ગુરૂવારે (6 જુલાઈ, 2023) પુણેની ડીવાય પાટિલ હાઈસ્કૂલમાં હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો. સંગઠનો અને વાલીઓ દ્વારા શાળાના આચાર્ય અને અન્ય કેટલાક ખ્રિસ્તી શિક્ષકો પર છેડતી, ધર્માંતરણ અને હિંદુ ધર્મના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે તો એવું પણ સામે આવ્યું છે કે આચાર્યે શાળાના છોકરીઓના વૉશરૂમમાં CCTV કેમેરા લગાવડાવ્યા હતા. મામલો સામે આવ્યા બાદ વિફરાયેલા હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ શાળામાં પહોંચીને વિરોધ નોંધાવીને આચાર્યને મેથીપાક આપ્યો હતો.
પુણેની શાળામાં હિંદુ સંગઠનોએ કરેલા વિરોધ અને ઠાલવેલા આક્રોશનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં આચાર્યને સ્થાનિક હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ માર મારતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઇસ્લામીઓ અને લેફ્ટ-લિબરલો આ વિડીયો શૅર કરીને હિંદુ સંગઠનોને ખોટાં ચીતરવાના પ્રયાસ કરીને હિંદુઓ લઘુમતીઓને જાણીજોઈને હેરાન કરતા હોવાના દાવા કરી રહ્યા છે. અમુક ઇસ્લામીઓએ એવા પણ દાવા કર્યા કે હિંદુઓ માટે હવે ખ્રિસ્તીઓ ટાર્ગેટ બન્યા છે અને એટલા માટે શાળામાં ખ્રિસ્તી પ્રાર્થના કરાવવા માટે આચાર્યને માર મારવામાં આવ્યો હતો. જે અર્ધસત્ય છે.
After Muslims Next Target Christians??
— Mohammad Sher Ali (@SpeakMdAli) July 5, 2023
Alexander Reid, Principal, D Y Patil English High School, Ambi, was allegedly beaten up by Bajrang Dal goons for conducting Christian prayer 'Our Father who art in Heaven', every morning in the school
Democracy is in our DNA ! pic.twitter.com/PMAk8O9sLx
ઇસ્લામીઓ અને ડાબેરીઓ જાણીજોઈને એ બાબતનો ઉલ્લેખ કરી રહ્યા નથી કે આ શાળાના આચાર્યે આઠમા ધોરણથી ઉપરનાં ધોરણમાં અભ્યાસ કરતી છોકરીઓના વૉશરૂમમાં CCTV કેમેરા લગાવડાવ્યા હતા. તેમજ તેણે શાળા પરિસરમાં જ એક મહિલા વાલીની છેડતી પણ કરી હતી.
બાળકોને બાઇબલમાંથી પ્રાર્થના કરવા દબાણ, હિંદુ તહેવારોનું અપમાન કર્યું
ઑપઇન્ડિયાએ શાળા સંચાલકો અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ પાસેથી આ ઘટના અંગેની પુષ્ટિ મેળવી હતી. સ્થાનિક વિહિપ કાર્યકર્તા સંતોષ દાભડેએ અમને જણાવ્યું કે, શાળાની એક વિદ્યાર્થીનીના વાલીએ તેમનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની પુત્રીને શાળામા હેરાન કરવામાં આવી રહી છે. વાલીઓએ એમ પણ આરોપ લગાવ્યો કે છોકરી પાસે સ્કૂલમાં બેન્ચ ઊંચકાવડાવી હતી તેમજ ગાલ અને અન્ય ભાગોએ સ્પર્શ કરીને હેરાન કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “અમે શાળાએ ગયા અને ઘટના અંગે જાણકારી મેળવી. ત્યારે અમને જાણવા મળ્યું કે શાળામાં મોટી છોકરીઓના વૉશરૂપમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. વાલીઓ પહેલેથી જ ગુસ્સામાં હતા ત્યાં જાણવા મળ્યું કે શાળામાં ખ્રિસ્તી ધર્મને લગતી બાબતોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. બાળકોને સભા દરમિયાન બાઇબલમાંથી પ્રાર્થના વાંચવા માટે દબાણ કરવામાં આવતું તેમજ હિંદુ તહેવારોનું અપમાન કરવામાં આવતું હતું.”
સંતોષ દાભડેએ આગળ જણાવ્યું કે, શાળામાં અષાઢી એકાદશી અને ગુડી પડવા જેવા હિંદુ તહેવારોના દિવસે રજા આપવાની ના પાડી દેવામાં આવી હતી. એકાદશીના દિવસે શાળામાં વિદ્યાર્થીઓ પાલખી યાત્રાનું આયોજન કરવા માંગતા હતા પરંતુ તેમને ‘બકવાસ પ્રથા’ ગણાવીને પરવાનગી આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે, અમને ખ્રિસ્તી પ્રાર્થના સાથે કોઈ વાંધો નથી પરંતુ હિંદુ પરંપરાનું અપમાન શા માટે કરવામાં આવે છે? તેને બકવાસ શા માટે કહેવામાં આવે છે? નેવું ટકાથી વધુ હિંદુ વિદ્યાર્થીઓ ભણતા હોવા છતાં કેમ હિંદુ પ્રાર્થના કરવામાં આવતી નથી?”
માહિતી મળ્યા અનુસાર, 4 જુલાઈના રોજ શાળાના આચાર્ય સાથે મારપીટ કરવામાં આવી હતી. જેનું કારણ એ જાણવા મળ્યું છે કે તેણે એક મહિલા વાલીની છેડતી કરવાના પ્રયાસ કર્યા હતા. સભામાં બાઇબલમાંથી પ્રાર્થના કરાવવામાં આવતી હોવાનું જાણ્યા બાદ એક મહિલા વાલી આચાર્ય પાસે ફરિયાદ લઇને ગઈ હતી, જ્યાં તેણે તેમને સ્પર્શ કરવાના પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.
મુસ્લિમ શિક્ષકે ઇસ્લામનાં વખાણ કર્યાં, કહ્યું- નહેરૂ નહીં ઝીણા પહેલા પીએમ બનવા જોઈતા હતા
સૂત્રો અનુસાર, આ શાળાના શિક્ષકો દ્વારા હિંદુ વિદ્યાર્થીઓને તેમના ધર્મ (હિંદુ) વિરુદ્ધ ભડકાવવામાં આવતા હોવાનું અને અન્ય ધર્મો પાળવા માટે તેમને પ્રભાવિત કરવામાં આવતા હતા. શાળાના જ એક મુસ્લિમ શિક્ષક સમીના પટેલ પર આરોપ છે કે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ‘મુસ્લિમો હંમેશા સાચા જ રહ્યા છે પરંતુ હિંદુઓએ તેમને સતત અપમાનિત કરીને લઘુમતી સમુદાયને ટાર્ગેટ કર્યો છે.’ તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ વિશે પણ આપત્તિજનક ટિપ્પણી કરી હોવાનું કહેવાય છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, “નહેરૂ વડાપ્રધાન તરીકે સક્ષમ ન હતા. મોહમ્મદ અલી ઝીણા દેશના પહેલા વડાપ્રધાન બનવા જોઈતા હતા. તો દેશનો વિકાસ બહુ ઝડપી થયો હોત.”
મળેલ માહિતી અનુસાર, સમીના પટેલ સહિત ડીવાય પાટિલ હાઈસ્કુલના ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે ઑપઇન્ડિયાએ શાળા સંચાલકોનો પણ સંપર્ક સાધવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમણે કોઈ વધુ માહિતી આપી ન હતી. શાળા તરફથી કહેવામાં આવ્યું કે, “હાલ કોઈ ટિપ્પણી કરી શકાય તેમ નથી. મેનેજમેન્ટ મામલાની તપાસ કરી રહ્યું છે. અમે જલ્દીથી જ એક અધિકારીક નિવેદન જારી કરીશું.”
મેનેજમેન્ટે કહ્યું- વૉશરૂમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હોવાની જાણ ન હતી
આ મામલે શાળા સંચાલકોએ 6 જુલાઈના રોજ એક બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે શાળામાં આઠમા ધોરણથી ઉપરની વિદ્યાર્થીનીઓના વૉશરૂમમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હોવાની તેમને ખબર ન હતી. સંચાલકોએ વાલીઓને બાહેંધરી આપી હતી કે તેઓ આરોપી શિક્ષકો અને આચાર્ય સામે કડક પગલાં લેશે અને તેમને બરતરફ કરશે.
આ જ શાળામાં ભણતી એક વિદ્યાર્થીનીના વાલીએ આ મામલે ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી અને ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે, આ મામલે અંબી પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી FIR નોંધાઈ નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે શાળામાં વિદ્યાર્થીઓને હિંદુ સંસ્કૃતિથી દૂર રાખીને માત્ર ખ્રિસ્તી પ્રાર્થનાઓ જ અનુસરવા માટે દબાણ કરવામાં આવતું હતું. વાલીએ જણાવ્યું કે, “એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ હિંદુ પ્રાર્થના ‘અય ગિરી નંદિની…’ (મહિષાસુર મર્દિની સ્ત્રોતમ) ગાયું હતું, પરંતુ શિક્ષકોએ તેને વાહિયાત (nonsense) ગણાવીને કહ્યું હતું કે, આ પ્રકારનાં ‘ગીતો’ શાળામાં વગાડવા દેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને હિંદુ તહેવારો રજા આપવામાં આવતી નથી અને ઈસુની પ્રાર્થના કરવા માટે કહેવાય છે. અમે તેની વિરુદ્ધ નથી પરંતુ હિંદુ સંસ્કૃતિ પ્રત્યે આવી ઘૃણા કેમ?”
ફરિયાદ દાખલ, FIRની રાહ જોવાઈ રહી છે
શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતાં એક વાલીએ જણાવ્યું હતું કે, આચાર્યને દેશ પ્રત્યે માન નથી અને ‘જન ગણ મન…’ વાગતું હોય ત્યારે પણ તેઓ રાષ્ટ્રગીતનું સમ્માન કર્યા વગર કોરિડોરમાં ફરતા રહે છે. તેઓ હિન્દી અને મરાઠી બોલવા દેતા નથી, જે યોગ્ય નથી. વિદ્યાર્થીઓને ખ્રિસ્તી સંસ્કૃતિ જ નહીં, તમામ પ્રકારની સંસ્કૃતિઓ વિશે જ્ઞાન હોવું જોઈએ.
પુણેની શાળામાં થયેલા આ વિવાદ બાદ વિરોધ કરતા વાલીઓએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને FIR દાખલ થવાની રાહ જોવામાં આવી રહી છે. મેનેજમેન્ટે મામલાની તપાસ કરીને આચાર્ય અને આરોપી શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. ઑપઇન્ડિયાએ વધુ વિગતો મેળવવા માટે પોલીસનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ માહિતી મળી શકી ન હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.