દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જે 3 લાખ રૂપિયાના ઇનામી આતંકવાદી શાહનવાઝની તેના સાથીઓ સાથે ધરપકડ કરી છે, પૂછપરછમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેઓ ભારતમાં 26/11ની જેમ જ મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં હતા. આ પૂછપરછમાં તેઓએ કબુલ્યું છે કે તેમણે મુંબઈના મંદિરો અને આખા દેશમાં RSS કાર્યાલયોના પરિસરની રેકી કરીને હુમલો કરવાની તૈયારીઓ કરી લીધી હતી.
ટ્રાયલ માટે 5 જગ્યાઓ પર કરવાના હતા બ્લાસ્ટ
CNN- News18ના ખાસ અહેવાલ અનુસાર શાહનવાઝે ખુલાસો કર્યો છે કે તેણે ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં RSS સહિતના અનેક હિંદુ સંગઠનો સાથે જોડાયેલા 15 કાર્યાલયો પર રેકી કરી હતી. તેમનો ઈરાદો હિંદુ સંગઠનો અને હિંદુ અગ્રણીઓને ટાર્ગેટ કરવાનો હતો. આટલું જ નહીં, 26/11 જેવા ભયંકર આતંકવાદી હુમલાની પ્રેક્ટીસ કરવા માટે આતંકવાદીઓએ નૂંહ, મેવાત, દિલ્હી, લખનૌ અને રુદ્રપ્રયાગમાં બ્લાસ્ટ કરવાના હતા. જોકે આતંકવાદીઓ તેમના મનસુબા પાર પાડે તે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
શાહનવાઝ અને તેની ગેંગ ‘મુસ્લિમો પર અત્યાચારથઇ રહ્યા છે’વાળી થીયરીમાં વિશ્વાસ રાખતા હતા અને તેમના વિચારોમાં માત્ર “કાફીરોને કોઈ પણ કિમતે ન છોડવા જોઈએ” જ ચાલી રહ્યું હતું. આ આતંકવાદીઓએ અનેક હિંદુ અને યહૂદી નેતાઓની હત્યાનો કારસો રચી રાખ્યો હતો. તેમના માથે પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક હેન્ડલરોનો હાથ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
ગુજરાતની હિંદુ યુવતીને મુસ્લિમ બનાવી કર્યા નિકાહ
ઉલ્લેખનીય છે કે શાહનવાઝ મૂળ ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે. તેણે ગાઝિયાબાદની વિશ્વેશ્વર્યા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી માઇનિંગ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. તેના ગુજરાત કનેક્શનની વાત કરીએ તો શાહનવાઝે એક હિંદુ યુવતી સાથે નિકાહ કર્યા છે. તેની પત્નીનું મૂળ નામ બસંતી પટેલ છે જે ગુજરાતની રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શાહનવાઝે પહેલા બસંતીને ઇસ્લામ કબૂલ કરાવ્યો અને પછી તેની સાથે નિકાહ કર્યા હતા. નિકાહ બાદ શાહનવાઝે બસંતીનું નામ બદલીને મરિયમ કરી નાંખ્યું હતું.
એન્જિનિયરિંગની ડિગ્રી પૂરી કર્યા પછી શાહનવાઝ પુણે ગયો. ત્યાં તેણે ISISના સ્લીપર સેલ તૈયાર કરવાનું શરૂ કર્યું. તેની ગેંગના તમામ સભ્યો બોમ્બ બનાવતા હતા અને નજીકના જંગલોમાં જઈને તેનું પરીક્ષણ કરતા હતા. શાહનવાઝની ગેંગને બ્લાસ્ટના કાવતરાને પાર પાડવા એક ચોરીના બાઇકની જરૂર હતી. શાહનવાઝ સાથે આ નેટવર્ક સાથે સંકળાયેલા ઈમરાન અને યુસુફને જુલાઈ 2023માં બાઇક ચોરવાના મિશન પર મોકલવામાં આવ્યા હતા પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તે સમયે શાહનવાઝ ભાગવામાં સફળ રહ્યો હતો.