Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ'શક્તિ માટે જીવનનું બલિદાન આપી દઈશ, 4 જૂને થઈ જશે ટક્કર': PM...

    ‘શક્તિ માટે જીવનનું બલિદાન આપી દઈશ, 4 જૂને થઈ જશે ટક્કર’: PM મોદીએ રાહુલ ગાંધીને બતાવી હિંદુ ધર્મની ‘શક્તિ’, કહ્યું- મારા માટે દરેક મા-બહેન-દિકરી શક્તિ છે, હું ભારત માતાનો પૂજારી

    વડાપ્રધાને કહ્યું કે, "મારા માટે દરેક દીકરી, દરેક મા અને દરેક બહેન એક શક્તિનું સ્વરૂપ છે. હું તેમને શક્તિના રૂપ તરીકે પૂજુ છું અને આ શક્તિ સ્વરૂપા માતાઓ-બહેનોની રક્ષા માટે હું જીવન પણ બલિદાન કરી દઈશ."

    - Advertisement -

    રાહુલ ગાંધીએ હિંદુ ધર્મની ‘શક્તિ’ વિશે વિવાદિત નિવેદન આપ્યા બાદ હવે તેનો વિવાદ વકરી રહ્યો છે. કોંગ્રેસ શાસિત તેલંગાણા પહોંચેલા PM મોદીએ ઇન્ડી ગઠબંધનને ‘શક્તિ’ના મુદ્દા પર ઘેરી લીધું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષે શક્તિને ખતમ કરવા માટે ઘોષણાપત્રનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, શક્તિ વિશે બોલનારાનો પડકાર સ્વીકારવામાં આવે છે. સાથે જ તેમણે કહ્યું કે, “શક્તિ માટે જીવનનું બલિદાન આપી દઈશ, મારા માટે દરેક મા-બહેન-દિકરી શક્તિ છે.” આ ઉપરાંત તેમણે પોતાને ભારત માતાના પૂજારી તરીકે ગણાવ્યા હતા.

    તેલંગાણાના જગતિયાલમાં આયોજિત એક જનસભામાં PM મોદીએ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીના ‘શક્તિ’ સામેની લડાઈવાળા નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં પોતાની ન્યાય યાત્રાના સમાપન દરમિયાન સંબોધન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ હિંદુ ધર્મની ‘શક્તિ’ સામે લડી રહ્યા છે. જે બાદ હવે વડાપ્રધાન મોદીએ તેમને આડેહાથ લીધા છે. વડાપ્રધાને રાહુલ ગાંધીને હિંદુ ધર્મની શક્તિ વિશેની સમજણ આપી છે.

    PM મોદીએ કહ્યું કે, “ગઈ કાલે (17 માર્ચ) ઇન્ડી ગઠબંધને મુંબઈમાં રેલીનું આયોજન કર્યું હતું. ચૂંટણી જાહેર થયા બાદ આ ઇન્ડી ગઠબંધનની મહત્વની અને પહેલી રેલી હતી. તે રેલીમાં તેમણે ઘોષણાપત્ર જાહેર કર્યું છે અને ઘોષણપત્રનું એલાન છે કે તેમની(ઇન્ડી ગઠબંધનની) લડાઈ શક્તિ સામે છે.” વડાપ્રધાને ઉમેર્યું કે, “મારા માટે દરેક દીકરી, દરેક મા અને દરેક બહેન એક શક્તિનું સ્વરૂપ છે. હું તેમને શક્તિના રૂપ તરીકે પૂજુ છું અને આ શક્તિ સ્વરૂપા માતાઓ-બહેનોની રક્ષા માટે હું જીવન પણ બલિદાન કરી દઈશ.” તેમણે કહ્યું કે, “જે લોકો શક્તિ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે, હું તેના પડકારનો સ્વીકાર કરું છું. હું શક્તિ માટે જીવનનું બલિદાન આપવા માટે તૈયાર છું. હું ભારત માતાનો પૂજારી છું.’

    - Advertisement -

    PM મોદીએ કહ્યું કે, “આપણે જ્યાં ચંદ્રયાન લેન્ડ થયું, તે જગ્યાનું નામ ‘શિવશક્તિ’ રાખ્યું છે. એક તરફ શક્તિનો વિનાશ કરવાની વાતો કરનારા લોકો છે, બીજી તરફ શક્તિની પૂજા કરનારા લોકો છે. ટક્કર 4 જૂને થઈ જશે કે, કોણ શક્તિનો વિનાશ કરી શકે છે અને કોણ શક્તિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.” આ ઉપરાંત વડાપ્રધાને છત્રપતિ શિવાજી મહારાજ અને સ્ત્રીઓ માટેના તેમના સન્માનની પણ વાત કરી હતી.

    શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?

    મુંબઈના શિવાજી પાર્કમાં ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “હિંદુ ધર્મમાં ‘શક્તિ’ શબ્દ હોય છે. અમે શક્તિ સામે લડી રહ્યા છીએ. એક શક્તિ સામે લડી રહ્યા છીએ. એક સવાલ ઉઠે છે કે, તે શક્તિ શું છે? તેવામાં કોઈએ અહિયાં કહ્યું કે, રાજાની આત્મા EVMમાં છે. સાચું છે. રાજાની આત્મા EVMમાં છે, હિન્દુસ્તાનની દરેક સંસ્થામાં છે. EDમાં છે, CBIમાં છે, ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટમાં છે.” આ ઉપરાંત તેમણે ભાજપ પર આડકતરી રીતે આરોપ પણ લગાવ્યા હતા.

    તેના જવાબમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “ઇન્ડી ગઠબંધનના ઘણા સભ્યોએ કહ્યું છે કે, હિંદુ ધર્મ ફ્રોડ છે. રામચરિતમાનસ પોટેશિયલ સાઈનાઇડ છે. કોંગ્રેસ પાર્ટીનો ભગવાન રામના અસ્તીવને નકારવાથી લઈને શક્તિ વિશે નિવેદન આપવા સુધીનો હિંદુ ધૃણાનો ખૂબ લાંબો ઇતિહાસ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે સામે રાહુલ ગાંધીનું નિવેદન દર્શાવે છે કે, તેઓ કેટલી હદ સુધી જઈ શકે છે. આજે તે માત્ર હિંદુ આસ્થાનું અપમાન નથી, પરંતુ તે રાહુલ ગાંધીની સ્ત્રીદ્વેષી માનસિકતાને પણ છતી કરે છે. આ નિવેદન નારીશક્તિ અને તેમની અભિવ્યક્તિ વિરુદ્ધ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં