હમાસના ઇઝરાયેલ પર હુમલા બાદ વિશ્વના મોટાભાગના દેશો પોતાની સુરક્ષાને લઈને સતર્ક થઇ ગયા છે. તેવામાં સ્પેનની પોલીસે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે. આરોપ છે કે ઝડપાયેલા પાકિસ્તાનીઓ સ્પેનમાં રહીને જેહાદી રેકેટ ચલાવી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર આ તમામ એક પાકિસ્તાની સંગઠન સાથે પણ જોડાયેલા હતા.
જાણવા મળ્યા અનુસાર એક મહિના પહેલાં ઇઝરાઇલ પર હમાસના હુમલા બાદ સ્પેનમાં એન્ટી-ટેરરિસ્ટ એલર્ટ લેવલ વધારવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સ્પેનની જનરલ ઇન્ફર્મેશન કમિશનર ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન હેઠળ આ ધરપકડો કરવામાં આવી હતી. આ મામલે યુરો વીકલીના અહેવાલ અનુસાર સંભવિત આતંકવાદી હુમલાઓથી બચવા માટે સ્પેનિશ સુરક્ષાદળોએ શંકાસ્પદ લોકો પર ચાંપતી નજર રાખી હતી.
સ્પેનના સૌથી મોટા અંગ્રેજી અખબાર યુરો વીકલી ન્યૂઝના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા તમામ કટ્ટરપંથીઓ મૂળ પાકિસ્તાનના રહેવાસી છે. તેઓ સ્પેનના કેટેલોનિયા, વેલેન્સિયા, ગુઇપુઝકોઆ, વિટોરિયા, લોગ્રોનો અને લેઇડામાં રહેતા હોવાનું કહેવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલા તમામ પાકિસ્તાનીઓને બુધવારે (સ્થાનિક સમય મુજબ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર ઝડપાયેલા પાકિસ્તાનીઓએ આખું એક નેટવર્ક ઉભું કર્યું હતું. જેના દ્વારા આ તમામ લોકો કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર પ્રસાર કરતા હતા. આ નેટવર્કનો ઉપયોગ કરીને તેઓ અન્ય લોકોને પણ કટ્ટરપંથી બનાવવા માટેની સામગ્રીઓ પ્રસારિત કરતા હતા. તેવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઝડપાયેલા પાકિસ્તાનીઓ ધર્માંતરણનું રેકેટ પણ ચલાવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સ્પેન પોલીસે ગયા મહીને પણ 4 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી. ઝડપાયેલા પૈકીનો એક વ્યક્તિ આ પ્રકારનાં અનેક રેકેટ ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. આ કટ્ટરપંથી પોતાને ખલીફા તરીકે ઓળખાવતો હતો. ઝડપાયેલા લોકોમાં એક યુગલનો પણ સમાવેશ થાય છે જેઓ આ કટ્ટરપંથી નેટવર્કના આધારે જ એક બીજાને મળ્યા હતા.
એક જાણકારી અનુસાર સ્પેનમાં લગભગ 1 લાખથી વધુ પાકિસ્તાનીઓ વસવાટ કરે છે. આ પૈકીના મોટાભાગના લોકો કૈતાલૂનિયા રાજ્યમાં રહે છે. આ પાકિસ્તાનીઓમાં મોટાભાગના લોકો રોજગાર મેળવવા માટે અહીં વસવાટ કરી રહ્યા છે. બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના પાકિસ્તાનીઓ ગેરકાયદેસર રીતે યુરોપમાં ઘૂસણખોરી કરીને રહે છે.