સ્વાતિ માલીવાલ સાથે દિલ્હી સીએમ કેજરીવાલના ઘરે થયેલી મારપીટ મુદ્દે હવે આમ આદમી પાર્ટી અને INDI ગઠબંધનની અન્ય વિપક્ષી પાર્ટીઓને પ્રશ્નો પૂછાવા માંડ્યા છે. જોકે, અત્યાર સુધી તેઓ મૌન જ રહ્યા હતા. તાજેતરમાં આ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, આ આમ આદમી પાર્ટીનો આંતરિક મામલો છે અને અંદરોઅંદર ચર્ચા કરીને તેઓ નિર્ણય લેશે.
સ્વાતિ માલીવાલ સાથે બનેલી ઘટના પર પ્રિયંકા ગાંધીએ કહ્યું, “આમાં બે વાત છે. મહિલાઓ સાથે ક્યાંય પણ અત્યાચાર થાય, કંઈ પણ ખોટું થાય તો અમે તેમની સાથે જ ઊભાં છીએ. હું હંમેશા મહિલાઓ સાથે જ ઉભી રહું છું, ભલે તે કોઇ પણ પાર્ટીની હોય.” આગળ તેમણે કહ્યું કે, “આમ આદમી પાર્ટી અંદરોઅંદર ચર્ચા કરશે, એ તેમનાં નેતા છે તો તેઓ અંદરોઅંદર નિર્ણય લેશે. એ તેમની ઉપર છે.”
#WATCH | On AAP Rajya Sabha MP Swati Maliwal assault case, Congress general secretary Priyanka Gandhi Vadra says, "…If any atrocity happens to any woman anywhere, we stand with the woman. I always stand with women – irrespective of which party they belong to. Secondly, AAP will… pic.twitter.com/w1yoAbEjGm
— ANI (@ANI) May 16, 2024
નોંધવું જોઈએ કે આ એ જ પ્રિયંકા ગાંધી છે, જેઓ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે ‘લડકી હું, લડ સકતી હું’નું સૂત્ર લઇ આવ્યાં હતાં. તેઓ આમ પણ કાયમ મહિલા સન્માન અને સ્ત્રી સશક્તિકરણની વાતો કરતાં રહે છે. મોદી સરકાર વિરુદ્ધ મહિલા સન્માનનો કોઈ મુદ્દો બનાવવાનો હોય તો કોંગ્રેસ તેમને જ આગળ કરે છે. પરંતુ હવે જ્યારે ગઠબંધનની સહયોગી પાર્ટી પર સવાલો થઈ રહ્યા છે અને વાંકમાં આવી છે તો તેને પ્રશ્ન કરવાને બદલે કે જે-તે મહિલા સાંસદ માટે અવાજ ઉઠાવવાને બદલે તેઓ કહી રહ્યાં છે કે આ પાર્ટી અંદરોઅંદર ચર્ચા કરીને નિર્ણય લેશે.
આવી જ કંઈક વાત રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ કરી. તેમણે કહ્યું કે, “આ તો AAP પાર્ટીનો અંદરોઅંદરનો મામલો છે.” ત્યારબાદ તેઓ પણ અન્ય મુદ્દાઓ લઇ આવ્યા અને વાતને અવળે પાટે ચડાવવાના પ્રયાસ કરવામાં આવ્યા.
#WATCH | Rajya Sabha MP and Senior Advocate Kapil Sibal says, "Why he (Union HM Amit Shah) is worried about this (Rajya Sabha MP Swati Maliwal assault case). It's an internal matter of AAP. You think about Prajwal, why don't you give statements on that. That is the internal… pic.twitter.com/nxiE3Q3G05
— ANI (@ANI) May 16, 2024
નોંધવું જોઈએ કે આ પહેલાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક પ્રેસ કૉન્ફરન્સમાં સ્વાતિ માલીવાલ વિશેના પ્રશ્ન પર કહ્યું હતું કે, તેના કરતાં પણ મહત્વની ઘણી બાબતો છે. જ્યારે કેજરીવાલે તો જવાબ આપવાનું પણ યોગ્ય ન સમજ્યું. તેમના વતી AAP તરફથી સંજય સિંઘે જવાબ આપ્યો તો તેઓ પણ વાતને અવળે પાટે લઇ ગયા.