શુક્રવારે (19 મે, 2023) રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ 2 હજાર રૂપિયાની ચલણી નોટ સર્ક્યુલેશનમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી. જોકે, સાથે એમ પણ કહ્યું કે આ નોટ ચલણ તરીકે માન્ય રહેશે અને રાતોરાત બંધ થઇ જવાની નથી. બેંકે લોકોને 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો સમય આપ્યો છે, ત્યાં સુધીમાં લોકોએ પોતાની પાસે રહેલી 2 હજારની નોટ બેન્કમાં જમા કરાવી દેવાની રહેશે. અથવા તેઓ તેના બદલે અન્ય નોટ પણ લઈ શકે છે.
RBIની આ જાહેરાત બાદ પણ લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે. જેને લઈને એક FAQ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તમામ સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ એક રૂટિન પ્રક્રિયા છે અને લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. FAQનો અર્થ Frequently Asked Questions થાય છે, જેમાં સામાન્ય રીતે જે સવાલો લોકોના મનમાં હોય તેના જવાબ આપવામાં આવે છે.
- આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
નવેમ્બર, 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી જાહેર કરીને 500 અને 1 હજાર રૂપિયાની જૂની ચલણી નોટો અમાન્ય જાહેર કરી હતી અને તેના સ્થાને 500 અને 2 હજાર રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડવામાં આવી હતી. પરંતુ ચલણી નોટોની જરૂરિયાતો પૂર્ણ થઇ ગયા બાદ અને બજારમાં અન્ય ચલણી નોટો પણ પૂરતા પ્રમાણમાં ફરતી થઇ ગયા બાદ 2018-19થી 2 હજારની નવી નોટોનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલ જે નોટ ફરી રહી છે તેમાંથી મોટાભાગની 2017 પહેલાં જ ઈસ્યૂ કરવામાં આવી છે. બેંકે કહ્યું કે, આ ચલણી નોટનો ઉપયોગ સામાન્ય વ્યવહારોમાં બહુ ઓછો જોવા મળે છે અને બીજી તરફ, લોકોની જરૂરિયાતો સંતોષવા માટે અન્ય કિંમતની ચલણી નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ રિઝર્વ બેન્કે 2 હજારની નોટ પરત લેવાનો નિર્ણય કર્યો છે.
- ક્લીન નોટ પોલિસી શું છે?
બજારમાં સારી ગુણવત્તાની ચલણી નોટો ઉપલબ્ધ થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે RBI દ્વારા આ પોલિસી લાવવામાં આવી છે.
- 2 હજારની નોટ શું અમાન્ય થઇ ગઈ? શું તે નાણાકીય વ્યવહારો માટે વાપરી શકાશે?
રિઝર્વ બેન્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હજુ પણ 2 હજારની નોટ ચલણ તરીકે માન્ય જ ગણાશે અને લોકો હજુ પણ નાણાકીય વ્યવહારો માટે તેનો ઉપયોગ કરી શકે છે. જોકે, RBIએ લોકોને અપીલ કરી છે કે તેઓ 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં આ નોટોને કાં તો બેન્કમાં જમા કરાવી દે અથવા અન્ય નોટ સાથે બદલી લે. પરંતુ ત્યાં સુધી આ નોટ માન્ય તો રહેશે જ.
- જો તમારી પાસે 2 હજાર રૂપિયાની નોટ હોય તો શું કરશો?
RBI અનુસાર, ગ્રાહકો નજીકની બેન્ક શાખામાં જઈને 2 હજારની નોટ જમા કરાવી શકશે અથવા તેને અન્ય નોટ સાથે બદલી પણ શકશે. 30 સપ્ટેમ્બર, 2023 સુધી તમામ બેન્ક શાખાઓમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
- 2 હજારની નોટ બેન્ક ખાતામાં જમા કરાવવા માટે કોઈ મર્યાદા છે?
બેન્ક અકાઉન્ટમાં 2 હજારની નોટ જમા કરાવવા માટે કોઈ ખાસ નિયમ પણ નથી કે કોઈ મર્યાદા પણ નથી. KYC નિયો અને અન્ય નિયામક જરૂરિયાતોને આધીન કોઈ પણ પ્રતિબંધ વગર આ પ્રક્રિયા કરી શકાશે. એટલે કે કોઈ નવો નિયમ લાગુ પડશે નહીં.
- 2 હજારની નોટ બેન્કમાંથી એક્સચેન્જ કરવા માટેની કોઈ મર્યાદા છે?
હા. ગ્રાહક એક સમયે બેન્કમાંથી 20 હજાર રૂપિયાની મર્યાદામાં 2 હજાર રૂપિયાની નોટ બદલી શકશે. આ નિર્ણય બેન્કની અન્ય નિયમિત પ્રક્રિયાઓમાં ખલેલ ન પડે તે માટે લેવામાં આવ્યો છે.
- એક્સચેન્જની સુવિધા ક્યારથી મળવાની શરૂ થશે? શું તેના માટે કોઈ વિશેષ ચાર્જ લાગશે?
આ તારીખ 23 મે, 2023 છે. ત્યાં સુધીમાં બેન્કો પૂરતી વ્યવસ્થા કરી લે તે માટે આટલો સમય આપવામાં આવ્યો છે. ઉપરાંત, આ સુવિધા માટે કોઈ વિશેષ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
- 2 હજારની નોટ બદલવા માટે બેન્કના ગ્રાહક હોવું જરૂરી છે?
ના. કોઈનું ખાતું ન હોય તોપણ તેઓ બેન્ક શાખામાં જઈને એક સમયે 20 હજાર રૂપિયાની મર્યાદા સુધી 2 હજારની નોટ બદલાવી શકશે.
- કોઈને 20 હજાર કરતાં વધુની જરૂર હોય તો શું કરવું?
મર્યાદા માત્ર એક્સચેન્જ પર છે, બેન્ક ખાતામાં જમા કરાવવા પર નહીં. 2 હજારની નોટ બેન્ક ખાતામાં જમા કરાવીને ત્યારબાદ જરૂર મુજબની રકમ ઉપાડી શકાશે.
- સિનિયર સીટીઝન, દિવ્યાંગો માટે ડિપોઝીટ/એક્સચેન્જની અલગ વ્યવસ્થા હશે?
RBIએ આ પ્રકારના લોકોની સવલત માટે 2 હજારની નોટના ડિપોઝીટ/એક્સચેન્જ માટે વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા છે.
- બેન્ક શાખા નોટ બદલવાની ના પાડે તો શું કરવું?
આ પરિસ્થિતિમાં ગ્રાહક જે-તે બેન્કનો સંપર્ક કરી શકે છે. જો ફરિયાદ કર્યાના 30 દિવસ બાદ પણ જવાબ ન મળે કે અસંતોષકારક જવાબ મળે તો ગ્રાહક RBIના કોમ્પ્લેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ (cms.rbi.org.in) પરથી ફરિયાદ નોંધાવી શકે છે.