પંજાબમાં શિવસેના (તકસાળી)ના હિંદુવાદી નેતા સુધીર સૂરીની ધોળા દહાડે ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. તેઓ પંજાબના અમૃતસરમાં એક મંદિરની બહાર ધરણાં-પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસની સામે જ ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસે હુમલાખોરને પકડી લીધો હોવાનું કહેવાય છે.
Punjab | Shiv Sena leader Sudhir Suri shot in Amritsar. Police present at the spot, details awaited.
— ANI (@ANI) November 4, 2022
"Shiv Sena leader Sudhir Shri has been shot. We have reached the spot and are still verifying everything. The senior officers will brief you," Police say. pic.twitter.com/otlJ0UXLyL
શિવસેના નેતા અન્ય નેતાઓ સાથે એક મંદિરની મૂર્તિઓની બેદબી મામલે પ્રદર્શન કરી રહ્યા હતા. થોડા દિવસ પહેલાં ભગવાનની મૂર્તિઓ કચરામાંથી મળી આવી હતી, જેના કારણે મંદિરની બહારનો કચરો સાફ કરવામાં આવે અને દેવી-દેવતાઓનું અપમાન ન થાય તેવી માંગ સાથે તેઓ અન્ય નેતાઓ સાથે ધરણાં કરી રહ્યા હતા.
દરમ્યાન, તેઓ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ એક ઈસમે આવીને ગોળી ચલાવી દીધી હતી. ગોળી વાગ્યા બાદ સુધીર સૂરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમની સારવાર કરવાના પ્રયત્નો પણ કર્યા, પરંતુ તેઓ બચી શક્યા ન હતા. તેમને છાતીમાં ગોળી વાગી હતી.
હુમલો કરનારને ત્યાં હાજર લોકોએ ઝડપી લીધો હતો અને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. તેની ઓળખ સંદીપ સિંઘ તરીકે થઇ છે. પોલીસે હથિયાર પણ જપ્ત કરી લીધું હતું. શિવસેના નેતાને A.30 પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, હુમલો કરનાર સ્વીફ્ટ કારમાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ એ જ કારમાં ભાગવા જતાં લોકોએ પકડી પાડ્યો હતો અને તેની કાર પર પથ્થરમારો પણ કર્યો હતો. તેની કાર પર ખાલીસ્તાની સંગઠન ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંઘની તસ્વીર લાગી હતી. અમૃતપાલ ખાલીસ્તાની ભિંડરાવાલેના સમર્થક છે. આ સંગઠન અભિનેતા દીપ સિદ્ધુએ ઉભું કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સુધીર સૂરીની હત્યાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ આરોપીઓ પકડાઈ ગયા હતા. 23 ઓક્ટોબરના રોજ પંજાબમાં એસટી એફ અને અમૃતસર પોલીસે 4 ગેંગસ્ટરની ધરપકડ કરી હતી. જેમણે પૂછપરછમાં જણાવ્યું હતું કે શિવસેના નેતા સુધીર સૂરી પર હુમલાનું ષડ્યંત્ર રચી રહ્યા હતા અને તેમની રેકી પણ કરી ચૂક્યા હતા. આરોપીએ એમ પણ જણાવ્યું હતું કે તેમણે નેતા પર દિવાળી પહેલાં હુમલો કરવાની યોજના બનાવી હતી.
જોકે, આ શિવસેના (તકસાળી)એ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની શિવસેનાથી અલગ છે. પંજાબમાં આવી 15 જેટલી શિવસેના સક્રિય છે.