ચંદ્રયાન-3ની સફળતા બાદ 7 દિવસથી પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરતી પર સંશોધન કરી રહ્યું છે. એવામાં બુધવારની (30 ઓગસ્ટ) સવારે પ્રજ્ઞાન રોવરે ચંદ્રની ધરતી પર ગર્વભેર ઉભેલા વિક્રમ લેન્ડરનો ફોટો ક્લિક કર્યો હતો. ISROએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેની માહિતી આપી છે. ISROએ X (ભૂતકાળમાં ટ્વિટર) પર ફોટો જાહેર કરીને સ્માઈલ પ્લીઝ! લખ્યું છે. આ ફોટો પ્રજ્ઞાન રોવરે પોતાના નેવિગેશન કેમેરા દ્વારા કેદ કર્યો છે.
ચંદ્રની સપાટી પર સફળ ઉતરાણ કર્યા બાદ વિક્રમ લેન્ડરમાંથી અલગ થયેલા પ્રજ્ઞાન રોવરે છેલ્લા સાત દિવસથી પોતાનું કામ શરૂ કરી દીધું છે. રોવર ચંદ્રની ધરતી પર સ્થિત વિવિધ તત્વોનું સંશોધન કરી રહ્યું છે. આ દરમિયાન પ્રજ્ઞાન રોવરે સલ્ફર અને ઑક્સીજન સહિત કેટલાક અન્ય તત્વોની ખોજ પણ કરી છે. આ તત્વોના મળ્યા બાદ એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પાણી અને બરફ મોજૂદ છે.
સતત પોતાના મિશનમાં આગળ વધી રહેલા પ્રજ્ઞાન રોવરે બુધવારે 30 ઓગસ્ટ 2023ના રોજ સવારે વિક્રમ લેન્ડરનો એક ફોટો ક્લિક કર્યો હતો. જે ISROએ સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યો છે. ચંદ્રયાનની સફળતા માટે ISROએ પ્રજ્ઞાન રોવરમાં મહત્વપૂર્ણ NavCams કેમેરા ફિટ કર્યા છે. આ અત્યાધુનિક કેમેરા બેંગલોરમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ લેબોરેટરી (LEOS) દ્વારા વિકસિત કરવામાં આવ્યા હતા. આ કેમેરા પ્રજ્ઞાન રોવર માટે આંખોનું કામ કરે છે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 30, 2023
Smile, please📸!
Pragyan Rover clicked an image of Vikram Lander this morning.
The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam).
NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for… pic.twitter.com/Oece2bi6zE
ભારતીય સ્પેસ એજન્સી ISROએ લૉન્ચ કરેલું આ મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3, 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની ધરતી પર સફળ લેન્ડિંગ બાદ મહત્વપૂર્ણ પ્રગતિ કરી રહ્યું છે. પ્રજ્ઞાન રોવરે ક્લિક કરેલો લેન્ડર વિક્રમનો ફોટો મિશન માટે મહત્વપૂર્ણ ગણાય છે. ફોટો દ્વારા પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરની વચ્ચે રહેલા સફળ સહયોગને દર્શાવવામાં આવ્યો છે.
પ્રજ્ઞાન રોવર કરી રહ્યું છે ચંદ્રની સપાટી પર જુદા જુદા પ્રયોગ
ઉલ્લેખનીય છે કે ઈસરોએ આ પહેલા વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ સ્થળ તપાસ દ્વારા, દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટી પર સલ્ફર (S) ની હાજરીની પુષ્ટિ કરી હતી. તેના ચાલુ (ઓન-સાઇટ) પ્રયોગના ભાગ રૂપે, ISRO એ વિવિધ તત્વોની હાજરીના પુરાવા પણ શોધી કાઢ્યા હતા, જે ચંદ્રની સપાટી પર હાજર હોવાની ધારણા હતી. ચંદ્રયાન-3ને મળેલી આ વધુ એક સફળતા હતી.
ISRO દ્વારા મળી આવેલી વિવિધ ધાતુઓ/બિન-ધાતુઓમાં એલ્યુમિનિયમ (Al), કેલ્શિયમ (Ca), આયર્ન (Fe), ક્રોમિયમ (Cr), ટાઇટેનિયમ (Ti), મેંગેનીઝ (Mn), સિલિકોન (Si), અને ઓક્સિજન (O) નો સમાવેશ થાય છે. સ્પેસ એજન્સીએ ઉમેર્યું હતું કે હાઈડ્રોજન (H) ની હાજરીના પુરાવા શોધવાની પ્રક્રિયા હજુ ચાલુ છે.સોશિયલ મીડિયા સાઈટ X પર ઇસરોએ આ આનંદદાયક સમાચાર શેર કર્યા હતા. પોસ્ટમાં, ચંદ્રની સપાટીના ઉત્સર્જન સ્પેક્ટ્રમને દર્શાવતો આલેખ પણ સામેલ હતો.