme Court) કેન્ટીનમાં માંસાહારી ભોજન ફરી શરૂ કરવાને લઈને વકીલોના એક ગ્રુપે વિરોધ નોંધાવ્યો છે. વકીલોના આ ગ્રુપે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન (SCBA) અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ-ઑન-રેકોર્ડ્સ એસોસિયેશનને (SCAORA) એક પત્ર લખીને આ નિર્ણયનો વિરોધ કર્યો છે. વકીલ રજત નાયરે સુપ્રીમ કોર્ટની બાર સંસ્થાઓને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, આ નિર્ણય ‘બારના અન્ય સભ્યોની લાગણીઓને ધ્યાને રાખ્યા વિના લેવામાં આવ્યો છે.’ પત્રમાં કહેવાયું છે કે, આ નિર્ણય બારની બહુલવાદી પરંપરાને અનુરૂપ નથી. તેથી નવરાત્રિ દરમિયાન માંસાહારી ભોજન (NonVeg) ન પીરસવામાં આવવું જોઈએ.
આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે કેન્ટીનના ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા એવો નિર્ણય લેવાયો હતો કે, નવરાત્રિના નવ દિવસો સુધી સુપ્રીમ કોર્ટ પરિસરમાં આવેલી માત્ર એક કેન્ટીનમાં માંસાહારી ભોજન પીરસવામાં આવશે નહીં. આ નિર્ણયને લઈને કેટલાક વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો અને માંસાહારી ભોજન ફરીથી શરૂ કરવા માટેની માંગણી કરી હતી.
વકીલોના એક વર્ગે પત્ર લખીને કહ્યું હતું કે, “લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે એ માટે માંસાહારી ભોજન પર પ્રતિબંધ લગાવવો યોગ્ય નથી.” સાથે પત્રમાં કહેવાયું હતું કે, “આ ભવિષ્ય માટે એક ખોટું ઉદાહરણ પણ બની શકે છે અને આ નિર્ણય બાદ ભવિષ્યમાં આવા ઘણા પ્રતિબંધો માટેનો રસ્તો પણ મોકળો થઈ શકે છે.”
Update : Following the protests by advocates, meat items were served at the Supreme Court canteen today.
— Live Law (@LiveLawIndia) October 4, 2024
Non-veg items were stopped yesterday citing Navratas. https://t.co/T20uWTgN7V
પત્રમાં વધુમાં કહેવાયું હતું કે, નવરાત્રિ દરમિયાન માંસાહારી ભોજન મળવું પણ જરૂરી છે. આ વિવાદ કારણે શુક્રવારે (4 ઑક્ટોબર) તે નિર્ણય પરત લેવાયો હતો અને કેન્ટીનમાં માંસાહારી ભોજન પહેલાંની જેમ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે, હવે વકીલોના એક મોટા વર્ગે આ નિર્ણયનો પણ વિરોધ કર્યો છે.
વકીલ રજત નાયરે પણ બાર સંસ્થાઓને પત્ર લખીને આ અંગેનો વિરોધ નોંધાવ્યો હતો. પત્રમાં તેમણે લખ્યું હતું કે, “આ નિર્ણય બારની ‘બહુલવાદી પરંપરા’ને અનુરૂપ નથી. આ અસહિષ્ણુતા અને એકબીજા પ્રત્યેના સન્માનની ઉણપ દર્શાવે છે.” આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરનારા ઓછામાં ઓછા 133 વકીલોએ રજત નાયરના આ પત્રનું સમર્થન કર્યું છે અને સુપ્રીમ કોર્ટ કેન્ટીનમાં નવરાત્રિ દરમિયાન માંસાહાર ન પીરસવાની માંગણી કરી છે.
નાયરે વધુમાં લખ્યું છે કે, “શુક્રવારે માંસાહારી ભોજન ફરીથી શરૂ કરવાનો નિર્ણય સ્પષ્ટ રીતે SCBAના પદાધિકારીઓના નિર્દેશો પર લેવામાં આવ્યો છે.” તેમણે વધુમાં કહ્યું કે, “હું આપને પત્ર લખીને SCBA અને SCORA દ્વારા નવરાત્રિ ઉત્સવ દરમિયાન માંસાહારી ભોજન અને લસણ/ડુંગળી સાથેના ભોજનને પીરસવા અંગેના આપણા બાર એસોસિયેશનના કેટલાક સન્માનનીય સભ્યો દ્વારા તારીખ- 3.10.2024ના રોજ લખવામાં આવેલા પત્રના અનુસંધાને કરવામાં આવેલી એકતરફી કાર્યવાહી પર ઔપચારિક રીતે સખત વિરોધ નોંધાવું છું.”
નાયરે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટને નવરાત્રિ દરમિયાનના અઠવાડિયામાં માત્ર ગુરુવાર અને શુક્રવારના રોજ જ કામ કરવાનું હતું, તેથી મુખ્ય કેન્ટીનને આ બે દિવસો દરમિયાન નવરાત્રિનું ભોજન ઉપલબ્ધ કરાવવા માટેની અપીલ કરવામાં આવી હતી. તેમણે પત્રમાં વધુમાં લખ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ પરિસરમાં સંચાલિત 6-7 કેન્ટીનોમાંથી કોઈ એક કેન્ટીનમાં માત્ર બે દિવસો માટે બારના સભ્યોને નવરાત્રિનું ભોજન પીરસવામાં આવશે તો તેનાથી કોઈ નુકસાન નહીં થઈ જાય. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, બાકીની તમામ કેન્ટીનોમાં તો માંસાહાર અને લસણ/ડુંગળી સહિતનાં ભોજનો મળી જ રહ્યાં છે.
પત્રમાં વધુમાં કહેવાયું છે કે, “SCBA/SCORAના પદાધિકારીઓ દ્વારા બારના બાકીના સભ્યોની સલાહ લીધા વિના અથવા તેમની લાગણીઓને ધ્યાનમાં લીધા વિના એકપક્ષીય પગલાં લેવાના ઉપરોક્ત કૃત્યએ મને આ સંદર્ભે આધિકારિક રીતે તમને પત્ર લખવાની ફરજ પાડી છે. જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ અસંગત ઘટનાઓ ન બની શકે.”