વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના શિવમોગામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા સમજાવ્યું હતું કે શા માટે આ લોકસભા ચૂંટણીઓમાં NDAનું 400 પાર જવું જરૂરી છે. વડાપ્રધાન મોદીએ કર્ણાટકની જનતાને સોમવારે (18 માર્ચ 2024) કહ્યું હતું કે તેઓ પ્રાર્થના કરવા આવ્યા છે કે 4 જૂને 400 પાર કરવામાં મદદ કરે. તેમણે કહ્યું કે, આ મિશનમાં કર્ણાટકના મતદાતાઓની બહુ જ મોટી ભૂમિકા છે. આ પછી તેમણે વિસ્તૃતમાં કહ્યું કે તેઓ 400 સીટોની વાત કેમ કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીની આ સભામાં વિકસિત ભારત અને વિકસિત કર્ણાટક માટે 400 પારના નારા લગાવવામાં આવ્યા. દરમિયાન તેમણે કહ્યું કે ગરીબી ઘટાડવા માટે, આતંકવાદ પર પ્રહાર કરવા માટે, ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરવા માટે, ખેડૂતોની સમૃદ્ધિ અને યુવાઓને નવા અવસર આપવા માટે 400 પાર સીટો જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે પાછલા 10 વર્ષોમાં દેશે ભાજપનું કામ જોયું છે, પાર્ટીની સહુથી મોટી પ્રાથમિકતાઓ છે- વિકાસ, ગરીબ કલ્યાણ અને સામર્થ્યવાન ભારત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાસે વિકાસનો એજન્ડા જ નથી, એટલા માટે તે ભાત-ભાતના કીમિયા અપનાવે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો પહેલો કીમિયો છે-જૂઠ્ઠું બોલવું! મોટા મોટા જુઠ્ઠાણા ચલાવા! કોંગ્રેસનો બીજો કીમિયો છે- પોતાના જૂઠ્ઠાણાઓ ઢાંકવા નવા જુઠ્ઠાણા બોલવા. વડાપ્રધાને સમજાવ્યું કે કોંગ્રેસનો ત્રીજો કીમિયો છે કે- જયારે પકડાઈ જાઓ, તો પોતાની કરતૂતોનું ઠીકરું બીજાના માથે ફોડી દો. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસને ક્યારેય સંતોષ થતો જ નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો માત્ર એક જ ઈરાદો હોય છે- લોકોને લૂંટવ અને પોતાના ખિસ્સા ભરવા.
#WATCH | Shivamogga, Karnataka: PM Narendra Modi says, "4 June ko 400 paar. Karnataka voters have a big responsibility in this mission. Why are we talking about 400 seats? 400 paar for Viksit Bharat, Viksit Karnataka…" pic.twitter.com/2qdKjwcA9L
— ANI (@ANI) March 18, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના શિવમોગામાં કહ્યું કે, “મુંબઈમાં INDI ગઠબંધન તરફથી એક ખુલ્લું એલાન કરવામાં આવ્યું છે. તે લોકો હિંદુ ધર્મમાં સમાહિત શક્તિને સમાપ્ત કરવા માંગે છે. હિંદુ સમાજ જેને શક્તિ માને છે, તે શક્તિના વિનાશનું એલાન કરી દીધું છે. જો શક્તિના વિનાશનું તેમનું એલાન હોય, તો શક્તિ ઉપાસક તરીકે મારું પણ એલાન છે. હું જયારે સાર્વજનિક જીવનમાં આવ્યો, જયારે મેં મારા સમયની ક્ષણ-ક્ષણ અને શરીરનું કણ-કણ લોકોની સેવા માટે સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો, ત્યારે આ જ શક્તિએ મને ઉર્જા આપી. હું આજે પણ શક્તિનું ઉપાસના કરું છું, દેશના કોટી-કોટી લોકો હિંદુ ધર્મની આ શક્તિના ઉપાસક છે.”
આ જનસભામાં સંબોધતા વડાપ્રધાને તેમ પણ કહ્યું કે તેમના માટે નારી શક્તિ, આ જ શક્તિનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કેવી રીતે અનેક રાજનૈતિક જાણકારો કહી રહ્યા છે કે નારી શક્તિ મોદીની સાઇલેન્ટ વોટર છે. તેમણે એમ પણ કહ્યું કે મારા દેશની નારી શક્તિ માત્ર મતદાતા નહીં, પણ મા શક્તિ સ્વરૂપ છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે સહુથી પહેલા દેશને જાતિઓમાં વિભાજીત કર્યો, સમુદાયોમાં વિભાજીત કર્યો, ધર્મ, ક્ષેત્ર અને ભાષાના આધારે દેશના ભાગલા કર્યા અને સત્તા મેળવવા માટે કોંગ્રેસે દેશના ભાગલા પણ પાડ્યા. દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું કે ગાવે કોંગ્રેસ ફરી દેશના ભાગલા પાડવા માટે ખતરનાક ખેલ ખેલી રહી છે.