શનિવારે (17 જૂન, 2023) કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, રિઝર્વ બેંકની તિજોરીમાંથી 88,032.5 કરોડની કિંમતની 500 રૂપિયાની નવી ડિઝાઈનવાળી નોટો રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. પરંતુ, RBIએ રૂ. 500ની નોટો ગાયબ થવાના આ અહેવાલોને ફગાવી દીધા છે અને જણાવ્યું છે કે RTIના ડેટાનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક મીડિયા અહેવાલોમાં એક્ટિવિસ્ટ મનોરંજન રોયએ કરેલી RTIના જવાબને ટાંકવામાં આવ્યો હતો. RTI ડેટામાં કહેવામાં આવ્યું હતું કે, દેશની ત્રણેય ટંકશાળોએ નવી ડિઝાઈન કરેલી ₹500ની કુલ 8,810.65 મિલિયન નોટો જારી કરી હતી. જેમાંથી આરબીઆઈને માત્ર 7,260 મિલિયન નોટો પ્રાપ્ત થઈ હતી.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નાસિક કરન્સી નોટ પ્રેસ દ્વારા રૂ. 500ની નવી ડિઝાઇનવાળી 375.450 મિલિયન નોટો છાપવામાં આવી હતી, પરંતુ એપ્રિલ 2015 અને ડિસેમ્બર 2016 વચ્ચે આરબીઆઈને 345.000 મિલિયન પ્રિન્ટેડ નોટો પ્રાપ્ત થઈ હતી. આ માહિતી દ્વારા નોટો ગાયબ થયાનો આરોપ લગાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ કથિત રીતે ગાયબ થયેલી નોટોમાંથી 210 મિલિયન નોટ નાસિક ટંકશાળમાં એપ્રિલ 2015થી માર્ચ 2016 દરમિયાન છાપવામાં આવી હતી.
સમાચારો વહેતા થયા બાદ રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ એક પત્ર જારી કરીને જણાવ્યું કે, આ સમાચારો સાચા નથી અને તેમાં RTI દ્વારા મળેલી જાણકારીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. પત્રમાં આગળ કહેવામાં આવ્યું કે બેન્ક છપાયેલી નોટોનો હિસાબ બરાબર રાખે છે અને તેના સંગ્રહ અને વિતરણ માટે એક ચોક્કસ પ્રક્રિયા અને પ્રોટોકોલ હોય છે.
Clarification on Banknote pic.twitter.com/PsATVk1hxw
— ReserveBankOfIndia (@RBI) June 17, 2023
આ તમામ મીડિયા રિપોર્ટ્સને ઉદ્દેશીને આરબીઆઈએ સ્પષ્ટતા કરી હતી કે, “માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ બેંકનોટ પ્રિન્ટીંગ પ્રેસમાંથી એકત્રિત કરવામાં આવેલી માહિતીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. પ્રિન્ટીંગ પ્રેસમાંથી આરબીઆઈને સપ્લાય કરવામાં આવેલ તમામ બેંકનોટોનો યોગ્ય રીતે હિસાબ આપવામાં આવે છે.”
RBIએ રૂ. 500ની નોટો ગાયબ થવાના મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા હતા અને ખાતરી આપી હતી કે, પ્રેસમાં છપાતી બેંકનોટ અને આરબીઆઈને તેના સપ્લાયની ખાતરી માટે મજબૂત સિસ્ટમ કાર્યરત છે. આ સિસ્ટમમાં બેંકનોટના ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ પર દેખરેખ રાખવા માટે કડક પ્રોટોકોલ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાગરિકોને વિનંતી કરી હતી કે તેઓ આવી બાબતોમાં આરબીઆઈ દ્વારા પ્રકાશિત માહિતી પર જ આધાર રાખે.