Monday, April 22, 2024
More
  હોમપેજદેશરાજસ્થાન પોલીસની SIT કરશે સુખદેવ સિંઘ ગોગામેડી હત્યાકાંડની તપાસ, NIAને પણ સામેલ...

  રાજસ્થાન પોલીસની SIT કરશે સુખદેવ સિંઘ ગોગામેડી હત્યાકાંડની તપાસ, NIAને પણ સામેલ કરવામાં આવે તેવા અહેવાલ

  અધ્યક્ષની હત્યા બાદ કરણી સેના દ્વારા રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેને પ્રતિસાદ પણ મળ્યો હતો અને જયપુર, ઉદયપુર, અજમેર, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ સહિતના અનેક જિલ્લાઓમાં બજારો સજ્જડ બંધ રહ્યાં હતાં. દરમિયાન, ક્યાંક વિરોધ પ્રદર્શનો પણ થયાં.

  - Advertisement -

  ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના’ના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં તણાવનો માહોલ છે. એક તરફ કરણી સેનાએ આજે ઠેરઠેર પ્રદર્શનો કર્યાં હતાં તો બીજી તરફ પોલીસ તંત્રે પણ આ મામલે કમર કસી છે. હત્યાની તપાસ મામલે એક SIT રચવામાં આવી છે. ક્યાંક અહેવાલો એવા પણ છે કે NIAને પણ તપાસ સોંપવામાં આવી શકે છે. 

  સુખદેવ સિંઘ ગોગામેડીની હત્યાની તપાસ હવે રાજસ્થાન પોલીસની SIT કરશે. DGP ઉમેશ મિશ્રાએ બુધવારે (6 ડિસેમ્બર) આ જાણકારી આપી હતી. આ SITની આગેવાની DGP (ક્રાઇમ) દિનેશ એમએન કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, તેમણે બે હત્યારાઓની ઓળખ કરી લીધી છે અને આ બંને ઉપર 5 લાખ રૂપિયા ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. 

  મીડિયા રિપોર્ટમાં જયપુરના DCP યોગેશ ગોયલને ટાંકીને જણાવવામાં આવ્યું કે બે હત્યારાઓની ઓળખ રોહિત રાઠોડ મકરાણા અને નીતિન ફૌજી તરીકે થઈ છે. જેમાંથી રોહિત જયપુરનો અને નીતિન હરિયાણાનો રહેવાસી છે. આ બંનેએ સુખદેવ સિંઘ સુધી પહોંચવા માટે તેમના પાડોશી નવીન શેખાવતની મદદ લીધી હતી. 

  - Advertisement -

  આ બંને નવીનની મદદથી જ સુખદેવ સિંઘના ઘરે પહોંચ્યા હતા. ત્યાં મુલાકાત દરમિયાન અચાનક હથિયાર કાઢીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના કારણે સુખદેવ સિંઘ ઢળી પડ્યા. ત્યારબાદ તેમણે સાથે આવેલા નવીન પર પણ ગોળી ચલાવી હતી. બહાર નીકળ્યા બાદ તેમણે એક સ્કૂટર સવાર વ્યક્તિ પર ફાયરિંગ કરીને વાહન આંચકી લીધું હતું. આ ગોળીબારમાં કરણી સેના ચીફના સિક્યુરિટી ગાર્ડ અજીત સિંઘને પણ ઈજા પહોંચી હતી. 

  ઘટના બાદ ગંભીર ઇજાગ્રસ્ત સ્થિતિમાં સુખદેવ સિંઘને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. પરિવારનો આરોપ છે કે અનેક વખત હત્યાની ધમકીઓ મળી ચૂકી હોવાના કારણે તેમણે સરકાર સમક્ષ સુરક્ષાની માંગ કરી હતી, પરંતુ પૂરતી સુરક્ષા આપવામાં ન આવી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ગત પાંચ વર્ષ માટે કોંગ્રેસ સરકાર હતી. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે અને હવે આગામી બે-ત્રણ દિવસમાં સરકાર બની શકે. હાલ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત કેરટેકર CM છે. 

  અધ્યક્ષની હત્યા બાદ કરણી સેના દ્વારા રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેને પ્રતિસાદ પણ મળ્યો હતો અને જયપુર, ઉદયપુર, અજમેર, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ સહિતના અનેક જિલ્લાઓમાં બજારો સજ્જડ બંધ રહ્યાં હતાં. દરમિયાન, ક્યાંક વિરોધ પ્રદર્શનો પણ થયાં.

  આજતકના રિપોર્ટ અનુસાર, સુખદેવસિંઘે વર્ષ 2018માં લાલ ચોક પર તિરંગો ફરકાવ્યા બાદ તેમને પાકિસ્તાનથી પણ અવારનવાર ધમકીઓ મળી રહી હતી. આતંકી કનેક્શન ખુલે તો તપાસ NIAને પણ સોંપવામાં આવી શકે છે, જે માટે ચાર સભ્યોની એક ટીમ જયપુર પહોંચી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, શરૂઆતમાં NIA અધિકારી રાજસ્થાન પોલીસની SITને મદદ કરશે અને પછીથી જરૂર જણાય તો કેસ ટેકઓવર કરી શકે છે. આ હત્યાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદરાએ લીધી છે અને આ ગેંગને લાગતા અનેક કેસ NIA સંભાળી ચૂકી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં