Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: બોગસ આધારકાર્ડથી લૉન લઈને એસી-ફ્રિજ ખરીદી બારોબાર વેચતી ગેંગ ઝડપાઇ: મુખ્ય...

    વડોદરા: બોગસ આધારકાર્ડથી લૉન લઈને એસી-ફ્રિજ ખરીદી બારોબાર વેચતી ગેંગ ઝડપાઇ: મુખ્ય સૂત્રધાર અલ્લારખાં શેખ સહિત પાંચની ધરપકડ, મહિલા પણ સામેલ

    છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બનાવટી ઓળખના પુરાવાઓ રજૂ કરી ફાઈનાન્સ કંપનીઓમાંથી લોન લઈ ફ્રોડ કરતી ટોળકી સક્રિય થઇ હોવાનું વડોદરા પોલીસના ધ્યાને આવ્યું હતું.

    - Advertisement -

    સુરતમાં મસ્જિદની નીચેથી બોગસ દસ્તાવેજો બનાવવાના રેકેટના ચોંકાવનારા ખુલાસા બાદ હવે વડોદરાથી બોગસ આધારકાર્ડ બનાવતી એક ટોળકી ઝડપાઈ છે. આ લોકો એક જ વ્યક્તિના નામે 4 થી 6 જેટલા આધારકાર્ડ અને અન્ય ઓળખના બોગસ પુરાવાઓ બનાવી ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈ ઘરવખરી ખરીદતા. જે બાદ કંપનીને લાખોનો ચૂનો લગાવી ફરાર થઈ જતા હતા. આ મામલે કારેલીબાગ પોલીસે આરોપીઓ પાસેથી 9 બનાવટી આધારકાર્ડ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો ખરીદદારોને આધારકાર્ડ બનાવતી આપતા અલ્લારખાં શેખની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બનાવટી ઓળખના પુરાવાઓ રજૂ કરી ફાઈનાન્સ કંપનીઓમાંથી લોન લઈ ફ્રોડ કરતી ટોળકી સક્રિય થઇ હોવાનું વડોદરા પોલીસના ધ્યાને આવ્યું હતું. તેવામાં ખાનગી ફાઈનાન્સ કંપની દ્વારા વડોદરાના કારેલીબાગ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલસ તંત્ર એકશનમાં આવ્યું હતું. પોલીસે છટકું ગોઠવીને એક મહિલા સહિત પાંચ ભેજાબાજોની ધરપકડ કરી હતી.

    બોગસ આધારકાર્ડ બનાવતી ટોળકી વડોદરાથી ઝડપાઈ તે મામલે શહેરના ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, હિના આરિફમિયાં ચૌહાણ નામની મહિલા તેમજ આફતાબ એહમદ હનીફભાઇ શેખ, મોહમંદ અકીલ ઇબ્રાહીમશા દિવાન, અલ્લારખા ઉર્ફે અલ્લુ નુરમહમદ શેખ તથા નયન ઉર્ફે બુધો દિનેશભાઇ રાવલ નામના આરોપીઓ રેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવીને અલગ-અલગ જગ્યાએથી લોન લેતા હતા. આ ટોળકી એસી, ટીવી અને ફ્રીજ સહિતની ઘર વપરાશની વસ્તુઓ ખરીદી કરી તેને બારોબાર વેચી દેતી. ઓળખના પુરાવાઓ બનાવતી હોવાના કારણે જયારે લોનની રિકવરી માટે બેંકકર્મીઓ નોંધાયેલા સરનામે જતા ત્યારે આ આરોપીઓ ત્યાં મળતા જ નહતા. ત્યારે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે વોચ ગોઠવીને આ ટોળકીને ઝડપી પાડી હતી.

    - Advertisement -

    બોગસ પુરાવાઓ સહીત પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

    પોલીસે આ ટોળકીની ધરપકડ કર્યા બાત તેમની જડતી લેવાતા, તેમની પાસેથી 9 બોગસ આધારકાર્ડ, 6 મોબાઇલ, એસી, 1 ફ્રીજ અને ટીવી સહીત ફાઈનાન્સ કંપનીને લાખો રૂપિયાનો ચૂનો લગાવીને ભેગો કરેલો સમાન મળી આવ્યો હતો. આટલું જ નહીં, આ ટોળકીએ આ પહેલા ખરીદેલો લાખો રૂપિયાનો સામાન વેચી નાંખ્યો છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 4 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. જ્યારે હજુ અન્ય ફાઇનાન્સ કંપનીમાં તપાસ કરીને આ ટોળકીએ કુલ કેટલાનો ચૂનો લગાવ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

    વ્યક્તિ એક, ઓળખપત્રો અનેક

    નોંધનીય છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકીની હિના અરીફમીયા નામની મહિલાએ પોતાના નામે 3 જેટલા બોગસ આધારકાર્ડ બનાવી રાખ્યા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. અહીં ચોંકાવનારી વાત તે છે કે અલ્લારખા ઉર્ફે અલ્લુ નુરમહમદ શેખ નામના આરોપી સામે વર્ષ 2019માં પણ શહેરના પાણીગેટ અને સિટી પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અલ્લારખા સુરતથી ઝડપાયેલી ટોળકીની જેમ જ તેના કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢીને ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવતો અને તેની ટોળકી આ ડુપ્લિકેટ આધારકાર્ડ ફાઇનાન્સ કંપનીમાં આપીને શો-રુમમાંથી લાખો રૂપિયાની વસ્તુઓ ખરીદતા હતા.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સુરત શહેરમાં એક મસ્જિદની નીચેથી આધારકાર્ડ સહિતના બનાવટી ઓળખપત્રો બનાવવનું રેકેટ ઝડપાયું હતું. જેમાં આમદ ઉર્ફે લખન મોહમદ ખાન, મહેબુબ યાકુબ શેખ, વસીમ બદરૂદ્દીન શેખ, નૂર વઝીર સૈયદ અને સકલૈન નઈમ પટેલ નામના આરોપીઓ લેપટોપ-કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ફોટોશોપની મદદથી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જન્મનો દાખલો વગેરે દસ્તાવેજો બનાવતા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં