Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પાકિસ્તાન ઝિંદાબાદના નારા વિરોધનો એક ભાગ’: કટ્ટરપંથીઓના બચાવમાં ઉતર્યા આરજેડી નેતા શિવાનંદ...

    ‘પાકિસ્તાન ઝિંદાબાદના નારા વિરોધનો એક ભાગ’: કટ્ટરપંથીઓના બચાવમાં ઉતર્યા આરજેડી નેતા શિવાનંદ તિવારી; PFIની રેલીમાં લાગ્યા હતા નારા

    આરજેડીના નેતા શિવાનંદ તિવારીએ પુણેમાં લાગેલા નારાનું સમર્થન કર્યું હતું અને કહ્યું કે, નારા લગાવનારા પાકિસ્તાની બની જતા નથી.

    - Advertisement -

    કટ્ટરપંથી સંગઠન PFI સામે ચાલતી કાર્યવાહીના વિરોધના નામે દેશમાં અનેક ઠેકાણે તોફાનો થયાં હતાં અને હિંસા પણ આચરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પુણેમાં આવા જ એક વિરોધ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદ અને ‘અલ્લાહુ અકબર’ના નારા પણ લાગ્યા હતા. આ નારાબાજીના સમર્થનમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના નેતા શિવાનંદ તિવારી ઉતર્યા છે. 

    આરજેડી નેતા શિવાનંદ તિવારીએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાની વકાલત કરતાં કહ્યું કે, એ તો માત્ર વિરોધનો એક ભાગ હતા અને પાકિસ્તાનના નારા લગાવવાથી કોઈ પાકિસ્તાની બની જતું નથી. 

    ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીત દરમિયાન આરજેડી નેતાએ શિવાનંદ તિવારી કહે છે કે, “પાકિસ્તાન ઝિંદાબાદના નારા માત્ર વિરોધનો એક ભાગ હતા અને આ નારા લગાવવાથી તેઓ પાકિસ્તાની બની જતા નથી કે પાકિસ્તાન જતા રહેશે તેમ પણ નથી.”

    - Advertisement -

    નારાનો બચાવ કરતાં શિવાનંદ તિવારીએ આગળ કહ્યું કે, “આ નારા વિરોધ કરવાની એક રીત છે અને તેઓ તેના દ્વારા સરકારને કહેવા માંગે છે કે સરકારી જે કરી રહી છે તેનું તેઓ સમર્થન નથી કરી રહ્યા. વિરોધના સ્વરૂપે આ નારા લગાવવામાં આવ્યા હતા. 

    શિવાનંદ તિવારીના આ નિવેદન બાદ તાજેતરમાં જ ગઠબંધનમાં સાથે આવેલી પાર્ટી જેડીયુના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશ્વાહાએ મૌન સેવ્યું હતું અને કહ્યું કે તેઓ આ નિવેદન વિશે કશું જાણતા નથી. તેમણે કહ્યું, “આ નિવેદન અમે જોયું નથી પરંતુ દેશનો સવાલ હોય ત્યારે અમે સૌ દેશની અખંડિતતા માટે એકજૂથ રહીએ છીએ. પરંતુ અમે મોંઘવારી-બેરોજગારીની ખોટી નીતિઓનો વિરોધ કરીએ છીએ “

    બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ શિવાનંદ તિવારીના નિવેદન પર વિરોધ નોંધાવ્યો છે. ભાજપ નેતા રામ કદમે કહ્યું, “મા ભારતીના આ દેશમાં કેટલાક દેશદ્રોહીઓ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવે છે. અને તેનો વિરોધ કરવાની જગ્યાએ આરજેડી નેતા તેમનું સમર્થન કરી રહ્યા છે. શું આ દેશના સૈનિકોનું અને શહીદોનું અપમાન નથી? પરંતુ મહારાષ્ટ્રની નવી સરકાર જેમણે પણ આ દેશદ્રોહી નારા લગાવ્યા છે તેમને શોધી કાઢશે અને તેમનું સ્થાન જેલના સળિયા પાછળ જ હશે. 

    આ નારા પુણેમાં લાગ્યા હતા, જ્યાં પીએફઆઈ સામે સરકારની કાર્યવાહીના વિરોધમાં સંગઠનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ કર્યો હતો. જેમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘અલ્લાહુ અકબર’ના નારા સાંભળવા મળ્યા હતા. 

    ઘટનાના વિડીયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને રિયાઝ સૈયદ નામના એક વ્યક્તિ સાથે અન્ય 60-70 પીએફઆઈ કાર્યકર્તાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં