Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે ઓછા આલ્કોહોલવાળા પાઉચ વેચશે પંજાબની AAP સરકાર, સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ...

    હવે ઓછા આલ્કોહોલવાળા પાઉચ વેચશે પંજાબની AAP સરકાર, સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી: બિહારનો લઠ્ઠાકાંડ યાદ કરાવીને કોર્ટે લગાવી હતી ફટકાર

    પંજાબ સરકારે જણાવ્યું કે, તેઓ ટૂંક સમયમાં 40 ટકા આલ્કોહોલ ધરાવતા દેશી દારૂનું ઉત્પાદન કરશે અને તેને પાઉચમાં વેચશે.

    - Advertisement -

    રાજ્યમાં નકલી દારૂના ઉત્પાદન અને વેચાણને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એક વખત પંજાબની આમ આદમી પાર્ટી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે પંજાબ સરકારને યોગ્ય પગલાં લેવા માટે આદેશ આપીને પૂછ્યું કે શું તેઓ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જશે? બીજી તરફ, AAP સરકાર તરફથી કોર્ટને જણાવ્યું છે કે તેઓ 40 ટકા આલ્કોહોલ ધરાવતા પાઉચ વેચવાનું શરૂ કરશે.

    કોર્ટે બિહારમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને પણ પંજાબ સરકારને સવાલો કર્યા હતા. કોર્ટે કહ્યું કે, “તમે બિહારમાં શું થયું એ જોયું છે? અમે આવું થવા દેવા માંગતા નથી.” ઉલ્લેખનીય છે કે બિહારના સારણ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં 39 લોકોનાં મોત થયાં હતાં. 

    પ્રશ્નના જવાબમાં પંજાબ સરકારે જણાવ્યું કે, તેઓ ટૂંક સમયમાં 40 ટકા આલ્કોહોલ ધરાવતા દેશી દારૂનું ઉત્પાદન કરશે અને તેને પાઉચમાં વેચશે. સરકારે કોર્ટને કહ્યું, આ દારૂ ગેરકાયદેસર રીતે ઉકાળીને બનાવવામાં આવતા દારૂનો વિકલ્પ બનશે અને ફિલ્ડ ઓફિસરોને ગ્રાઉન્ડ ઇનપુટ્સના આધારે 40 ટકા આલ્કોહોલવાળી દેશી દારૂની જરૂરિયાત પૂરી પાડવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે જેથી નજીકના ભવિષ્યમાં ગેરકાયદેસર દારૂના જોખમવાળા વિસ્તારોમાં તે ઉપલબ્ધ કરાવી શકાય.

    - Advertisement -

    આબકારી અને કરવેરા વિભાગના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, પંજાબના ગ્રામીણ લોકો લહાન (લઠ્ઠો) પસંદ કરે છે, કારણ કે તેમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે અને લગભગ રૂ. 25ની કિંમતના નાના પાઉચમાં મળી રહે છે. વિભાગ અનુસાર, તેમણે કેટલીક ડિસ્ટીલરીઓ સાથે સંપર્કમાં રહી આવા વિસ્તારોમાં દારૂના પાઉચ ઉપલબ્ધ કરાવવા માટેનો નિર્ણય કર્યો છે.

    પંજાબ સરકારે ગુરુવારે એવી પણ રજૂઆત કરી હતી કે, તેમણે એક પરિપત્ર જારી કરીને નકલી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતી ‘ભઠ્ઠી’ મળી આવવા પર સ્થાનિક પોલીસને જવાબદાર ગણવા માટે જણાવ્યું છે. ઉપરાંત, લોકોને નકલી દારૂના સેવનથી થતા નુકસાન વિશે માહિતગાર કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પકડાયેલા ગેરકાયદેસર દારૂના જથ્થાના આધારે માહિતી આપનારને 50,000 થી 1 લાખ રૂપિયા સુધીનું ઈનામ આપવામાં આવશે તેમ પણ સરકારે જણાવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે, 5 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે ભગવંત માનની આગેવાની હેઠળની સરકારને રાજ્યમાં નકલી દારૂના ઉત્પાદન અને વેચાણ સામે નિષ્ક્રિયતા બદલ ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે પંજાબની AAP સરકાર માત્ર કેસ દાખલ કરી રહી છે પરંતુ આગળની કાર્યવાહી કરી રહી નથી અને સાથે જ તેમને જવાબદારી નક્કી કરવા પણ જણાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં