રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી જ યુરોપિયન યુનિયન (EU) ભારત પર રશિયા પાસેથી ઈંધણ ન ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે. જોકે સત્ય કંઈક જુદું જ છે. આંકડા મુજબ યુરોપ ભારત કરતાં વધુ ઈંધણ ખરીદી રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા પાસે ભારત કરતા વધુ ઈંધણ ખરીદતા યુરોપને સણસણતો જવાબ આપી દર્પણ દેખાડ્યો હતો. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતની ઉર્જા જરૂરિયાતો માત્ર ભારત જ નક્કી કરશે.
અહેવાલો અનુસાર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર રશિયાથી તેલ અને ગેસની આયાત પર યુરોપને તીખા જવાબ આપ્યા હતા. તેમણે રશિયા પાસે ભારત કરતા વધુ ઈંધણ ખરીદતા યુરોપને સણસણતો જવાબ આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ભારતની ઉર્જાની જરૂરિયાતો યુરોપ કે અન્ય કોઈ વિદેશી દેશ નક્કી ન કરી શકે. યુરોપ પોતે કંઈક અલગ જ કરે અને ભારતને કંઈક જુદુ જ કરવા કહે એ કેવી રીતે શક્ય બને? યુરોપે રશિયા પાસેથી 10 દેશો સાથે મળી તેલ, ગેસ અને કોલસાની સૌથી વધુ આયાત કરી છે.
#WATCH | European Unions from February to November have imported more fossil fuel from Russia than the next 10 countries combined. The oil import in European Union is six times what India has imported; gas is infinite times because we don’t import it: EAM Dr S Jaishankar pic.twitter.com/3Thnvg8KyG
— ANI (@ANI) December 5, 2022
વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે (5 ડિસેમ્બર, 2022) જર્મનીના વિદેશ મંત્રી એન્નાલેના બેરબોક સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં યુરોપિયન યુનિયન સાથે ભારતની સરખામણી કરતા આંકડા રજૂ કર્યા. રશિયામાંથી ઈંધણની આયાત અંગે જયશંકરે જણાવ્યું હતું કે યુરોપે તેને અનુસરતા 10 દેશો કરતાં વધુ તેલ, ગેસ અને કોલસો રશિયા પાસેથી આયાત કર્યો હતો. આ આંકડા 24 ફેબ્રુઆરીથી 17 નવેમ્બર 2022 વચ્ચેના સમયગાળાના છે.
ભારતમાંથી યુરોપની આયાતની સરખામણી કરતાં જયશંકરે કહ્યું કે પશ્ચિમી દેશોની તેલની આયાત ભારત કરતાં 5 થી 6 ગણી વધારે છે. ગેસ પણ અસંખ્ય ગણો વધારે છે કારણ કે ભારત તેની આયાત કરતું નથી. કોલસાની આયાત ભારત કરતા 50% વધુ છે. જયશંકરે વધુમાં કહ્યું કે, “હું તમને આંકડાઓ જોવા વિનંતી કરીશ. ‘રશિયા ફોસિલ ફ્યુઅલ ટ્રેકર’ નામની એક વેબસાઈટ છે જે તમને તમામ દેશોનો વાસ્તવિક ડેટા આપશે. તમને ખબર પડશે કે કયા દેશે કેટલું તેલ આયાત કર્યું છે. તે તમને વાસ્તવિકતા જાણવામાં ખૂબ મદદરૂપ થશે.”
યુક્રેન સાથેના યુદ્ધ બાદ રશિયા પાસેથી તેલની આયાત પર યુરોપ ભારત પર સતત સવાલ ઉઠાવી રહ્યું છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, યુરોપ પોતે જ રશિયામાંથી તેલ અને કોલસા તથા ગેસનું મોટું આયાતકાર રહી ચુક્યું છે. જેથી એસ જયશંકર અગાઉ પણ યુરોપને સણસણતો જવાબ આપી શક્યા કે બીજાને શિખામણ આપતા પહેલા યુરોપે પહેલા પોતાનામાં જોવું જોઈએ. આંકડા અનુસાર. 5 ડિસેમ્બર 2022 સુધીમાં જર્મની અને નેધરલેન્ડ્સ રશિયન ઇંધણના સૌથી મોટા ગ્રાહકો છે. તે પછી ઇટાલી, પોલેન્ડ, ફ્રાન્સ, બલ્ગેરિયા અને ગ્રીસ જેવા દેશો આવે છે.
જયશંકરે એમ પણ કહ્યું હતું કે યુરોપ ભારતની ઉર્જા જરૂરિયાતો નક્કી કરી શકે નહીં. તેમને એ પણ કહેવાનો અધિકાર નથી કે ભારત ક્યાંથી શું ખરીદશે. આ વાત યુરોપીયન યુનિયનને સમજવાની જરૂર છે.