કોલકાતાની (Kolkata) RG કર મેડિકલ કોલેજ-હોસ્પિટલ (RG Kar Hospital) ખાતે એક ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેના પડઘા દેશભરમાં પડ્યા.આ કેસમાં હોસ્પિટલ અને મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ (Sandeep Ghosh) પર પણ સવાલો ઉઠ્યા હતા અને ત્યારબાદ કેસની તપાસ કરતી CBIએ હોસ્પિટલમાં ગેરરીતિ મામલે એક FIR નોંધીને તેમની ધરપકડ પણ કરી લીધી હતી. હવે સામે આવ્યું છે કે આ ઘટના ઘટી તેના બીજા જ દિવસે સંદીપ ઘોષે સેમિનાર હોલ નજીક રિનોવેશન કરવાનો આદેશ આપ્યો હતો. આ આરોપ ભાજપે લગાવ્યા છે. આ સેમિનાર હોલ એ જ જગ્યા છે, જ્યાં પીડિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.
પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદારે ગુરુવારે (5 સપ્ટેમ્બર) X એક પત્ર શૅર કર્યો હતો, જેમાં સંદીપ ઘોષના હસ્તાક્ષર સાથે હોસ્પિટલના સેમિનાર હોલ નજીક રિનોવેશન કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. પત્ર પર તારીખ 10 ઑગસ્ટ લખવામાં આવી છે, જ્યારે પીડિતા સાથે રેપ-હત્યાની ઘટના બની હતી 9 ઑગસ્ટની રાત્રે. એટલે જો પત્રને સાચો માનવામાં આવે તો ઘટનાના થોડા જ કલાકોમાં ક્રાઇમ સીન નજીક રિનોવેશન કરવાનો આદેશ આપી દેવાયો હતો.
The order, signed by Sandip Ghosh, former director of RG Kar Medical College, is dated August 10, just one day after the victim's death. Despite allegations from colleagues and protesters about tampering with the crime scene, the Police Commissioner denied it. @CBIHeadquarters pic.twitter.com/FEOirTn0ho
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) September 5, 2024
ભાજપ નેતા પત્રને પોસ્ટમાં ટાંકીને લખ્યું હતું કે, “RG કર મેડિકલ કોલેજના ભૂતપૂર્વ ડિરેક્ટર સંદિપ ઘોષ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલો આદેશ, પીડિતાના મૃત્યુના એક દિવસ પછી, 10 ઓગસ્ટના રોજ આપવામાં આવ્યો હતો. કોલેજના કર્મચારીઓ અને પ્રદર્શનકારીઓ પુરાવા સાથે છેડછાડ કરી હોવાના આરોપ લગાવ્યા હતા, પરંતુ પોલીસ કમિશનરે નકારી દીધા હતા.”
જે પત્ર શૅર કરવામાં આવ્યો છે, તેમાં જણાવાયું હતું કે, “RG કર મેડિકલ કોલેજ-હોસ્પિટલના વિવિધ વિભાગમાં ઓન ડ્યુટી ડોક્ટર્સના રૂમ અને અલગ શૌચાલયનો અભાવ છે, હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટર્સની જરૂરિયાતની માંગના આધારે તાતાક્લિક ધોરણે જરૂરી પગલાં લેવામાં આવે.” સાથે જણાવવામાં આવ્યું કે, આ મામલે પશ્ચિમ બંગાળ સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના મુખ્ય સચિવ અને મેડિકલ એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ આદેશ કોલેજમાં સેમિનાર હોલ નજીકના ભાગમાં રિનોવેશન માટે આપવામાં આવ્યો હતો, જે સામે આવ્યા બાદ પુરાવા સાથે ચેડાં થયાની અટકળોને વધુ વેગ મળી રહ્યો છે.
અહીં નોંધનીય છે કે સંદીપ ઘોષ પહેલેથી જ શંકાના ઘેરામાં રહ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે હોસ્પિટલ પ્રશાસને પહેલાં ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતાને ગયેલા કોલનાં રેકોર્ડિંગ પણ સામે આવ્યાં હતાં, જેમાં તેમની પુત્રીને દાખલ કરવામાં આવી હોવાનું અને તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે પણ બંગાળ પોલીસને FIR મોડી નોંધવા મામલે ફટકાર લગાવી હતી.