Thursday, November 14, 2024
More
    હોમપેજરાજકારણવાયનાડમાં પ્રિયંકા ગાંધી જમાત-એ-ઇસ્લામીના સમર્થનથી લડી રહ્યાં છે ચૂંટણી: કેરળ CM પિનારાઈ...

    વાયનાડમાં પ્રિયંકા ગાંધી જમાત-એ-ઇસ્લામીના સમર્થનથી લડી રહ્યાં છે ચૂંટણી: કેરળ CM પિનારાઈ વિજયન, યાદ દેવડાવ્યું ‘સેક્યુલરિઝમ’

    પિનારાઈ વિજયનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ વાયનાડ ચૂંટણીમાં જમાત-એ-ઇસ્લામી સંબંધિત વેલ્ફેર પાર્ટીએ પ્રિયંકા ગાંધીને સમર્થન આપ્યું હતું.

    - Advertisement -

    કેરળમાં વાયનાડ લોકસભા સીટની પેટાચૂંટણીનો (Wayanad) પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. બીજી તરફ કેરળના મુખ્યમંત્રી અને વરિષ્ઠ માર્ક્સવાદી નેતા પિનરાઈ વિજયને (Kerala CM Pinarayi Vijayan) કોંગ્રેસ પાર્ટી પ્રહાર કરતાં કહ્યું કે પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi) કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન જમાત-એ-ઈસ્લામીના સમર્થનથી (Jamat-e-Islami) વાયનાડ લોકસભા પેટાચૂંટણી લડી રહ્યાં છે.

    કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે (7 નવેમ્બર) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્રિયંકા ગાંધી વાડ્રાને ઘેર્યાં હતાં. પોસ્ટમાં તેમણે દાવો કર્યો કે વાયનાડ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો ચહેરો સંપૂર્ણ રીતે ખુલ્લો પડી ગયો છે. કોંગ્રેસ પોતે ધર્મનિરપેક્ષ હોવાનો દાવો કરતી રહે છે પણ બીજી તરફ પ્રિયંકા ગાંધી ત્યાં જમાત-એ-ઈસ્લામીના સમર્થનથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

    શું છે કોંગ્રેસનું સ્ટેન્ડ?.

    આગળ તેમણે પોસ્ટમાં સવાલ કર્યો હતો કે “કોંગ્રેસનું અસલી સ્ટેન્ડ શું છે? આપણો દેશ જમાત-એ-ઇસ્લામીથી અજાણ નથી. શું તે સંગઠનની વિચારધારા લોકતાંત્રિક મૂલ્યો સાથે મેળ ખાય છે?” આગળ તેમણે કહ્યું કે, જમાત-એ-ઈસ્લામી રાષ્ટ્ર કે લોકશાહીને મહત્વ આપતું નથી અને દેશની શાસન વ્યવસ્થાના માળખાની પણ ઘોર અવગણના કરે છે.”

    - Advertisement -
    પિનરાઈ વિજયને કેરલી ફેસબુક પોસ્ટ (ફોટો: ફેસબુક)


    પિનારાઈ વિજયનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ વાયનાડ ચૂંટણીમાં જમાત-એ-ઇસ્લામી સંબંધિત વેલ્ફેર પાર્ટીએ પ્રિયંકા ગાંધીને સમર્થન આપ્યું હતું. અહીં CPIM તરફથી સત્યન્ મોકેરી અને ભાજપ તરફથી નવ્યા હરિદાસ ચૂંટણી લડી રહ્યાં છે. 

    આગળ વિજયને કહ્યું કે, “આ સંગઠન રાજકીય પાર્ટી બનાવીને તેનો કવર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરનું ઉદાહરણ આપીને તેમણે લખ્યું કે, જમાત-એ-ઇસ્લામીએ જમ્મુ કાશ્મીરમાં લાંબા સમય સુધી ચૂંટણીનો વિરોધ કર્યો, પણ પછી તેમણે ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું. શરૂઆતમાં તેમણે ત્રણથી ચાર બેઠકો પર લડવાનું નક્કી કર્યું હતું, પણ પછીથી CPIM નેતા મોહમ્મદ યુસુફ તારીગામીને હરાવવાના પ્રયાસ કર્યા, પણ લોકોએ તેમ છતાં તેમને જ ચૂંટ્યા.”

    તેમણે કહ્યું કે, અહીંના જમાત-એ-ઇસ્લામીના લોકો કહે છે કે, તેઓ અને કાશ્મીરનું સંગઠન અલગ છે, પરંતુ વાસ્તવમાં તો તેમની નીતિ એક જ છે. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી કોઈ પણ સરકારને નકારવી. લાગે છે કે હવે તેઓ કોંગ્રેસ ગઠબંધનને મદદ કરવા જઈ રહ્યા છે.

    કોંગ્રેસ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, ધર્મનિરપેક્ષતાની વાત કરનારાઓએ શું તમામ પ્રકારની સાંપ્રદાયિકતાનો વિરોધ ન કરવો જોઈએ? શું કોંગ્રેસ તેમ કરી શકે છે? કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સહિતના સાથી પક્ષો જમાત-એ-ઇસ્લામી સાથે જોડાણ જાળવી રાખવા માટે કંઇક બલિદાન આપી રહ્યા છે, શું કોંગ્રેસ જમાત-એ-ઇસ્લામીના મતોને ના કહી શકે?

    ઉલ્લેખનીય છે કે વાયનાડ લોકસભા બેઠક પરથી 2024ની ચૂંટણીમાં રાહુલ ગાંધી ચૂંટાયા હતા. તેઓ બે બેઠકો પરથી (બીજી રાયબરેલી) ચૂંટણી લડ્યા હતા અને બંને પરથી જીત મેળવી હતી. નિયમાનુસાર, જીત બાદ કોઈ એક બેઠક છોડવી પડે છે. રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી હતી, જેથી અહીં પેટાચૂંટણી યોજાશે. જેમાં રાહુલ ગાંધીનાં બહેન પ્રિયંકા ગાંધી જ ચૂંટણી લડી રહ્યાં છે. પ્રિયંકાની આ પહેલી ચૂંટણી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં