હિંદુ પર્વ રામનવમી દરમિયાન દેશમાં અનેક ઠેકાણેથી શોભાયાત્રાઓ પર હુમલાઓ થવાની ઘટના સામે આવી હતી. બંગાળના હાવડામાં તહેવારના બીજા દિવસે પણ હિંસા થઈ હતી. આ બધા વચ્ચે બિહારમાં પણ હિંસા ફાટી નીકળી છે. તાજા અહેવાલો મુજબ બિહારના સાસારામમાં શોભાયાત્રાના બીજા દિવસે થયેલી હિંસામાં બૉમ્બ ફેંકાયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ટોળામાંથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાના અહેવાલો મળ્યા હતા.
સ્થાનિકો અનુસાર, વિસ્તારમાં રામનવમી શોભાયાત્રાઓ પૂર્ણ થયા બાદ અમુક લોકોએ રામ નવમીના મંડપને આગ લગાવી દીધી હતી, જેના કારણે માહોલ તંગ બન્યો હતો અને તોફાનો શરૂ થઇ ગયાં હતાં. ઉપદ્રવીઓએ અમુક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું તો કેટલીક દુકાનોમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી. આ દરમિયાન ગોળીબાર થયો હોવાનું અને બૉમ્બ ફેંકવામાં આવ્યા હોવાનું પણ રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો હતો. હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
ઘટના બાદ સાસારામ શહેરના ગોલા બજાર, કાદરીગંજ, મુબારકગંજ, ચોખંડી, અને નવરત્ન બજાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યાં હતાં. બીજી તરફ, પરિસ્થિતિને જોતાં જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.
WATCH | बिहार के सासाराम में बवाल, आगजनी के साथ बमबाजी
— ABP News (@ABPNews) March 31, 2023
हुंकार @RubikaLiyaquat के साथ | @kumarprakash4u | https://t.co/smwhXURgtc #Bihar #RamnavamiViolence #BreakingNews #HunkarOnABP pic.twitter.com/m9fOyuhdyL
રમખાણની માહિતી મળતાંની સાથે જ ડીએમ ધર્મેન્દ્ર કુમાર અને જિલ્લા પોલીસ અધિકારી વિનીત કુમાર પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ધમાલમાં 2 પોલીસ કર્મીઓ ગોળી વાગવાથી ઘાયલ થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે તેને લઈને હજુ સુધી અધિકારીક રીતે કોઈ નિવેદન સામે નથી આવ્યું. પોલીસના કહેવા મુજબ બંને પક્ષે તણાવનું વાતવરણ છે પરંતુ તેઓ પરિસ્થિતિઓ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.
એક રિપોર્ટ મુજબ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રામનવમીની યાત્રાના સમાપન બાદ ભગવાન રામના મંડપમાં કેટલાક લોકોએ આગ લગાવી દીધી હતી અને આ ઘટના બાદ હુમલાખોર ઉપદ્રવીઓ દ્વારા નજીકમાં પાર્ક કરાયેલા વાહનોમાં આગ લગાવી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ મોટા પ્રમાણમાં પોલીસ દળ ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યું હતું. હાલ પરિસ્થિતિઓ કાબૂમાં હોવાનું પોલીસ જણાવી રહી છે.