Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમ્યુઝિયમમાં ‘નહેરૂની ગોલ્ડન સ્ટિક’ તરીકે દર્શાવવામાં આવતો હતો દેશની સ્વતંત્રતાનો પ્રતીક સેંગોલ,...

    મ્યુઝિયમમાં ‘નહેરૂની ગોલ્ડન સ્ટિક’ તરીકે દર્શાવવામાં આવતો હતો દેશની સ્વતંત્રતાનો પ્રતીક સેંગોલ, PM મોદીની નજર પડી અને મળ્યું ‘નવજીવન’

    1947માં જ્યારે ભારત બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થયું અને સત્તાનું હસ્તાંતરણ કરવામાં આવ્યું ત્યારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને જે સેંગોલ સોંપવામાં આવ્યો હતો તે હવે નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે.

    - Advertisement -

    બુધવારે (24 મે, 2023) ગૃહમંત્રી અમિત શાહે ભારત સરકાર તરફથી એક અગત્યની જાહેરાત કરી. જે અનુસાર, આગામી 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરે ત્યારબાદ લોકસભાના સ્પીકરના આસનની બાજુમાં ઐતિહાસિક સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. 

    ચોલ વંશના રાજાઓમાં એવી પરંપરા હતી કે એક શાસક બીજા શાસકને સત્તા સોંપે ત્યારે આ પ્રકારનો રાજદંડ પણ સોંપતા. આ દંડ રાજશક્તિ અને સ્વતંત્રતાનું પ્રતીક કહેવાતો અને જે-તે રાજાને ‘ન્યાય’ અને ‘સુશાસન’ની યાદ અપાવતો રહેતો. 1947માં જ્યારે ભારત બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થયું અને સત્તાનું હસ્તાંતરણ કરવામાં આવ્યું ત્યારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને જે સેંગોલ સોંપવામાં આવ્યો હતો તે હવે નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. પરંતુ પ્રશ્ન એ પણ થાય કે અત્યાર સુધી આ દંડ ક્યાં સાચવી રાખવામાં આવ્યો હતો. 

    ભારતની સ્વતંત્રતા અને રાજશક્તિના પ્રતીક સમા આ સેંગોલને છેલ્લા સાત દાયકાથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. જે બોક્સમાં તેને રાખવામાં આવ્યો છે તેની બહાર ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખ્યું છે- ‘પંડિત જવાહરલાલ નહેરૂને ભેટ (અપાયેલી) સોનેરી લાકડી.’ એટલે કે જે રાજદંડને દેશની સ્વતંત્રતા સમયે સત્તા હસ્તાંતરણના પ્રતીક તરીકે પ્રથમ પીએમને સોંપવામાં આવ્યો હતો તેને જ્યારે મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યો ત્યારે નહેરૂની વ્યક્તિગત ચીજ અને માત્ર ‘સોનેરી લાકડી’ લખીને વર્ણવવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    વર્ષો સુધી આ સેંગોલ પ્રયાગરાજના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ વર્ષ 2018માં આ સેંગોલ બનાવનારા ચેન્નાઇના વુમ્મુદી બંગારૂ જવેલર્સના એક વિડીયોએ પીએમ મોદીનું ધ્યાન ખેંચ્યું હતું. આ અંગે જવેલર્સના માલિક અમરેન્દ્રન જણાવે છે કે, “રાજદંડ દાયકાઓથી ત્યાં જ રખાયો હતો અને તેને ‘નહેરૂની સોનેરી લાકડી’ તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવ્યો હતો. 2018માં એક મેગેઝીનમાં તેના વિશે વાંચ્યું ત્યાં સુધી અમને આ સેંગોલ વિશે ખબર ન હતી. 2019માં અમે એક મ્યુઝિયમમાં તેને જોયો અને અલાહાબાદ મ્યુઝિયમના અધિકારીઓને મળીને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જોકે, કોરોનાના કારણે તે થઇ ન શકી અને જેથી અમે એક વિડીયો બનાવ્યો, જે પીએમ મોદી સુધી પહોંચી ગયો હતો.”

    તેમણે વધુમાં ઉમેર્યું કે, તેને એક ગ્લાસના બોક્સમાં અન્ય વસ્તુઓ સાથે રાખવામાં આવ્યો હતો. ડિસ્પ્લે બોક્સ ઉપર ‘પંડિત જવાહરલાલ નહેરૂને અપાયેલી ગોલ્ડન સ્ટિક’ લખવામાં આવ્યું હતું પરંતુ મા લક્ષ્મી અને નંદીની પ્રતિકૃતિ જોઈને તેમણે દંડ ઓળખી લીધો હતો. પછીથી PMO દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવી અને તેમણે જવેલર્સનો સંપર્ક કર્યો હતો અને એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી હતી.

    લગભગ મહિના પહેલાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આર્ટ્સે આ જવેલર્સનો સંપર્ક કરીને આ સેંગોલની એક ચાંદીની પ્રતિકૃતિ બનાવવા માટે કહ્યું હતું, જેની ઉપર પછીથી સોનાની વરખ ચડાવવામાં આવનાર હતી. આ પ્રતિકૃતિ લોકોને જોવા માટે મ્યુઝિયમમાં રાખવામાં આવશે, જ્યારે મૂળ સેંગોલ સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. 28મીએ થનારા ઉદ્ઘાટન સમારોહમાં આ જવેલર્સ પરિવારના 10 સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં