કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિકે શનિવારે (25 ફેબ્રુઆરી) આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના દિનહાટામાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ તેમની કાર પર હુમલો કર્યો હતો. ટીએમસી સમર્થકોએ કથિત રીતે મંત્રીને લઈ જતી કાર પર પથ્થરમારો કર્યો હતો. કારની આગળની વિન્ડશિલ્ડ પણ ફાટી ગઈ હતી. મંત્રીને કાળા ઝંડા પણ બતાવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પ્રામાણિકે કહ્યું, “પોલીસ માત્ર દર્શક તરીકે કામ કરી રહી છે અને હિંસા આચરનારાઓને રક્ષણ આપી રહી છે. રાજ્યના લોકો સાક્ષી છે કે રાજ્યમાં TMC સમર્થકો દ્વારા શું કરવામાં આવી રહ્યું છે”. પ્રામાણિકે આરોપ લગાવ્યો કે ટીએમસી બદમાશોને આશ્રય આપી રહી છે.
#WATCH | West Bengal: The convoy of Nisith Pramanik, MoS Home & Youth Affairs and Sports was attacked allegedly by Trinamool Congress-backed goons when he was going to meet with the party workers in Coochbehar's Dinhata area. More details awaited. pic.twitter.com/eXWqt7U2K9
— ANI (@ANI) February 25, 2023
અહેવાલો અનુસાર, મંત્રીના કાફલાની સુરક્ષા પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં તેમની કાર પર એક પથ્થર પડ્યો હતો. સદનસીબે, પથ્થરમારાની ઘટનામાં કેન્દ્રીય મંત્રીને ઈજા થઈ ન હતી.
બીજેપી અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે પશ્ચિમ બંગાળના કૂચબિહાર ખાતે અથડામણ દરમિયાન પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હોવાના અહેવાલ છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો હતો.
ભાજપ નેતાઓએ દર્શાવ્યો વિરોધ
ભાજપના પશ્ચિમ બંગાળના પ્રવક્તા શમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે, “જો કોઈ કેન્દ્રીય મંત્રીની કાર પર આ રીતે હુમલો કરવામાં આવે છે, તો રાજ્યમાં સામાન્ય લોકોની સુરક્ષા વિશે વિચારો”. ભટ્ટાચાર્યએ કહ્યું કે રાજ્યપાલે રાજ્યમાં કલમ 355 લાગુ કરવા માટે પગલાં લેવા જોઈએ.
પશ્ચિમ બંગાળના વિરોધપક્ષના નેતા અને નંદીગ્રામના BJP ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ પ્રામાણિકના કાફલા પર હુમલાની નિંદા કરી હતી.
તેમણે ટ્વિટર પર કહ્યું, “હું કૂચ બિહારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક પર દિનહાટા ખાતે કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરું છું. પશ્ચિમ બંગાળ પોલીસના જવાનો મૂક પ્રેક્ષક હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન (રાજ્યક્ષા) WBમાં સુરક્ષિત નથી કારણ કે ‘મમતા ગુંડાઓ’ આઝાદ ફરે છે અને પંચાયત ચૂંટણી પહેલા તેમને છૂટો દોર આપવામાં આવ્યો છે.”
તૃણમૂલ કોંગ્રેસના નેતા જયપ્રકાશ મજુમદારે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દિલીપ ઘોષ અને સુવેન્દુ અધિકારી જેવા ભાજપના નેતાઓ પશ્ચિમ બંગાળમાં શાંતિ ભંગ કરવા માટે ભગવા પાર્ટીના કાર્યકરોને ઉશ્કેરી રહ્યા છે. “આ નેતાઓને પહેલા કામ પર લાવવા જોઈએ”, તેમણે કહ્યું.