Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટફરી સુરત આવશે રાહુલ ગાંધી: માનહાનિ કેસમાં મળેલી સજાને સેશન્સ કોર્ટમાં પડકારી,...

  ફરી સુરત આવશે રાહુલ ગાંધી: માનહાનિ કેસમાં મળેલી સજાને સેશન્સ કોર્ટમાં પડકારી, સોમવારે સુનાવણીની શક્યતા

  24 માર્ચે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણીઓ મામલે રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી.

  - Advertisement -

  સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરની કોર્ટમાં આ ચુકાદાને પડકારવા જઈ રહ્યા છે. તેઓ આ માટે સોમવારે (3 એપ્રિલ, 2023) સુરત આવશે અને લીગલ ટીમ સાથે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરશે. 

  જોકે, ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે અને આવતીકાલે કોર્ટ મામલાની સુનાવણી હાથ ધરશે. 

  ગત 24 માર્ચે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણીઓ મામલે રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે, પછીથી ઉપરની કોર્ટમાં અરજી કરવા માટે રાહુલને 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. 

  - Advertisement -

  વર્ષ 2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પોતાના ભાષણમાં પીએમ મોદીને ઘેરવા જતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?” ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીનાં નામ લીધાં હતાં. તેમની આ ટિપ્પણી બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ મામલે છેલ્લાં 4 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો.

  સુરતની કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ એવો પણ પ્રશ્ન ચર્ચાતો હતો કે રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં જશે કે સીધા હાઇકોર્ટમાં ચુકાદાને પડકારશે. પરંતુ તેમની ટીમે સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરવા માટે નિર્ણય કર્યો છે. આ માટે રાહુલ સ્વયં સુરત આવીને કોર્ટમાં અરજી કરશે. 

  લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું, નિવાસસ્થાન ખાલી કરવા પણ નોટિસ 

  સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવ્યા બાદ બીજા દિવસે તેમનું લોકસભાનું સભ્યપદ રદબાતલ ઠેરવવામાં આવ્યું હતું. નિયમાનુસાર, કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા સંભળાવવામાં આવે તો આપમેળે તેમનું પદ રદ કરવામાં આવે છે. 

  24 માર્ચે ચુકાદો આવ્યા બાદ 25 માર્ચે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને સાંસદપદેથી બરતરફ ઠેરવ્યા હતા. 

  સાંસદ પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીને તેમનું નિવાસસ્થાન ખાલી કરવા માટે પણ નોટિસ આપવામાં આવી હતી. રાહુલ ગાંધી હાલ દિલ્હીના 12, તુઘલક લેનના સરકારી નિવાસસ્થાનમાં રહે છે. આ ઘર તેમને 2004માં સાંસદ બન્યા બાદ ફાળવવામાં આવ્યું હતું, ત્યારથી તેઓ અહીં જ રહે છે.  

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં