Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય..’: સાળંગપુર મંદિર વિવાદને લઈને સંત સમાજ આકરા...

    ‘હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય..’: સાળંગપુર મંદિર વિવાદને લઈને સંત સમાજ આકરા પાણીએ, મોરારી બાપુએ કહ્યું- સમાજે જાગૃત થવાની જરૂર

    સાળંગપુર હનુમાનજીના અપમાનના વિવાદ બાદ સનાતની સંતો પણ મેદાને આવ્યા છે. મોરારી બાપુ, પ્રખ્યાત સંત હર્ષદ ભારતી બાપુ, કચ્છના કબરાઉ ઓગળ ધામના મહંત મણીધર બાપુ સહિતના સંતો મહંતોએ જાહેરમાં આક્રોશ વવ્યક્ત કર્યો છે.

    - Advertisement -

    સાળંગપુર ખાતે સ્થાપવામાં આવેલી હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલાં ભીંતચિત્રોમાંથી અમુકમાં બજરંગબલીને સહજાનંદ સ્વામીના દાસ ચીતરવામાં આવતાં હોબાળો થયો છે. સોશિયલ મીડિયા પર ભરપૂર વિરોધ થઇ રહ્યો છે તો હવે હનુમાનજીના અપમાનના વિવાદમાં સનાતની સંતો પણ મેદાને આવ્યા છે. મોરારી બાપુ, પ્રખ્યાત સંત હર્ષદ ભારતી બાપુ, કચ્છના કબરાઉ મોગલ ધામના મહંત મણિધર બાપુ સહિતના સંતો-મહંતોએ જાહેરમાં આક્રોશ વ્યક્ત કર્યો છે.

    મળતી માહિતી અનુસાર, હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવા મામલે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ કહ્યું હતું કે, “પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા દુનિયામાં અનેક પ્રકારના કપટ ચાલી રહ્યાં છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની વિશાળ સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે, તેની નીચે હનુમાનજી તેમના કોઈ મહાપુરૂષને પ્રણામ કરતા, સેવા કરતા દર્શાવ્યા છે. આ બધા હીન ધર્મ છે, કપટ છે. સમાજને જાગૃત થવાની જરૂર છે.”

    તો બીજી તરફ હર્ષદ ભારતી બાપુએ પણ હનુમાનજીના અપમાન બદલ આકરા પાણીએ જોવા મળ્યા છે. તેમણે એક વિડીયો દ્વારા પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કહ્યું હતું કે, “આ સ્વામીઓ હદ વટાવી ગયા છે. પહેલાં પુસ્તકો પૂરતા હતા, પુસ્તકોમાં ભગવાનના ચિત્રો ચીતર્યાં હતાં. ભગવાનને હાથ જોડી ઉભા રાખે છે સ્વામીઓ પાસે…. અને હવે સાળંગપુરમાં હજારો લોકો જોઈ શકે તેમ હનુમાનજીને એક દાસ, એક ચોકીદાર તરીકે ઉભા રાખી દીધા છે. બસો-અઢીસો વર્ષના ઈતિહાસવાળા સ્વામીઓની સામે. હદ વટાવી દીધી છે, તમારી પાસે કયા શાસ્ત્રોનું પ્રમાણ છે? હનુમાનજીને માનનારા સંતો, કથાકારો, કલાકારો, સંગઠનો તમામે આ મામલે બોલવું પડશે.”

    - Advertisement -

    આ સિવાય કબરાઉ મોગલ ધામના મહંત મણિધર બાપુએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ચેતવણી આપી છે. તેમણે આ મુદ્દે જણાવ્યું કે, “અમે પાયામાં ઉતરીશું તો તમે બધું મૂકી દેશો. હનુમાનજીનું અપમાન કરવાની કોઈ તાકાત નથી. હનુમાન દાદાનું અપમાન કરનારા તેમના ચરણની રજમાં પણ બેસવાને લાયક નથી. હનુમાનજીનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ આ પ્રકારનું અપમાન કરી શકે.”

    શું છે વિવાદ?

    નોંધનીય છે કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થયા હતા. વાયરલ થયેલા તે ફોટામાં ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.

    આ મામલે સનાતન ધર્મ સેવા સમિતિના કાર્યકરોએ ભાવનગરના શિહોર પોલીસ મથકે એક અરજી આપીને ફરિયાદ કરી છે કે જ્યારે તેમણે આ મામલે સાળંગપુર મંદિરના સંતોની મુલાકાત લીધી હતી, ત્યારે સંતોએ તેમને કહ્યું હતું કે, “ભગવાન સહજાનંદ સ્વામીની સેવામાં મહાદેવ અને મહાબલી હનુમાનજી 24 કલાક ખડેપગે હાજર રહેતા હતા.” તેમણે સંતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, આ અંગે પોલીસ તરફથી કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યાં છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં