વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં બનેલા ‘વ્યાસજી કે તેહખાને’માં ભગવાનની પ્રતિમાઓ મૂકીને મોડી રાત સુધી પૂજા-અર્ચના કરવામાં આવી છે. 31 વર્ષ બાદ પ્રથમવાર જ્ઞાનવાપીમાં આ પૂજા-અર્ચના કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય પૂજારી ઓમ પ્રકાશ મિશ્રા અને અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત આપનારા ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડે આ પૂજા સંપન્ન કરાવી છે. આ સમયગાળા દરમિયાન શિવભક્તોએ ‘હર હર મહાદેવ’ના નારા પણ લગાવ્યા હતા.
31 જાન્યુઆરીએ કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત ‘વ્યાસજી કે તેહખાને’માં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. જે બાદ તંત્ર અને સ્થાનિક અધિકારીઓએ તે માટેની વ્યવસ્થા પણ કરી હતી અને આખરે 31 વર્ષ બાદ જ્ઞાનવાપીમાં પ્રથમવાર પૂજા-અર્ચના કરવામાં આવી છે. ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ ભગવાનની પ્રતિમાની પૂજા કરી હતી. શર્મા કમિશનરની સાથે-સાથે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના પદાધિકારી પ્રમુખ પણ છે. તેથી પૂજા દરમિયાન તેમને મુખ્ય યજમાન તરીકે બેસાડવામાં આવ્યા હતા.
The SG has complied with the orders of the court. Shayan arti done by a pujari of KVM Trust after putting up idols. An Akhand Jyoti started in front of them. Daily Arti of all above deities- Morning Mangla Arti, Bhog Arti, evening arti, late sunset evening arti, Shayan arti.
— Vishnu Shankar Jain (@Vishnu_Jain1) February 1, 2024
31 વર્ષ બાદ થયેલી પ્રથમ પૂજા દરમિયાન મૂર્તિઓ સ્થાપિત કરીને શયન આરતી કરવામાં આવી હતી. સાથે જ ભગવાનની સામે અખંડ જ્યોતિ પણ પ્રજ્વલિત કરવામાં આવી છે. સાથે જ દેવતાઓની દૈનિક આરતી, સવારની મંગલા આરતી, ભોગ આરતી, સંધ્યા આરતી અને રાત્રે શયન આરતી પણ કરવામાં આવી રહી છે. પૂજા દરમિયાન જ્ઞાનવાપી પરિસરમાં સઘન સુરક્ષા હાથ ધરવામાં આવી હતી. ત્યાં હાજર તમામ ભક્તો પણ ખુશીની લાગણી અનુભવી રહ્યા હતા. ભક્તોએ આ વિશે કહ્યું હતું કે, 31 વર્ષ બાદ અમને ન્યાય મળ્યો છે.
જિલ્લા કોર્ટે આપ્યો હતો પૂજા કરવાનો અધિકાર
ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીએ વારાણસી જિલ્લા કોર્ટે જ્ઞાનવાપીના એક ભોંયરા ‘વ્યાસ તહેખાના’માં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. વારાણસીની જિલ્લા કોર્ટે બુધવારે (31 જાન્યુઆરી, 2024) આ આદેશ સંભળાવ્યો હતો. કોર્ટે આગામી 7 દિવસની અંદર જિલ્લા તંત્રને આ માટે વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. પરંતુ થોડા જ કલાકોમાં ત્યાં ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરીને પૂજા શરૂ કરી દેવામાં આવી છે.
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને આ ચુકાદાને 1986માં આપવામાં આવેલા બાબરીનાં તાળાં ખોલવાના આદેશ સાથે સરખાવ્યો હતો અને કહ્યું હતું કે, આ આદેશ ઐતિહાસિક છે અને કેસનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તેમણે કહ્યું હતું કે, તેમણે લીગલ બાબતોનો નિકાલ લાવી દીધો છે અને હવે પૂજાપાઠ શરૂ કરવાનું કામ કાશી-વિશ્વનાથ ટ્રસ્ટ કરશે.