દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસમાં હવે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. આ મામલે સુરતથી એક ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. જેની ઓળખ ફૈઝલ મોમિન તરીકે થઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે આફતાબની નજીકના માણસોમાંનો એક હતો. જેથી તે આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હોવાનું અનુમાન છે.
श्रद्धा मर्डर केस :
— News24 (@news24tvchannel) November 28, 2022
◆ आफताब को ड्रग सप्लाई करने वाला ड्रग तस्कर फैजल मोमिन सूरत से गिरफ़्तार किया गया @bhupendrajourno pic.twitter.com/qGPMjUtB3F
મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, સુરતના પાંડેસરા અને અમરોલીમાં 4 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાતાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ઇનપુટ્સના આધારે ફૈઝલ મોમિન સહિત ચાર ઈસમોની ધરપકડ કરી લીધી હતી. જેમાં પૂછપરછ દરમિયાન ફૈઝલ મોમિનનો પરિચય આફતાબ પૂનાવાલા સાથે પણ હોવાનું સામે આવ્યું હતું.
31 વર્ષીય ફૈઝલ મોમિન મુંબઈના વસઈ સ્થિત દિનદયાળ નગરમાં આવેલ મુસ્લિમ કમિટી બિલ્ડીંગનો રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી આવ્યા પહેલાં આફતાબ અને શ્રદ્ધા વસઈમાં જ રહેતાં હતાં. જેથી પોલીસને શંકા છે કે આ યુવક આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હોય શકે. હાલ ફૈઝલને સુરત લાવવામાં આવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, આફતાબ દિનદયાળ નગરમાં આવતો-જતો રહેતો હતો અને અહીં તેના ઘણા મિત્રો પણ રહે છે. ઉપરાંત, આફતાબ અને ફૈઝલના ઘણા કોમન મિત્રો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ સુરત પોલીસ ફૈઝલના કોલ રેકોર્ડ્સ તપાસી રહી છે, જેથી તેના આફતાબ સાથેના સબંધો વિશે વધુ જાણકારી બહાર આવી શકે.
શ્રદ્ધા હત્યા કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ પકડાયેલા ડ્રગ પેડલર ફૈઝલની પૂછપરછ કરવા માટે દિલ્હી પોલીસ સુરત આવી શકે તેમ પણ જાણવા મળ્યું છે. જોકે, આ અંગે દિલ્હી કે સુરત પોલીસે કોઈ અધિકારીક પુષ્ટિ કરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાની હત્યા બાદ તેના ઘણા મિત્રોએ આફતાબ ડ્રગ્સનું સેવન કરતો હોવાનો ખુલાસો કર્યો હતો. ઉપરાંત, દિલ્હી પોલીસની પૂછપરછમાં પણ આફતાબે કબૂલાત કરી હતી કે તે ગાંજો, ચરસ અને ડ્રગ્સનું સેવન કરતો હતો.
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, જે દિવસે શ્રદ્ધાની હત્યા થઇ તે દિવસે તે બંને ઘરખર્ચ અને મુંબઈથી દિલ્હી આવવાને લઈને ઝઘડ્યાં હતાં અને અને ત્યારબાદ આફતાબ ઘરની બહાર જતો રહ્યો હતો અને ગાંજા સિગરેટ પીને પરત ફર્યો હતો. ત્યારબાદ તેણે શ્રદ્ધાની હત્યા કરી નાંખી હતી અને 10 કલાક સુધી મૃતદેહના ટુકડા કરીને, ધોઈને સાફ પણ કરી નાંખ્યા હતા. ત્યારબાદ તેણે ફરીથી ડ્રગ્સનું સેવન કરીને ફૂડ ડિલિવરી એપ પરથી ભોજન મંગાવીને ખાધું હતું.