શનિવારે (27 જુલાઈ) દિલ્હીના રાજેન્દ્ર નગરના જે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાના કારણે ત્રણ UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓનાં મોત થયાં તેના વિશે હવે વધુ જાણકારીઓ સામે આવી રહી છે. ફાયર NOC પરથી જાણવા મળ્યું છે કે ભોંયરાનો ઉપયોગ સંગ્રહસ્થાન તરીકે કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ત્યાં વાસ્તવમાં ચાલતી હતી લાઇબ્રેરી.
NOCમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, બેઝમેન્ટનો ઉપયોગ બિલ્ડિંગ નિયમો અનુસાર જ કરવાનો રહેશે. દિલ્હી ફાયર સર્વિસનાં સૂત્રોને ટાંકીને ન્યૂઝ18ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, રાઉ IAS કોચિંગ એકેડમીના માલિકો ભોંયરાનો ઉપયોગ લાઇબ્રેરી તરીકે કરતા હતા. આ મામલે FIRમાં જરૂરી કલમો ઉમેરવા માટે દિલ્હી પોલીસને જાણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, NOCમાં જણાવાયું હતું કે દાદર પર ખૂલતા એક્સિટ પેસેજ પર કોઇ તાળાં ન હોવાં જોઈએ. ઉપરાંત, ત્યાં સુરક્ષા માટે કરવામાં આવેલી વ્યવસ્થામાં કોઇ ખામી ન હોવી જોઈએ અને સાધનો ચાલુ હાલતમાં હોવાં જોઈએ. ઉપરાંત, સુરક્ષા માપદંડોનું ધ્યાન ન રાખવા બદલ સંપત્તિ કે જીવને નુકસાન થાય તો તે મેનેજમેન્ટની જવાબદારી રહેશે અને હંમેશા ટ્રેન્ડ સ્ટાફ પણ ઉપલબ્ધ રાખવાનો રહેશે. આ સિવાય સર્ટિફિકેટ એક્સપાયર થાય તેના 6 મહિના પહેલાં રિન્યૂ કરાવવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવા પણ જણાવાયું હતું.
ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આ મામલે આમ આદમી પાર્ટી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું કે, આખરે આ પરવાનગી કઈ રીતે આપવામાં આવી હતી અને શું તેના માટે AAP સરકાર અને અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી કે કેમ? તેમણે આ મામલે તપાસ કરવા માટે ઉપરાજ્યપાલને વિનંતી કરી છે.
Why did the Arvind Kejriwal government in Delhi issue a fire safety certificate labeling the basement of Rao IAS as 'Storage'?
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) July 28, 2024
Was a bribe been paid to the officials and AAP government in Delhi in exchange of fire certificate?
Only an enquiry by @LtGovDelhi
can investigate… pic.twitter.com/8FjwnmfRnK
વધુ જાણકારી અનુસાર, ઇમારતના ચાર માળ છે. ઉપરાંત પાર્કિંગની જગ્યા અને એક બેઝમેન્ટ છે. ડ્રેનેજ સાફ ન થવાના કારણે શનિવારે વરસાદ પડ્યા બાદ પાણી ભરાવા માંડ્યું અને ભોંયરામાં જવા માંડ્યું. વિદ્યાર્થીઓ અનુસાર, લાઇબ્રેરીમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી હતી, એટલે કે ફિંગરપ્રિન્ટ વગર દરવાજો ખોલી શકાય નહીં. પાણી ભરાવાનું શરૂ થતાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો અને એટલે દરવાજો પણ લૉક થઈ ગયો અને વિદ્યાર્થીઓ અંદર ફસાઈ ગયા હતા.
નોંધવું જોઈએ કે આ મામલે દિલ્હી પોલીસે FIR દાખલ કરીને કોચિંગ સેન્ટરમાં જવાબદાર 2 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.