Saturday, May 4, 2024
More
    હોમપેજરાજકારણ'લૌટ કો કેતન ઘર કો આયે': સીઆર પાટીલ સાથે બેઠક બાદ સાવલીના...

    ‘લૌટ કો કેતન ઘર કો આયે’: સીઆર પાટીલ સાથે બેઠક બાદ સાવલીના ધારાસભ્ય ઈનામદારનો યુ-ટર્ન, રાજીનામું પરત ખેંચ્યું, કહ્યું- સકારાત્મક જવાબ મળ્યો

    બેઠક બાદ કેતન ઈનામદારે મીડિયાને કહ્યું કે, "હું રાજીનામું પરત ખેંચી રહ્યો છું. મને સકારાત્મક જવાબ મળ્યો છે." આ બેઠકમાં સીઆર પાટીલ, કેતન ઈનામદાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામેલ હતા.

    - Advertisement -

    વડોદરાના સાવલી વિધાનસભાના બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચી લીધું છે. થોડી કલાકો પહેલાં જ તેમણે સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું ઇમેઇલ મારફતે મોકલ્યું હતું. જે બાદ રાજકારણ ગરમાયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે, ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી તેઓ નારાજ હતા. જોકે, પાટીલે સ્પષ્ટ નિવેદન પણ આપ્યું હતું કે, પાર્ટી પોતાની રીતે કામ કરશે. કોને પાર્ટીમાં લેવા અને કોને નહીં તે પાર્ટી નક્કી કરશે. જે બાદ ઈનામદાર અને સીઆર પાટીલ વચ્ચે ગાંધીનગરમાં બેઠક થઈ હતી અને તે પછી તેમણે રાજીનામું પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

    19 માર્ચના રોજ રાત્રે લગભગ 1:30 કલાકે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું હતું. જે બાદ હવે ફરી તેમણે યુ-ટર્ન લીધો છે. બપોરના સમયે તેઓ વડોદરાથી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. ગાંધીનગરમાં તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે બંધ બારણે મિટિંગ કરી હતી. આ મિટિંગ પૂર્ણ થયા બાદ તેઓ બહાર નીકળ્યા હતા. તે સમયે ત્યાં મીડિયાના અનેક લોકો હાજર હતા. મિટિંગ બાદ તેમણે મીડિયાને કહ્યું કે, “હું રાજીનામું પરત ખેંચી રહ્યો છું. મને સકારાત્મક જવાબ મળ્યો છે.” આ બેઠકમાં સીઆર પાટીલ, કેતન ઈનામદાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામેલ હતા.

    આ અંગે કેતન ઈનામદારે જણાવ્યું છે કે, “ગઈ કાલે રાત્રે દોઢ વાગ્યે મે ઇમેઇલ કરીને વિધાનસભાના અમારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મારુ રાજીનામું મોકલી આપ્યું હતું. જેમાં મે બે લીટીમાં લખ્યું હતું કે, મારા અંતરઆત્માને માન આપીને હું રાજીનામું આપું છું. મારા રાજીનામાંની જાણ જ્યારે મારા પ્રદેશના મંત્રીઓને અને સરકારમાં સીએમથી માંડીને તમામ આગેવાનોને થઈ હતી. ત્યારે તેમણે મને અંતરઆત્માના અવાજ અંગેની વાત પૂછી હતી.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “મારી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને પ્રભારીમંત્રી હર્ષ સંઘવી સાથે બેસીને ચર્ચા થઈ છે. મે મારી બધી જ વાતો એમને કરી છે. મારી જે પણ વેદના હતી તે મે તેમને જણાવી છે. આ મામલે મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.” આ ઉપરાંત તેમણે કહ્યું કે, જે કઈ પણ ચર્ચા હશે અને અસંતોષ હશે તે પાર્ટી સાથે બેઠક કરીને તેનો ઉકેલ શોધશે અને વિધાનસભા અધ્યક્ષને આપેલું રાજીનામું પાછું ખેંચશે.

    થોડી કલાકો પહેલાં જ આપ્યું હતું રાજીનામું

    નોંધનીય છે કે, થોડી કલાકો પહેલાં જ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજનામું આપી દીધું હતું. તેમણે રાજીનામાં સાથે લખ્યું હતું કે, “માનનીય, અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. સુજ્ઞમહાશયશ્રી, વંદે માતરમ સહ જણાવું છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર, 135-સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છું. મારા અંતરઆત્માના અવાજને માન આપીને મારા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.” જોકે, વિધાનસભા અધ્યક્ષે પણ રાજીનામું સ્વીકાર્યું નહોતું. જે બાદ હવે આખરે તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું છે.

    નોંધવું જોઈએ કે, ચાર વર્ષ પહેલાં પણ વિજય રૂપાણીની સરકાર સમયે તેમણે રાજીનામું આપી દીધું હતું. પરંતુ તે બાદ અચાનક તેમણે રાજીનામું પરત પણ ખેંચી લીધું હતું. તેવામાં ફરી એકવાર તેમણે વિધાનસભા અધ્યક્ષને મેઇલ કરીને રાજીનામું આપ્યું હતું અને હવે પાછું પરત પણ ખેંચી લીધું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં