હિન્દી ફિલ્મોના જાણીતાં ગાયક મકસૂદ મેહમૂદ અલી ઉર્ફે લકી અલીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કર્યો હતો કે, ‘બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ છે’. બ્રાહ્મણો અંગે લકી અલીએ શેર કરેલી આ પોસ્ટ સામે એક ચોક્કસ વર્ગે નારાજગી બતાવી હતી અને હિંદુ ધર્મ વિશે ગાયકની અજ્ઞાનતા પર સવાલ ઉઠાવ્યો હતો. લકી અલીએ બાદમાં આ વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી અને હવે તેણે આ અંગે માફી માગી છે.
ગાયકે મંગળવારે (11 એપ્રિલ, 2023) ફેસબુક પર એક નવી પોસ્ટ શેર કરીને લખ્યું કે, તેમનો ઉદ્દેશ કોઈને નારાજ કરવાનો કે લાગણી દુભાવવાનો ન હતો. તેઓ આ માટે હૃદયપૂર્વક માફી માગે છે. તેમના મતે તેમણે આવું નિવેદન લોકોને નજીક લાવવા માટે કર્યું હતું.
લકી અલીએ કહ્યું- ‘મને ભારે અફસોસ છે’
બ્રાહ્મણો અંગે લકી અલીએ આપેલા નિવેદન બદલ સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ થયો હતો. બાદમાં ગાયકે માફીનામું શેર કર્યું કે, “તમામ પ્રિય લોકો, મને મારી પાછલી પોસ્ટના વિવાદનો અહેસાસ છે. મારો ઈરાદો કોઈને તકલીફ આપવાનો કે લોકો વચ્ચે રોષ પેદા કરવાનો ન હતો અને મને આ વાતનો ભારે અફસોસ છે.”
લકી અલીએ ઉમેર્યું કે, “મારો હેતુ તો આપણા બધાને નજીક લાવવાનો હતો… પરંતુ, હવે મને સમજાયું છે કે મારો જે હેતુ હતો તે આ પોસ્ટ સાર્થક કરી શકી ન હતી. હવેથી હું જે પણ પોસ્ટ કરીશ એ અંગે અને મારા શબ્દોને લઈને જાગૃત રહીશ. કેમકે, મેં મારા ઘણાં હિંદુ ભાઈઓ અને બહેનોને નારાજ કર્યા છે. એ માટે હું ખૂબ દિલગીર છું. હું તમને બધાને પ્રેમ કરું છું.”
બ્રાહ્મણો અંગે લકી અલીએ શું કહ્યું હતું?
લકી અલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે, “બ્રાહ્મણો ઇબ્રાહિમ અલયહિસ્સલામના વંશજ છે, જે ઘણાં રાષ્ટ્રોના પિતા છે. તો શા માટે દરેક કોઈ તર્ક વગર એકબીજા સાથે દલીલ કરે છે અને લડે છે?” જોકે, ગાયકના આ દાવાએ ફેન્સને નારાજ કરી મૂક્યા હતા. બીજી તરફ ગાયકે તેના દાવાને સમર્થન આપવા માટે કોઈ સ્ત્રોત પ્રદાન કર્યું નહોતું. યુઝર્સે તેમને વિનંતી કરી હતી કે, તમે તમારા ક્ષેત્રમાં નિષ્ણાત છો, પણ જે બાબત વિશે તમે ન જાણતા હો, તેના વિશે ટિપ્પણી કરવાનું ટાળો.
બ્રાહ્મણોને ઈબ્રાહીમના વંશજ કહેવાનો પ્રયાસ 2000 વર્ષો જૂનો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2000 વર્ષોથી બ્રાહ્મણોને ઈબ્રાહીમના વંશજ કહેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓની આ વિચારસરણી સદીઓ જૂની છે, જે હિંદુ સંસ્કૃતિને નબળી બનાવવાનો પ્રયાસ કરે છે. તે બધી સંસ્કૃતિઓના જન્મનું કારણ પોતાને જ ગણાવે છે.
ગાયક લકી અલીએ પણ સોશિયલ મીડિયા દ્વારા આવું કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના નિવેદને વિવાદ સર્જતા તેમને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું અને ચાહકોની નારાજગી વહોરવી પડી હતી.