કર્ણાટકના ભાજપ યુવા મોરચાના નેતા પ્રવીણ નેત્તારૂની ઇસ્લામીઓ દ્વારા કરવામાં આવેલી હત્યા મામલે NIAએ તાજેતરમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી. હવે આ મામલે વધુ વિગતો સામે આવી છે. જે અનુસાર, હત્યામાં PFIનો સીધો હાથ હોવાનું સામે આવ્યું છે તો એ પણ જાણવા મળ્યું છે કે હત્યામાં વાપરવામાં આવેલાં હથિયારો મદ્રેસાઓ, મસ્જિદો અને શાળાઓમાં રાખવામાં આવ્યાં હતાં.
પ્રવીણ નેત્તારૂ હત્યા કેસ મામલે NIAએ કોર્ટ સમક્ષ 69 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, PFIના કર્ણાટકના નેતૃત્વના ઈશારે પ્રવીણ નેત્તારૂની હત્યા થઇ હતી. ચાર્જશીટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, PFIના અમુક કાર્યકરો તેમના નેતાઓના બોડીગાર્ડ તરીકે કામ કરતા હતા અને પછીથી તેઓ જ હિંદુ અને ભાજપ-RSS નેતાઓની હત્યા કરી નાંખતા હતા.
ચાર્જશીટ અનુસાર, પ્રવીણ નેત્તારૂની હત્યા માટે વપરાયેલાં હથિયારો શાળાઓ, મદ્રેસાઓ, મસ્જિદો અને PFI સમર્થકોનાં ઘરમાં રાખવામાં આવ્યાં હતાં. દક્ષિણ કન્નડમાં આ પ્રકારની ગુનાહિત ગતિવિધિઓને અંજામ આપવા માટે 21 જેટલી મસ્જિદોની ઓળખ કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
ચાર્જશીટમાં NIAએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે PFI દ્વારા અંજામ આપવામાં આવેલ આ પ્રકારની હત્યાઓ પાછળનો ઉદ્દેશ્ય 2047 સુધી દેશમાં ઇસ્લામનું શાસન સ્થાપવાનો હતો. ઉપરાંત, PFI દ્વારા હત્યા પહેલાં શું કરવું અને શું નહીં તેને લઈને એક ડોક્યુમેન્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું, જે પણ એજન્સીઓના હાથે લાગી ગયું હતું.
ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર, ભાજપ નેતા પ્રવીણ નેત્તારૂને તેમની હત્યાના કાવતરા અંગે પહેલેથી જ અણસાર આવી ગયો હતો. તેમની તેમના એક મિત્ર સાથે થયેલી વાતચીતનો રેકોર્ડ પણ પોલીસે મેળવ્યો છે. તેમણે પોતાની દુકાનની સામે CCTV કેમેરા લગાવવાની પણ માંગ કરી હતી. એક વ્યક્તિ ઘણા સમયથી તેમનો પીછો કરી રહ્યો હોવાનું પણ મિત્રને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 2022ના રોજ કર્ણાટકના બેલ્લારેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારૂની હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યા બાદ 27 જુલાઈના રોજ બેલ્લારેના પોલીસ મથકે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને આમાં PFIની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયના નિર્દેશથી કેસની તપાસ નેશનલ એજન્સી NIAને સોંપવામાં આવી હતી. NIAએ કેસ હાથ પર લઇ 4 ઓગસ્ટે ફરી કેસ દાખલ કર્યો હતો અને પોતાની રીતે તપાસ શરૂ કરી હતી.