મધ્ય પ્રદેશમાં એક કોન્વેન્ટ સ્કુલમાં બાળકોને ‘જય શ્રીરામ’ના નારા લગાવવા બદલ માફીપત્ર લખાવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે જિલ્લા કલેક્ટરને નોટિસ પણ પાઠવીને તપાસ અને કાર્યવાહી કરવા માટે કહ્યું છે. આ મામલો એમપીના સાગર જિલ્લાનો છે.
અહીં આવેલ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કુલમાં દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ‘જય શ્રીરામ’ના નારા લગાવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, લંચના સમયે વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા હતા ત્યારે નારા લગાવવા માંડ્યા હતા. આ વાત શાળા પ્રશાસન પાસે પહોંચી તો તેમણે 30 બાળકો પર કાર્યવાહી કરીને 15થી વધુ બાળકોને સસ્પેન્ડ કરી દીધાં હતાં, જ્યારે બાકીના પાસે માફીપત્ર લખાવવામાં આવ્યું હતું.
પત્રિકાના રિપોર્ટ અનુસાર, આ મામલે આચાર્ય સિસ્ટર મોલીએ જણાવ્યું કે લંચ બ્રેકમાં શાળાના 10મા ધોરણના વિદ્યાર્થીઓએ હોબાળો કરીને નાના ધોરણના વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ મામલે સાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, જો બાળકોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોય તો તે ખોટું છે અને તમામને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે.
બીજી તરફ, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ ટ્વિટ કરીને જણાવ્યું કે, મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કુલ દ્વારા શિસ્તતાના નામે બાળકોને સસ્પેન્ડ કરવાના મામલે NCPCR દ્વારા સંજ્ઞાન લઈને તપાસ અને કાર્યવાહી માટે સાગર જિલ્લા કલેક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે.
मध्यप्रदेश के सागर ज़िले में सेंट जोसफ़ कॉन्वेंट स्कूल द्वारा अनुशासन के नाम पर बच्चों को सस्पेंड करने के मामले में @NCPCR_ ने संज्ञान ले कर जाँच व कार्यवाही हेतु @collectorsagar को नोटिस जारी किया है । pic.twitter.com/g3j9NuFH1g
— प्रियंक कानूनगो Priyank Kanoongo (@KanoongoPriyank) December 10, 2022
ઉલ્લેખનીય છે કે આ પહેલાં મધ્ય પ્રદેશની જ એક કોન્વેન્ટ સ્કુલમાં આવો જ કિસ્સો બન્યો હતો. અહીં એક વિદ્યાર્થીએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવતાં તેને સજા કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળાએ પહોંચી ઉગ્ર વિરોધ કર્યો હતો અને માફી મંગાવી હતી. ત્યારબાદ શાળા સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી.
એમપીના ગુનાની ક્રાઈસ્ટ સિનિયર સેકન્ડરી સ્કુલમાં સાતમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, શાળામાં રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ તેણે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ તેના શિક્ષકે તેનો કોલર પકડીને લાઈનમાંથી બહાર કાઢ્યો હતો અને તેના વર્ગશિક્ષકે તેને આ નારા ઘરે જઈને લગાવવાનું કહીને ચારથી પાંચ તાસ સુધી ફર્શ પર બેસાડી રાખ્યો હતો.