Tuesday, November 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅન્ન-જળનો ત્યાગ, માત્ર નારિયેળ પાણીનું સેવન, ફર્શ પર ઊંઘવું… 11 દિવસના અનુષ્ઠાન...

    અન્ન-જળનો ત્યાગ, માત્ર નારિયેળ પાણીનું સેવન, ફર્શ પર ઊંઘવું… 11 દિવસના અનુષ્ઠાન દરમિયાન કઠોર નિયમોનું પાલન કરી રહ્યા છે PM મોદી: પ્રાણપ્રતિષ્ઠા પહેલાં રામેશ્વરમ પણ જશે

    11 દિવસના અનુષ્ઠાન દરમિયાન PM મોદી તપશ્ચર્યાના તમામ નિયમો પાળી રહ્યા છે. પરંતુ સાથોસાથ તેમના સરકારી કામકાજ અને યાત્રાઓમાં કોઇ અડચણ આવવા દીધી નથી. પોતાના પ્રવાસો દરમિયાન તેમણે આ અઠવાડિયામાં અનેક મંદિરોમાં પૂજા-અર્ચના પણ કરી.

    - Advertisement -

    અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન થવાને હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનારા ભવ્ય કાર્યક્રમ દરમિયાન વિધિવત પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જે થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે. તે પહેલાં પ્રધાનમંત્રી મોદી 11 દિવસનાં અનુષ્ઠાન કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમુક કઠોર યમ-નિયમો પાળે છે તો અન્ન-જળનો પણ તેમણે ત્યાગ કર્યો છે. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, આ દિવસોમાં વડાપ્રધાન અન્ન કે જળ ગ્રહણ કરી રહ્યા નથી. તેમણે અનુષ્ઠાન શરૂ કર્યાને આજે આઠમો દિવસ છે, આ આઠ દિવસોમાં તેમણે અન્નનો દાણો પણ ચાખ્યો નથી અને પાણી પણ નહીં, તેના સ્થાને તેઓ તેઓ માત્ર નારિયેળ પાણીનું સેવન કરી રહ્યા છે. આ સિવાય પ્રાણપ્રતિષ્ઠા માટે યજમાન માટે જરૂરી તમામ યમ-નિયમોનું વડાપ્રધાન પાલન કરી રહ્યા છે. જે માટે તેઓ ફર્શ પર માત્ર 1 ચાદર પાથરીને ઊંઘે છે. 

    11 દિવસના અનુષ્ઠાન દરમિયાન PM મોદી તપશ્ચર્યાના તમામ નિયમો પાળી રહ્યા છે. પરંતુ સાથોસાથ તેમના સરકારી કામકાજ અને યાત્રાઓમાં કોઇ અડચણ આવવા દીધી નથી. પોતાના પ્રવાસો દરમિયાન તેમણે આ અઠવાડિયામાં અનેક મંદિરોમાં પૂજા-અર્ચના પણ કરી. આ તમામ મંદિરો એવાં છે, જેનો પ્રભુ રામના જીવન સાથે સંબંધ છે. 

    - Advertisement -

    ભગવાન રામ સાથે સંકળાયેલાં મંદિરોના દર્શન કરી રહ્યા છે PM 

    તાજેતરમાં જ તેઓ કેરળની યાત્રાએ હતા, જ્યાં થિસ્સુર જિલ્લામાં તેમણે બે મંદિરોમાં પૂજા-અર્ચના કરી. તેઓ ગુરુવયૂરના ભગવાન કૃષ્ણના મંદિરે દર્શનાર્થે ગયા હતા તો આંધ્ર પ્રદેશના લેપાક્ષી સ્થિત વીરભદ્ર મંદિરે પણ પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ થિસ્સુર સ્થિત શ્રી રામાસ્વામી મંદિરે પણ તેઓ ગયા હતા. તે પહેલાં PM મોદી અનુષ્ઠાનના પ્રથમ દિવસે નાસિક ગયા હતા, જ્યાં કાલારામ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. 

    2૦ અને 21 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન તમિલનાડુનાં અમુક મંદિરોમાં દર્શનાર્થે જશે. તેમના આ કાર્યક્રમોની પુષ્ટિ વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવી છે. 20મીની સવારે તેઓ તમિલનાડુના રંગનાથસ્વામી મંદિરે જશે. ત્યારબાદ બપોરે તેઓ રામેશ્વરમ જશે, જ્યાં પૂજા-અર્ચના કરશે. અહીં તેઓ ‘શ્રી રામાયણ પારાયણ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને વિવિધ ભાષાઓમાં થતા રામાયણના મંત્રજાપમાં પણ સહભાગી થશે. અહીં તેઓ ભજન સંધ્યામાં પણ ભાગ લેશે.

    21 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન ધનુષકોડી પહોંચશે અને અહીંના કોથંડ રામાસ્વામી મંદિરના દર્શન કરશે. કહેવાય છે કે અહીં વિભીષણનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. અહીં તેઓ એ સ્થળની પણ મુલાકાત લેશે, જ્યાંથી રામસેતુની શરૂઆત થાય છે.

    અનુષ્ઠાનના આરંભ સમયે PM મોદીએ દેશવાસીઓને કહી હતી મનની વાત 

    જ્યારે PM મોદીએ અનુષ્ઠાનનો આરંભ કર્યો હતો ત્યારે દેશવાસીઓને એક સંદેશમાં કહ્યું હતું કે, “જે સ્વપ્નને અનેક પેઢીઓએ વર્ષો સુધી એક સંકલ્પ તરીકે જીવ્યું, મને તેની સિદ્ધિના સમયે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. પ્રભુએ મને તમામ ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવાનો નિમિત્ત બનાવ્યો છે. આ એક મોટી જવાબદારી છે. જેવું આપણાં શાસ્ત્રોમાં પણ કહેવાયું છે, આપણે ઈશ્વરના યજ્ઞ માટે, આરાધના માટે પોતાની અંદર પણ દૈવીય ચેતના જાગૃત કરવી પડે છે. તે માટે શાસ્ત્રોમાં વ્રત અને કઠોર નિયમ જણાવવામાં આવ્યા છે, જેનું પ્રાણપ્રતિષ્ઠા પહેલાં પાલન કરવામાં આવે છે. જેથી આધ્યાત્મિક યાત્રાના અમુક તપસ્વી આત્માઓ અને મહાપુરુષો પાસેથી મને જે માર્ગદર્શન મળ્યું છે, તેમણે જે યમ-નિયમ સૂચવ્યા છે તે અનુસાર હું આજથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાનનો આરંભ કરી રહ્યો છું.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં