સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને ઓપરેશન કાવેરી હેઠળ સુરક્ષિત પરત લાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુદાનમાં છેલ્લા બે અઠવાડિયાથી સશસ્ત્ર દળો વચ્ચે ઘાતક લડાઈ ચાલી રહી છે અને 500થી વધુ લોકો માર્યા ગયાના અહેવાલ છે. ભારત સરકાર પોતાના નાગરિકોને દેશમાં પરત લાવવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે સુદાનથી વધુ 229 ભારતીયો ભારત આવવા રવાના થયા છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી વધુ 229 ભારતીયો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રવિવારે (30 એપ્રિલ, 2023) જેદ્દાહથી બેંગલુરુ જતી ફ્લાઈટમાં આ નાગરિકો ભારત આવવા રવાના થયા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું હતું કે, “ઓપરેશન કાવેરી હેઠળ નાગરિકો ઘરે પાછા આવી રહ્યા છે. બેંગલુરુ પહોંચનારી સાતમી આઉટબાઉન્ડ ફ્લાઈટ 229 પેસેન્જરોને લઈને જેદ્દાહથી રવાના થઈ છે.”
#OperationKaveri bringing citizens back home.
— Arindam Bagchi (@MEAIndia) April 30, 2023
Destined for Bengaluru, 7th outbound flight carrying 229 passengers departs from Jeddah. pic.twitter.com/Zvfwx5Q0CJ
ઉલ્લેખનીય છે કે, શનિવારે (29 એપ્રિલ, 2023) સાંજે સુદાનથી 365 ભારતીયો નવી દિલ્હી પહોંચ્યા હતા, જ્યારે 231 ભારતીય મુસાફરોને લઈને એક ફ્લાઈટ શનિવારે સવારે દિલ્હી પહોંચી હતી.
સુદાનમાં યુદ્ધવિરામની જાહેરાત થતાં ભારત સહિત ઘણાં દેશો પોતપોતાના નાગરિકોને હિંસાગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ શનિવારે જ ભારતીય નૌકાદળના જહાજ, INS તેગ મારફતે સુદાનમાંથી 288 ભારતીયોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. સુદાનમાં ફસાયેલા નાગરિકોની આ 14મી બેચ હતી જે ભારત આવવા માટે જેદ્દાહ પહોંચી હતી. તો પોર્ટ સુદાન ખાતે ભારતીય નેવીનું અન્ય જહાજ, INS સુમેધા પણ 300 ભારતીયોને લઈને જેદ્દાહ પહોંચ્યું હતું.
ભારત સરકાર ઓપરેશન કાવેરી હેઠળ લગભગ 3,000 ભારતીય નાગરિકોને સુદાનમાંથી સુરક્ષિત બહાર કાઢવાનું લક્ષ્ય ધરાવે છે. અહેવાલ મુજબ, અત્યારસુધીમાં 1,191 ભારતીયો વતન પાછા ફર્યા છે. તેમાંથી 117 ભારતીયો હાલ ક્વોરન્ટાઇનમાં છે કારણકે તેમને યેલો ફીવરને કારણે રસી આપવામાં આવી ન હતી.
સુદાનમાં શા માટે હિંસા અને રક્તપાત થઈ રહ્યો છે?
સુદાનમાં 15 એપ્રિલથી સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની અથડામણને કારણે હિંસા ફાટી નીકળી છે જેમાં લગભગ 500થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. તો 4,599 લોકો ઘાયલ થયા છે. અહીં દેશની સેના અને સૈન્ય જૂથ રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ બંને જૂથોએ સાથે જ 2021માં સત્તા મેળવી હતી. પરંતુ પછીથી RSFનું સેનામાં વિલીનીકરણ કરવાના પ્રસ્તાવને કારણે તણાવ વધ્યો હતો.
વિલીનીકરણ થાય તો કમાન્ડર-ઇન-ચીફ કોણ બનશે એ મામલે બંને જૂથોના વફાદાર સૈનિકો હિંસા પર ઉતરી આવ્યા છે. એ પછી સુદાનના શહેરોમાં, ખાસ કરીને ખારતૌમમાં ગોળીબાર થઈ રહ્યો છે અને સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. સુદાન સંકટને જોતાં ભારત, યુએઈ, યુકે અને યુએસ સહિતના દેશો સાઉદી અરેબિયાની મદદથી તેમના નાગરિકોનું સ્થળાંતર કરી રહ્યા છે.