સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ આ સમારોહનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ વીર વિનાયક દામોદર સાવરકરને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
#WATCH | Prime Minister Narendra Modi pays tributes to VD Savarkar on the occasion of Savarkar Jayanti in the new Parliament. pic.twitter.com/CTy8fIPzUG
— ANI (@ANI) May 28, 2023
સામે આવેલા વિડીયોમાં પીએમ મોદી સ્વાતંત્ર્ય વીર વિનાયક સાવરકરની તસ્વીરને પુષ્પ અર્પણ કરતા જોવા મળે છે. તેમની સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે વીર સાવરકરની જન્મજયંતી છે.
આજે વડાપ્રધાન મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ તેનો 101મો એપિસોડ હતો. આ કાર્યક્રમમાં પણ તેમણે વીર સાવરકરને તેમની જયંતીએ યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, “તેમના ત્યાગ, સાહસ અને સંકલ્પ શક્તિ સાથે જોડાયેલી ગાથા આજે પણ સૌને પ્રેરિત કરે છે.” તેમણે પોતાની આંદામાન નિકોબાર યાત્રાને યાદ કરીને કહ્યું કે, હું એ દિવસ ક્યારેય નહીં ભૂલી શકું જ્યારે એ કોટડીમાં ગયો હતો, જ્યાં વીર સાવરકરજીએ કાળાપાણીની સજા કાપી હતી.
વડાપ્રધાને કહ્યું કે, વીર સાવરકરનું જીવન દ્રઢતા અને વિશાળતાથી સમાહિત હતું. તેમના નિર્ભીક અને સ્વાભિમાની સ્વભાવને ગુલામીની માનસિકતા ક્યારેય પસંદ ન આવી. તેમણે ઉમેર્યું કે, સ્વતંત્રતા આંદોલન જ નહીં પરંતુ સામાજિક સમાનતા અને સામાજિક ન્યાય માટે પણ વીર સાવરકરે જે કંઈ પણ કર્યું તે આજે પણ યાદ કરવામાં આવે છે.
વીર સાવરકરનો જન્મ 28 મે, 1883ના દિવસે મહારાષ્ટ્રના ભગુરમાં થયો હતો. તેમની ગણના ભારતના મહાન રાષ્ટ્રપુરુષોમાં કરવામાં આવે છે. ઉપરાંત, હિંદુત્વવાદી વિચારધારા માટે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે. જોકે એ જ કારણ છે કે ભૂતકાળની સરકારોમાં તેમને ક્યારેય ઉચિત સન્માન મળ્યું નહીં અને ઉપેક્ષા કરવામાં આવતી રહી. ઉપરથી તેમનું અપમાન થતું રહ્યું. જોકે, હવે ભારતના નવા સંસદ ભવનમાં તેમને સ્થાન અને સન્માન બંને મળ્યાં છે.
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. સાથે તેમણે લોકસભામાં ઐતિહાસિક રાજદંડની સ્થાપના પણ કરી હતી. તે પહેલાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા યોજવામાં આવી હતી. કાર્યક્રમના બીજા તબક્કામાં લોકસભા કક્ષમાં એક વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેનું સમાપન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનથી થશે, જેની ઉપર આખા દેશની નજર છે.