ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ મહારાષ્ટ્રના યુવક પ્રતીક પવાર પર ઇસ્લામી ટોળાએ હુમલો કરવા મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ નવી ધારાઓ ઉમેરી છે. પ્રતીક પર હુમલો કરનારા આરોપીઓ સામે નફરત ફેલાવવા અને ગુનાહિત કાવતરું ઘડવા સબંધિત ધારાઓ લગાવી છે, જે બાદ આ આરોપીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મહારાષ્ટ્રના અહમદનગરમાં ગત 4 ઓગસ્ટના રોજ એક પ્રતીક પવાર નામના હિંદુ યુવક પર કટ્ટરપંથી ઇસ્લામીઓના ટોળાએ હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. હવે આ આરોપીઓ સામે આઈપીસીની કલમ 153A (ધર્મ, ભાષા, જાતિના આધારે લોકોમાં નફરત ફેલાવવાના પ્રયત્નો કરવા), 120B (ગુનાહિત કાવતરું ઘડવું) ઉમેરવામાં આવી છે.
પ્રતીક પવાર પર થયેલા હુમલો કરવાના કેસમાં ગત 8 ઓગસ્ટના રોજ પોલીસે વધુ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આ આરોપીઓને કોર્ટમાં રજૂઓ કરવામાં આવ્યા હતા. તે પહેલાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં એક સગીર પણ સામેલ હતો. જેની સાથે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 14 પર પહોંચી હતી. આ તમામ અહમદનગરના કરજતના જ રહેવાસી છે, જ્યાં પ્રતીક પર હુમલો થયો હતો.
આ આરોપીઓ સામે પવારના મિત્ર અમિત માને દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પ્રતીક પર હુમલો થયો ત્યારે માને તેમની સાથે જ હતા. તેમણે જણાવ્યું હતું કે, ઇસ્લામી ટોળાએ પ્રતીક પર તલવાર, હોકી સ્ટીક જેવાં હથિયારો વડે હુમલો કરી દીધો હતો અને તેનું કારણ તેમણે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં કરેલી પોસ્ટ હોવાનું જણાવ્યું હતું.
FIR અનુસાર, પ્રતીક અને તેનો મિત્ર અમિત કોઈ પ્રસંગમાં જવા માટે બાઈક પર નીકળ્યા હતા અને કરજત ખાતે આવેલ એક મેડિકલ શોપની બહાર ઉભા રહીને તેમના મિત્રની રાહ જોઈ રહ્યા હતા. દરમ્યાન, ત્યાં કેટલાક મુસ્લિમો હથિયારો લઈને આવી પહોંચ્યા હતા અને જેમાંથી એકે પ્રતીકને સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરવાનું કહીને હુમલો કરી દીધો હતો. હુમલો કરનારાઓએ તેને ઉમેશ કોલ્હે જેવી હાલત કરવાની ધમકી આપી હતી અને આંખ અને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી.
હુમલામાં પ્રતીકને ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે પહેલાં 2 આરોપીઓ અને ત્યારબાદ અન્ય આરોપીઓ મળીને અત્યાર સુધીમાં કુલ 14ની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓ સામે આઇપીસી કલમો 307, 143, 147, 148, 149, 323, અને 504 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જોકે, હવે તેમાં વધુ કલમો ઉમેરવામાં આવી છે. કેસમાં શાહરૂખ ખાન પઠાણ, સોહેલ પઠાણ, નિહાલ ખાન પઠાણ, ટીપું પઠાણ, અરબાઝ પઠાણ, અર્શન પઠાણ અને આકીબ સૈયદ વગેરેને આરોપી બનાવવામાં આવ્યા છે.