Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશરાજસ્થાનની ભજનલાલ સરકારે ધર્માંતરણ વિરોધી બિલને આપી મંજૂરી, બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવા પર...

    રાજસ્થાનની ભજનલાલ સરકારે ધર્માંતરણ વિરોધી બિલને આપી મંજૂરી, બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવા પર 5 વર્ષ સુધીની કેદ, ધર્મપરિવર્તનના હેતુથી લગ્ન પણ ગેરકાયદેસર

    ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત બિલ ગેરકાયદેસર રીતે થતાં ધર્મ પરિવર્તનને અટકાવશે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદે ધર્મ પરિવર્તનના હેતુથી વિવાહ કરે છે, તો ફેમિલી કોર્ટને આવા લગ્નને અમાન્ય જાહેર કરવાનો પણ અધિકાર આપવામાં આવશે.

    - Advertisement -

    રાજસ્થાન સરકારે (Rajasthan Government) શનિવારે (30 નવેમ્બર) કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી (Anti-Conversion Bill approved) આપી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે, આગામી વિધાનસભા સત્રમાં આ બિલને રજૂ કરવામાં આવશે. શનિવારના રોજ મુખ્યમંત્રી કાર્યાલયમાં યોજાયેલી કેબિનેટ મિટિંગ દરમિયાન આ બિલને મંજૂરી મળી છે. આ બિલ સિવાય પણ રાજસ્થાન કેબિનેટે અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી છે. જોકે, તેમાં સૌથી મહત્વપૂર્ણ બિલ તરીકે ધર્માંતરણ વિરોધી બિલને ગણવામાં આવી રહ્યું છે.

    રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા અનુસાર, આ બિલમાં બળજબરીથી થતી ધર્મપરિવર્તનની ઘટનાઓ પર કમર કસવામાં આવી છે. આવી ઘટનાઓમાં 1થી 5 વર્ષ સુધીની કઠોર કેદ અને દંડની જોગવાઈ રાખવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, “લોકોને ધર્માંતરણ માટે ફોસલાવવામાં આવી રહ્યા છે, તેના વિશેની લોકોને જાણ પણ નથી. અમે અન્ય રાજ્યોના આવા કાયદાઓનો અભ્યાસ કર્યો છે અને તે મુજબ જ અમે સજાનું વર્ગીકરણ પણ કર્યું છે. જેથી બળજબરીથી થતાં ધર્મપરિવર્તનને અટકાવી શકાય.”

    આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે, પ્રસ્તાવિત બિલ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા પર ભ્રામક માહિતી, છેતરપિંડી, બળજબરી અથવા તો અયોગ્ય પ્રભાવ દ્વારા કોઈનું ધર્મપરિવર્તન કરવા પર પ્રતિબંધ મૂકશે. તેમણે વધુમાં કહ્યું છે કે, “રાજસ્થાન સરકાર ગેરકાયદેસર થતાં ધર્માંતરણને રોકવા માટે પ્રતિબદ્ધ છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લોભ-લાલચ અથવા તો છેતરપિંડીથી થતાં ધર્માંતરણના પ્રયાસોને અટકાવવા માટે ‘ધ રાજસ્થાન પ્રોહિબિશન ઑફ અનલૉફુલ કન્વર્ઝન ઑફ રિલિજિયન બિલ-2024’ને વિધાનસભામાં રજૂ કરવા માટેનો નિર્ણય લેવાયો છે.

    - Advertisement -

    ભજનલાલ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત બિલ ગેરકાયદેસર રીતે થતાં ધર્મપરિવર્તનને અટકાવશે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદે ધર્મપરિવર્તનના હેતુથી વિવાહ કરે, તો ફેમિલી કોર્ટને આવા લગ્નને અમાન્ય જાહેર કરવાનો પણ અધિકાર આપવામાં આવશે. કાયદા મંત્રી જોગારામ પટેલે કહ્યું છે કે, આ બિલમાં બંધારણની કલમ 25 અને કલમ 26ની જોગવાઈઓ હેઠળ સત્તા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આવનાર વિધાનસભા સત્રમાં આ બિલને રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ બિલ સિવાય પણ અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. જેમાં સાતમા નાણાપંચની રચના અને રિન્યુએબલ એનજરી માટે નવી ઉર્જા નીતિનો પણ સમાવેશ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં