છેલ્લા થોડા સમયથી મીડિયામાં ચર્ચામાં રહેતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના એક ઇન્ટરવ્યૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પત્રકાર સુશાંત સિન્હાએ લીધેલા આ ઇન્ટરવ્યૂમાં સત્યપાલ મલિક સવાલોમાં એવા ઘેરાયા હતા કે આખરે ‘તમને ઇન્ટરવ્યૂ આપીને ભૂલ કરી નાંખી’ કહીને માઈક ઉતારી દીધું હતું.
સત્યપાલ માલિકનો આ ઇન્ટરવ્યૂ વર્ષ 2021માં ટીવી ચેનલ ‘ટાઈમ્સ નાઉ નવભારત’ દ્વારા લેવામાં આવ્યો હતો. તે સમયે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનનો મુદ્દો ચર્ચામાં હતો અને ત્યારે મલિકે ખેડૂતોનો પક્ષ લીધો હતો. તે સમયે તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશે પણ અમુક ચર્ચાસ્પદ નિવેદનો આપ્યાં હતાં. જેમાંથી એક નિવેદન પર તાજેતરમાં જ તેમણે ફેરવી તોળ્યું હતું.
ઇન્ટરવ્યૂ દરમિયાન પત્રકાર સુશાંત સિન્હાએ સત્યપાલ મલિકને પૂછ્યું કે, જો તેમને હરિયાણા કે દિલ્હીમાં ખેડૂતો સાથે ખોટું થયું તો તેમણે રાજ્યપાલનું પદ કેમ ન છોડી દીધું? જેની ઉપર મલિકે કહ્યું કે, હું તમારા એટિટ્યૂડથી ખુશ નથી. તમારે આવી રીતે વાત ન કરવી જોઈએ. તમને ઇન્ટરવ્યૂ માટે મંજૂરી આપીને ભૂલ કરી દીધી. જેને લઈને પત્રકારે કહ્યું કે, તેઓ લોકોના મનમાં જે પ્રશ્નો છે એ જ પૂછી રહ્યા છે. જવાબમાં સત્યપાલ મલિકે કહ્યું હતું કે, “પબ્લિકના મનમાં જે હોય તે રાખે, મને ગવર્નર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને બનાવ્યો હતો, જો તેઓ કહેશે તો હું એક મિનિટમાં છોડી દઈશ.”
કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણયને લઈને પૂછવામાં આવતાં સત્યપાલ મલિકે કહ્યું કે, “તે બહુ સારું થયું અને હું આ માટે વડાપ્રધાનને શુભેચ્છાઓ આપું છું. જે કોઈ કાયદા બને તે ખેડૂતો સાથે ચર્ચા કરીને સૌની સહમતિ સાથે બને.” પરંતુ ત્યારે જ પત્રકારે મલિકનું એક જૂનું નિવેદન તેમને યાદ કરાવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, કાયદાઓ રહેવા જોઈએ પરંતુ MSP પર પણ કાયદો બનવો જોઈએ. જેની ઉપર સત્યપાલ મલિક ભડકી ઉઠ્યા હતા.
તેમણે કહ્યું, “મેં ક્યારેય એવું ન હતું કહ્યું, તમે મારા મોંમાં શબ્દો ન નાંખો. હું તમારા એટીટ્યુડથી બહુ ખુશ નથી. ભૂલથી તમને સમય આપી દીધો.” આમ કહીને તેમણે માઈક ઉતારવાના પ્રયાસ કર્યા હતા.
સત્યપાલ મલિકે ખેડૂત આંદોલન દરમિયાન એક નિવેદન આપીને શીખ સમુદાયને પીએમ મોદી વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તમે શીખોને હરાવી શકો નહીં. તમે એમ વિચારતા હોવ કે આંદોલનકારીઓ ખાલી હાથે જતા રહેશે તો તમે ખોટા છો અને બે કામો ન કરશો. એક- તેમની ઉપર બળપ્રયોગ ન કરશો અને તેમને ખાલી હાથ મોકલશો નહીં, કારણ કે તેઓ ભૂલતા પણ નથી. “ ત્યારબાદ તેમણે ઇન્દિરા ગાંધીની હત્યાનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, જો સરકાર કાયદા પરત નહીં લે તો આવાં પરિણામો ભોગવવાં પડી શકે છે.
આ નિવેદનને લઈને પૂછવામાં આવતાં સત્યપાલ મલિકે જવાબ આપ્યો હતો કે, મેં માત્ર એટલું કહ્યું હતું કે આ લોકો ઘણા સમય સુધી યાદ રાખે છે, તેમાં કોઈ ધમકી ન હતી પરંતુ સલાહ હતી કે હિંસા વગર વાટાઘાટોનો રસ્તો પકડવો જોઈએ.
ત્યારબાદ તેમને અન્ય પણ કેટલાક કડક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેનાથી તેઓ નારાજ દેખાયા હતા. અંતે માઈક કાઢતી વખતે તેમને કહેતા સંભળાય છે કે, “ભૂલ થઇ ગઈ, આગળથી હવે આમને કોઈ ઇન્ટરવ્યૂ આપશો નહીં કે બોલાવશો પણ નહીં.
તાજેતરમાં અચાનક પીએમ મોદી અને સરકાર પર સવાલો ઉઠાવીને ચર્ચામાં આવી ગયેલા સત્યપાલ મલિક ડાબેરી મીડિયાના પ્રિય બની ગયા છે ત્યારે તેમનો આ જૂનો વિડીયો ભરપૂર શૅર થઇ રહ્યો છે.