વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની સિંગાપોર યાત્રા પર છે. ત્યાંના વડાપ્રધાન લોરેન્સ વોંગના નિમંત્રણ પર તેઓ ત્યાં પહોંચ્યા છે. તે પહેલાં તેઓ બ્રુનેઈ દેશની યાત્રાએ હતા, ત્યાંથી સિંગાપોર પહોંચ્યા. અહીં એરપોર્ટ અને સંસદમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યાં વસતા ભારતીય લોકોએ પણ ‘રાજા રામચંદ્ર કી જય’ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દક્ષિણ-પૂર્વ એશિયન દેશોને આ પાંચમી આધિકારિક યાત્રા છે. તેઓ રાષ્ટ્રપતિ થર્મન શાનમુગરત્નમની પણ મુલાકાત લેશે તેવું જાણવા મળી રહ્યું છે. આ બધા વચ્ચે ભારત અને સિંગાપોર વચ્ચે અનેક મહત્વના MOU પણ થયા.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી 6 વર્ષ બાદ સિંગાપોરની પોતાની દ્વિતીય યાત્રા પર છે. આ પહેલાં તેઓ વર્ષ 2018માં અહીં ગયા હતા. સિંગાપોર પહોંચતાની સાથે જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બુધવારે (4 સપ્ટેમ્બર, 2024) તેમણે પોતાના સમકક્ષ લોરેન્સ વોંગ અને તેમના મંત્રીમંડળ સાથે મુલાકાત કરી. આ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રી વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત અનેક મહત્વના લોકો પણ હાજર રહ્યા હતા.
#WATCH | Several MoUs signed between India and Singapore in the fields of Digital Technologies, Health and Medicine, Educational Cooperation & Skills Development and India-Singapore Semiconductor Ecosystem Partnership in the presence of Prime Minister Narendra Modi and Singapore… pic.twitter.com/mowXSLxzaB
— ANI (@ANI) September 5, 2024
સિંગાપોરની સંસદમાં પીએમ મોદીનું સ્વાગત, મહત્વપૂર્ણ MOU થયા
દરમિયાન પીએમ મોદી અન્ય કાર્યક્રમો પતાવીને સિંગાપોરની સાંસદ ખાતે પહોંચ્યા હતા. અહીં પહોંચતાંની સાથે જ તેમનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, તેની નોંધ આખા વિશ્વએ લીધી. અહીં બંને પક્ષે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી. બંને દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિ મંડળોએ એક બીજાની મુલાકાત અને ચર્ચાઓ કરી. આ બધા વચ્ચે સહુથી મહત્વપૂર્ણ બાબત તે રહી કે બંને દેશોના વડાપ્રધાનની હાજરીમાં જ ભારત અને સિંગાપોર વચ્ચે અનેક MOU થયા.
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય અર્થવ્યવસ્થાને લઈને એક વિઝન સાથે ચાલી રહ્યા છે. જેનો તેમણે અનેક સ્થાને ઉલ્લેખ પણ કર્યો છે. વિદેશી રોકાણને લઈને કેન્દ્ર સરકારની નીતિઓ અને મિત્ર દેશો સાથેના વ્યવહારો થકી તેમનું વિઝન દેશ પણ સ્પષ્ટ જોઈ રહ્યો છે. તેમના આ સિંગાપોર પ્રવાસ દરમિયાન પણ બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા. તેમાં ડિજીટલ ટેકનોલોજી, સ્વાસ્થ્ય અને તેની સાથે સંકળાયેલા વેપાર, એજ્યુકેશનલ કોર્પોરેશન સ્કિલ ડેવલપમેન્ટ જેવી બાબતો શામેલ રહી. આટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમ લોરેન્સની હાજરીમાં સેમીકંડકટર ઈકોસિસ્ટમ પાર્ટનરશીપને લઈને પણ MOU સાઈન થયા. બંને દેશો વચ્ચે આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાગીદારી થવા જઈ રહી છે, જેમાં ક્લસ્ટર ડેવલોપમેન્ટ અને ડિઝાઈનિંગથી માંડીને મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ભારત-સિંગાપોર સંબંધનું મહત્વ
નોંધનીય છે કે સિંગાપોર અને ભારત વચ્ચેના આર્થિક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. એશિયાનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર ગણાતો આ દેશ ભારતનો છઠ્ઠો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર દેશ છે. ભારતના કુલ વેપારમાં તેનો હિસ્સો 3.2% છે. નાણાકીય વર્ષ 2024માં સિંગાપોરથી આયાત 21.1 અબજ ડોલર હતી, જ્યારે નિકાસ કુલ 14.4 અબજ ડોલર હતી. સાથે જ સિંગાપોર ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)નો સૌથી મોટો સ્ત્રોત પણ છે. એપ્રિલ 2000થી 2024 દરમિયાન સિંગાપોરથી ભારતમાં કુલ FDI 160 અબજ ડોલર રહ્યો હતો, જે ભારતની કુલ FDIના લગભગ એક ચતુર્થાંશ જેટલો છે. નોંધવું જોઈએ કે સિંગાપોર વેપાર માટે માત્ર મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય ભાગીદાર જ નથી, પણ તે એશિયા-પેસિફિક અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારત માટે પ્રવેશદ્વાર તરીકે પણ કામ કરે છે.