Tuesday, July 2, 2024
More
    હોમપેજરાજકારણરિયાસી આતંકી હુમલા મામલે કાશ્મીર પોલીસે 50 સંદિગ્ધોની અટકાયત કરી, થશે પૂછપરછ:...

    રિયાસી આતંકી હુમલા મામલે કાશ્મીર પોલીસે 50 સંદિગ્ધોની અટકાયત કરી, થશે પૂછપરછ: હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓએ કર્યો હતો હુમલો

    ઉત્તર પ્રદેશના હિંદુ તીર્થયાત્રીઓની એક બસ કટરા શિવમંદિરથી જઈ રહી હતી ત્યારે રિયાસીમાં પહેલેથી ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કરી દીધો હતો, જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલા મામલે હાલ સુરક્ષાબળો તપાસ ચલાવી રહ્યાં છે. તાજા સમાચાર પ્રમાણે ગુરુવારે (13 જૂન) જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે 50 વ્યક્તિઓની અટકાયત કરી હતી, જેમની હવે સઘન પૂછપરછ કરવામાં આવશે. તેમાંથી કોઈ આતંકવાદી કૃત્યમાં સંડોવાયેલું હોવાની આશંકા સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

    પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે, હુમલા બાદ પોલીસ અને સુરક્ષાબળો દ્વારા મોટાપાયે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાંથી અમુક લીડ્સ મળી આવી છે, જેના થકી અમુક વ્યક્તિઓની ઓળખ કરીને તેમને પકડવામાં આવી રહ્યા છે. સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે, તપાસના ભાગરૂપે જિલ્લાના અરનાસ અને મહોર વિસ્તારોમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જે 1995થી 2005 દરમિયાન આતંકવાદીઓના ગઢ માનવામાં આવતા હતા. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને કાશ્મીરમાં થયેલા હુમલા અને ત્યારબાદ ચાલતી તપાસ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી હતી. તેમણે પૂરેપૂરી શક્તિ સાથે કાશ્મીરમાં આતંકવાદનો ખાતમો કરવા માટે સુરક્ષાબળો અને એજન્સીઓને આદેશ આપ્યા છે. 

    - Advertisement -

    હાલ જમ્મુ અને રાજૌરી જિલ્લાના સુંદરબાની, નૌશેરા, દોમાના, લંબેરી અને અખનૂર વગેરે વિસ્તારોને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને એજન્સીઓને પણ સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ઇન્ટેલ એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આતંકવાદી સંગઠનો સૈન્ય કેમ્પો ઉપર ફિદાયીન હુમલાઓને અંજામ આપી શકે છે. હાલ સમગ્ર વિસ્તારોમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યાં છે. 

    નોંધવું જોઈએ કે કાશ્મીરના રિયાસીમાં ગત રવિવારે (9 જૂન) એક આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો, જ્યારે નવી દિલ્હીમાં નવી કેન્દ્ર સરકાર શપથ ગ્રહણ કરી રહી હતી. ઉત્તર પ્રદેશના હિંદુ તીર્થયાત્રીઓની એક બસ કટરા શિવમંદિરથી જઈ રહી હતી ત્યારે રિયાસીમાં પહેલેથી ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કરી દીધો હતો, જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં અને 41 લોકો ઈજા પામ્યા હતા. 

    ત્યારબાદ પણ કાશ્મીર ખીણમાં જુદાં-જુદાં ઠેકાણે લગભગ ત્રણેક હુમલાઓ થયા. જેમાં એક હુમલાને અંજામ આપનાર બે આતંકવાદીઓને શોધીને સુરક્ષાબળોએ ઠાર મારી દીધા હતા. જોકે, તેમાં એક CRPF જવાન વીરગતિ પામ્યા. હાલ કાશ્મીરમાં ઑપરેશનો ચાલી રહ્યાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં