વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યસભાના ભાષણમાંથી આસપાસના સંદર્ભ વગર ક્લિપ ઉઠાવી લઈને સોશિયલ મીડિયા પર શૅર કરીને ભ્રમણા ફેલાવવા બદલ એક ફેસબુક અકાઉન્ટ અને અન્ય એક યુ-ટ્યુબ ચેનલ સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે. જેના આધારે IPCની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વાસ્તવમાં રાજ્યસભામાં સંબોધન કરતી વખતે PM નરેન્દ્ર મોદીએ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અનામત વિશેના વિચારો ટાંક્યા હતા. પરંતુ તેને પીએમ મોદી પોતે પોતાના વિચારો તરીકે રજૂ કરતા હોય તે રીતે દર્શાવીને સોશિયલ મીડિયા પર ક્લિપ ફરતી કરવામાં આવી હતી. જેની વિરુદ્ધ હવે FIR દાખલ કરવામાં આવી છે.
FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદીએ જણાવ્યું કે, ગત 9 ફેબ્રુઆરીના રોજ સાંજે સાતેક વાગ્યાના અરસામાં તેઓ ફેસબુક પર સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે ‘સોલંકી કૌશિકભાઇ’ નામના ફેસબુક અકાઉન્ટ ધારકે અને SJ ક્રિએશન નામની યુ-ટ્યુબ ચેનલે રાજકીય લાભ મેળવવાના હેતુથી અનામત બાબતે ખોટી અફવા ફેલાય અને વડાપ્રધાનની છબી ખરડાય તે હેતુથી જાણીજોઈને ખોટો ઈલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવીને PMનો વિડીયો મૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું.
તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, તેનાથી જુદા-જુદા સામાજિક વર્ગના લોકોને ઉશ્કેરણી થઈ શકે અને તેમની વચ્ચે દુશ્મનાવટની સ્થિતિ પણ સર્જાઇ શકે છે. બીજી તરફ, ખોટી અફવાના કારણે વાતાવરણ તંગ થઈ શકે છે. જેથી તેમની વિરુદ્ધ ધોરણસર તપાસ કરવામાં આવે.
આ ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે IPCની કલમ 153A, 369 અને 505 હેઠળ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે ગત 7 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે અનામત વિશે વાત કરતાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના શબ્દો ટાંક્યા.
પીએમ મોદીએ કહ્યું હતું કે, “હું હમણાં-હમણાં આદરપૂર્વક નેહરુજીને વધુ યાદ કરું છું. કારણ કે અમારા સાથીઓને અપેક્ષા રહેતી હોય છે કે તેમના વિશે કશુંક બોલવું જોઈએ.” ત્યારબાદ તેઓ કહે છે, “એક વખત નેહરુજીએ એક પત્ર લખ્યો હતો. આ પત્ર તેમણે મુખ્યમંત્રીને લખ્યો હતો. હું તેનો અનુવાદ વાંચું છું. આ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ દ્વારા તે સમયના દેશના મુખ્યમંત્રીઓને લખવામાં આવેલો પત્ર છે. રેકોર્ડ પર છે. હું તેનો અનુવાદ વાંચું છું.”
#WATCH | In Rajya Sabha, Prime Minister Narendra Modi reads out a letter by the then PM late Jawaharlal Nehru to the then Chief Ministers.
— ANI (@ANI) February 7, 2024
He says, "….I am reading out its translation – "I dislike any kind of reservation, more particularly in services. I am strongly against… pic.twitter.com/MeulkyxRLP
ત્યારબાદ તેઓ આગળ નેહરુને ટાંકીને કહે છે કે, “હું કોઇ પણ અનામતને પસંદ નહીં કરું અને ખાસ કરીને નોકરીમાં અનામત તો ક્યારેય નહીં. હું આવા કોઇ પણ ડગલાની વિરુદ્ધ છું જે અકુશળતાને પ્રોત્સાહન આપે.” અહીં આ શબ્દો PM મોદીના નહીં પરંતુ જવાહરલાલ નેહરુના છે. પરંતુ પીએમનાં આગળનાં વાક્યો કાઢીને માત્ર ‘હું કોઇ પણ અનામતને…’વાળા ભાગનો જ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો કરી દેવામાં આવ્યો હતો.”
જે વિડીયો અંગે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ છે તેમાં પણ આટલો જ ભાગ બતાવવામાં આવ્યો હતો અને સાથે લખવામાં આવ્યું હતું કે, ‘મારા ભાઈઓ, લોકસભા ચૂંટણીમાં આ બાબતને ધ્યાનમાં રાખીને મત આપજો.’
ઑપઇન્ડિયાએ 4 દિવસ પહેલાં આ વિષય પર ફેક્ટચેક કરતો વિસ્તૃત લેખ પ્રકાશિત કર્યો હતો, જે અહીંથી વાંચી શકાશે.