બાંગ્લાદેશના (Bangladesh) પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ (Sheikh Hasina) 5 ઓગસ્ટે તેમના પદ પરથી રાજીનામું આપ્યા પછી અને મહોમ્મદ યુનુસના (Muhammad Yunus) નેતૃત્વવાળી વચગાળાની સરકાર બન્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારમાં વધારો થયો હતો. તાજેતરમાં હિંદુ સંગઠન ISKCONના સંત સ્વામી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી હતી, ઉપરાંત બાંગ્લાદેશમાં હિંદુ સંગઠનોને કટ્ટરપંથી સાબિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ત્યારે હવે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ત્યાંની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને તેમના દેશમાં હિંદુ સમુદાયના લોકો પરના હુમલાના માસ્ટર માઈન્ડ (Master Mind Of Minority Mass Killing) છે. તેમણે કહ્યું હતું કે મહોમ્મદ યુનુસના કારણે નરસંહાર અને દેશમાં અરાજકતાનો માહોલ ઉભો થયો છે.
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે રાજીનામું આપ્યા બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું હતું અને તે ત્યારથી જ ભારતમાં રહી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત તેમની પાર્ટી અવામી લીગના એક કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યો હતો. આ દરમિયાન સંબોધન કરતાં શેખ હસીનાએ કહ્યું કે દેશમાં લઘુમતીઓ પર થયેલા હુમલા માટે મોહમ્મદ યુનુસ સંપૂર્ણપણે જવાબદાર છે.
શેખ હસીનાએ દાવો કર્યો હતો કે, “જો હું સત્તામાં વધુ સમય સુધી રહી હોત તો અને રાજીનામું ન આપ્યું હોત તો ત્યારે જ નરસંહાર થઇ જાત. જ્યારે લોકોને અંધાધૂંધ મારવામાં આવી રહ્યા હતા, ત્યારે મેં નક્કી કર્યું કે મારે ચાલ્યા જવું જોઈએ. જો મારા સુરક્ષાકર્મીઓએ ગોળીબાર કર્યો હોત તો ઘણા લોકો માર્યા ગયા હોત અને PM હાઉસમાં મૃતદેહો પડ્યા હોત. આવું થાય એમ હું નહોતી ઈચ્છતી.” ભૂતપૂર્વ વડાપ્રધાને દાવો કર્યો હતો કે તેમના પિતા અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જેમ તેમની પણ હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હતી. જો તેમણે દેશ ન છોડ્યો હોત તો તેમની પણ હત્યા થઇ જાત.
‘મહોમ્મદ યુનુસ છે હુમલાઓના માસ્ટર માઈન્ડ…’
નોંધનીય છે કે શેખ હસીનાએ મંદિરો, ચર્ચો અને ધાર્મિક સંગઠન ISKCON પર હુમલા માટે મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે. હસીનાએ કહ્યું, “મારા પર સામૂહિક હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં વિદ્યાર્થીઓ સાથે મળીને સુનિયોજિત યોજનાના ભાગરૂપે સામૂહિક હત્યામાં મહોમ્મદ યુનુસ સામેલ છે. તે આ હુમલાઓના માસ્ટર માઈન્ડ છે.”
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારનો ઉલ્લેખ કરતા શેખ હસીનાએ કહ્યું, “આજે શિક્ષકો અને પોલીસ બધા પર હુમલા થઈ રહ્યા છે અને તેમની હત્યા થઈ રહી છે. હિંદુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ચર્ચો અને ઘણા મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે.” તેમણે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઇ રહેલ અત્યાચાર અંગે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.