સમાજવાદી પાર્ટીના સ્થાપક અને વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને જેથી ICU માં ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર અખિલેશ યાદવ પણ તેમની પાસે પહોંચ્યા છે.
Haryana | SP chief Akhilesh Yadav reaches Medanta hospital in Gurugram where his father & SP leader Mulayam Singh Yadav has been admitted https://t.co/4jAtwMloFX pic.twitter.com/kCCcxbxWOS
— ANI (@ANI) October 2, 2022
રિપોર્ટ અનુસાર, મુલાયમસિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તબિયત વધુ લથડતાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, તેમના પુત્ર અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, પુત્રવધુ ડિમ્પલ યાદવ તેમજ ભાઈ શિવપાલ યાદવ પણ મુલાયમ સિંહ યાદવ પાસે પહોંચ્યા છે. બીજી તરફ, વતનથી પણ પરિજનો દિલ્હી પહોંચી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે.
82 વર્ષીય મુલાયમ સિંહ યાદવ અગાઉ પણ મેદાંતા હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર લઇ ચૂક્યા છે. ઘણા સમયથી તેમની સારવાર આ જ હોસ્પિટલમાં ચાલે છે. અગાઉ પણ જુલાઈ 2021માં બેચેની અને ગભરામણ થતાં તેમને મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે પહેલાં પણ તેઓ ઘણી વખત આ જ હોસ્પિટલમાં દાખલ થઇ ચૂક્યા છે.
સપા સંસ્થાપકને પેટના દુઃખાવાની બીમારી રહે છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પેટમાં દુઃખાવો ઉપડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 1967માં તેઓ પ્રથમ વખત ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 1989માં તેઓ પહેલી વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. 1992માં તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી.
ત્યારબાદ 1993થી 1995 સુધી અને 2003 થી 2007 સુધી યુપીના સીએમ રહ્યા હતા. તેઓ 1996 થી 1998, 1998 થી 2004 તેમજ 2009 થી અત્યાર સુધી સાંસદ પણ રહ્યા છે. 2019માં તેઓ મૈનપુરી લોકસભા પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. તેઓ 1996 થી 198 સુધી એચ.ડી દેવેગૌડા સરકારમાં રક્ષામંત્રી પણ રહી ચૂક્યા છે.
જોકે, ઉંમર અને માંદગીના કારણે મુલાયમ સિંહ યાદવ હવે ખાસ સાર્વજનિક જીવનમાં જોવા મળતા નથી. હાલ તેમના પુત્ર અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ છે.