Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણ'કોને લેવા કોને નહીં એ પાર્ટી નક્કી કરશે': કેતન ઈનામદારના રાજીનામાં પર...

    ‘કોને લેવા કોને નહીં એ પાર્ટી નક્કી કરશે’: કેતન ઈનામદારના રાજીનામાં પર સીઆર પાટીલની પ્રતિક્રિયા, પ્રભારી રાજેશ પાઠક કરી રહ્યા છે ધારાસભ્ય સાથે વાર્તાલાપ

    ચાર વર્ષ પહેલાં પણ વિજય રૂપાણી પર ઠીકરા ફોડીને તેમણે તે સમયે રાજીનામું આપી દીધું હતું. પરંતુ તે બાદ અચાનક તેમણે રાજીનામું પરત પણ ખેંચી લીધું હતું.

    - Advertisement -

    વડોદરાના સાવલીના MLA કેતન ઈનામદારે લોકસભા ચૂંટણી પહેલાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેલ કરીને રાજીનામું આપ્યું છે. પરંતુ હજુ સુધી તેમના રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની પણ આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. તેવું પણ સામે આવી રહ્યું છે કે ભાજપના પ્રભારી રાજેશ પાઠક કેતન ઈનામદારને સમજાવી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે કેતન ઈનામદારના રાજીનામાં બાદ અવનવી અટકળો ચાલી રહી છે. ભાજપના અલગ-અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ રાજીનામાં પર પૂર્વ મંત્રી હરી ચૌધરીએ કહ્યું હતું કે, “રાજીનામું આપવું તે કેતનભાઈનો અંગત વિષય છે, પાર્ટીમાં બધા સાથે મળીને જ કામ કરે છે અને કોઈને કોઈનાથી નારાજગી હોતી જ નથી.” આ મામલે ભાજપ નેતા કીર્તિસિંહે પણ કહ્યું કે ભાજપના ધારાસભ્ય રાજીનામું આપે તે પાર્ટીનો અંગત વિષય છે, બહારના લોકોના હસ્તક્ષેપની જરૂર નથી.

    બીજી તરફ સતીષ નિશાળિયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમને સોશિયલ મીડિયા થકી આ રાજીનામાની જાણ થઈ છે. રાજ્યના ભાજપ પ્રભારી રાજેશ પાઠક કેતન ઈનામદારને સમજાવી રહ્યા છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કેતન ઈનામદારે ભલે રાજીનામું આપ્યું હોય, પરંતુ તેઓ વડાપ્રધાન મોદીને વરેલા છે. તો આ મામલે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રાજીનામાંને લઈને મીડિયાકર્મીઓએ પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું હતું કે, “પાર્ટી ધારાસભ્યો મુજબ નહીં, પાર્ટી પાર્ટીના નિયમોથી ચાલશે.”

    - Advertisement -

    આ પહેલા પણ આપી ચુક્યા છે રાજીનામું

    ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ પહેલાં પણ વિજય રૂપાણી પર ઠીકરા ફોડીને તેમણે તે સમયે રાજીનામું આપી દીધું હતું. પરંતુ તે બાદ અચાનક તેમણે રાજીનામું પરત પણ ખેંચી લીધું હતું. તેવામાં ફરી એકવાર તેમણે વિધાનસભા અધ્યક્ષને મેઇલ કરીને રાજીનામું આપ્યું છે. જોકે, હજુ સુધી તે રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. બની શકે કે, તેઓ ગયા વખતની જેમ આ વખતે પણ રાજીનામું પરત ખેંચી શકે છે.

    કેતન ઈનામદાર 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા હતા. જે બાદ તેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, તે પછી તેઓ 2017 અને 2022 એમ બે ટર્મ ભાજપની ટિકિટ પર જીત્યા હતા. તેમણે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે રાજનીતિની શરૂઆત કરી હતી. પરંતુ અપક્ષ ધારાસભ્ય તરીકે એક કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેઓ ભાજપમાં સામેલ થયા હતા અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં