પંજાબના એક આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય સાથે હાસ્યાસ્પદ ઘટના બની છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા પણ બહુ થઇ રહી છે. વાસ્તવમાં, AAP નેતાએ પોતાનો ફોન છેલ્લા 9-10 કલાકથી બંધ હોવાનું અને કોઈના ફોન આવતા-જતા ન હોવાનું કહીને ગામ ગજવી મૂક્યું હતું. જોકે, પછીથી ખબર પડી કે તેઓ પોતાનો ફોન ‘ફ્લાઇટ મોડ’ પર મૂકીને બેઠા હતા.
આ ધારાસભ્યનું નામ છે સુખવીર સિંઘ મેસરખાના. તેઓ પંજાબના ભટિંડાની મૌર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. શુક્રવારે (16 ડિસેમ્બર 2022) રાત્રે 11:32 વાગ્યે તેમણે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે પંજાબીમાં લખ્યું કે તેમનો ફોન છેલ્લા 9-10 કલાકથી બંધ છે અને જેના કારણે તેઓ વ્યથિત છે. તેમણે એમ પણ કહ્યું કે, બાકીના લોકોના એરટેલ સિમ ચાલી રહ્યા છે, પરંતુ તેમનો જ સિમ નથી ચાલી રહ્યો. તેમણે ભટિંડા DCમાં પણ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું.
તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી. ત્યારબાદ મામલો એરટેલ ઇન્ડિયાના ધ્યાને આવતાં કંપનીના અધિકારીક અકાઉન્ટ પરથી પણ તેમને જવાબ આપીને વધુ વિગતો પૂરી પાડવા માટે કહ્યું હતું.
જોકે, થોડા સમય બાદ આ આખો મામલો જ એક હાસ્યાસ્પદ ઘટનામાં ફેરવાઈ ગયો જ્યારે સામે આવ્યું કે AAP ધારાસભ્ય સુખવીર મેસરખાનાના ફોનમાં કે સિમ નેટવર્કમાં કશું જ ખામી ન હતી પરંતુ તેઓ પોતાનો ફોન ‘ફ્લાઇટ મોડ’ પર રાખીને બેઠા હતા. અને જ્યારે ફોન ‘ફ્લાઇટ મોડ’ પર હોય છે ત્યારે નેટવર્ક પણ આવતું નથી અને કોલ પણ કરી શકાતા નથી કે ઉપાડી શકાતા નથી.
હવે AAP નેતાની પોસ્ટ પહેલાંથી પણ બમણી ગતિએ વાયરલ થઇ રહી છે અને લોકો મજા લઇ રહ્યા છે. ભાજપ નેતા તજિન્દર પાલ સિંઘ બગ્ગાએ પણ ધારાસભ્યની પોસ્ટનો સ્ક્રીનશોટ ટ્વિટર પર શૅર કરીને મજા લીધી હતી.
AAP MLA filed a complaint to DC because his mobile network was not working. Later he got to know his phone was in flight mode pic.twitter.com/jyIEcjuE3v
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) December 19, 2022
હાંસીપાત્ર ઠર્યા બાદ પણ આમ આદમી પાર્ટીએ પોસ્ટ ડીલીટ ન કરતાં હવે લોકો પોસ્ટ પર જઈને મજા લઇ રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, આ સમસ્યા વિશે ઈતિહાસનાં પાનાં પર સુવર્ણ અક્ષરોએ લખાવું જોઈએ.
વિકાસ નામના એક યુઝરે લખ્યું કે, સુખવીર મજાના માણસ છે. મેં તો વિચાર્યું હતું કે અત્યાર સુધીમાં તેમણે પોસ્ટ ડિલીટ કરી દીધી હશે.
એક યુઝરે કહ્યું, પંજાબનું આખું નેટવર્ક એ લોકોના હાથમાં આપી દેવામાં આવ્યું છે જેઓ એટલું જ પણ સમજતા નથી કે ફોન એરપ્લેન મોડ પર છે.