Saturday, October 12, 2024
More
    હોમપેજગુજરાત‘તમારી વચ્ચે રહીને જે શીખવા મળ્યું એ આજે દિલ્હીમાં કામ આવે છે’:...

    ‘તમારી વચ્ચે રહીને જે શીખવા મળ્યું એ આજે દિલ્હીમાં કામ આવે છે’: પીએમ મોદીએ છોટાઉદેપુરમાં 5 હજાર કરોડનાં કામોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યાં, સભા સંબોધી

    નવી સંસદના કાર્યારંભ બાદ અમે પ્રથમ કાર્ય નારી શક્તિ વંદન વિધેયક પસાર કરી છેલ્લા ત્રણ દાયકાઓથી વિપક્ષ દ્વારા અદ્ધરતાલ રાખવામાં આવેલા મહિલા અનામતના મુદ્દાને ખરા અર્થમાં નારીહિત માટે વાસ્તવિક સ્વરૂપ આપ્યું: પીએમ મોદી

    - Advertisement -

    બુધવારે (27 સપ્ટેમ્બર, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા. અહીં સવારે તેમણે અમદાવાદ સાયન્સ સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટ 2023નાં 20 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો સાંજે છોટાઉદેપુરમાં કરોડોનાં વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યાં. અહીં તેમણે એક સભા પણ સંબોધી હતી. 

    છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધતાં પીએમ મોદીએ સરકારનાં કામો અને ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે, “હું ગુજરાતમાં કામ કરતાં શીખ્યો, આપની વચ્ચે રહીને શીખવા મળ્યું, આપની સાથે કામ કર્યાં એ આજે મને દિલ્હીમાં કામ આવે છે….. તમે મારા ગુરૂજનો છો. તમે મને શીખવ્યું એ હું ત્યાં લાગુ કરું છું ત્યારે લોકોને લાગે છે કે આ સમસ્યાનું સાચું સમાધાન છે. તેનું કારણ તમારી વચ્ચે રહીને મેં સુખ-દુઃખ જોયાં છે અને તેનાં રસ્તા શોધ્યા છે.”

    તેમણે કહ્યું, વર્ષ 2002 અગાઉ અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાં એકપણ વિજ્ઞાન પ્રવાહની કોલેજ ન હતી. આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે છેલ્લા બે દાયકામાં આદિજાતિ વિસ્તારોમાં 25 હજાર નવા ક્લાસરૂમો સહિત પાંચ નવી મેડિકલ કોલેજો, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે. ગુજરાતના 50થી વધુ તાલુકાઓમાં કૌશલ્યવર્ધન કેન્દ્રોથી વિદ્યાર્થીઓમાં કુશળતાનાં બીજ રોપાયાં છે.

    - Advertisement -

    અમે મહિલા અનામતના મુદ્દાને વાસ્તવિક સ્વરૂપ આપ્યું: પીએમ

    વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નવી સંસદના કાર્યારંભ બાદ અમે પ્રથમ કાર્ય નારી શક્તિ વંદન વિધેયક પસાર કરી છેલ્લા ત્રણ દાયકાઓથી વિપક્ષ દ્વારા અદ્ધરતાલ રાખવામાં આવેલા મહિલા અનામતના મુદ્દાને ખરા અર્થમાં નારીહિત માટે વાસ્તવિક સ્વરૂપ આપ્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા એવી નક્કર વ્યવસ્થા કરી છે કે હવે વિશ્વની કોઈ શક્તિ માતાઓ અને બહેનોને આગળ વધતા રોકી શકશે નહીં.

    દેશની નારીશક્તિને પોતાના હકો-અધિકારોથી વંચિત રાખનાર મહિલા વિરોધીઓ પાસેથી હિસાબ માંગો એમ સ્પષ્ટપણે જણાવતાં પીએમ મોદીએ કહ્યું કે, આ અધિનિયમ હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની બહેનો માટે પણ અનામતની જોગવાઈ કરવામાં આવશે. આ વિધેયક પર હસ્તાક્ષર કરનાર દેશના પહેલા આદિજાતિ રાષ્ટ્રપતિ અને સ્વયં એક મહિલા દ્રૌપદી મૂર્મુ હશે એમ પણ તેમણે ઉમેર્યું હતું. 

    પીએમએ કેન્દ્ર સરકારના નારીહિતના પગલાંઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દેશની માતાઓ-બહેનો અને દીકરીઓના નામે મિલકત હોય એવી ભાવના સાથે કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજનામાં મહિલાઓના નામે ઘર આપવાની જોગવાઈ કરી છે. જેના કારણે આજે દેશની લાખો મહિલાઓ ‘લખપતિ દીદી’ બની ગઈ છે. ઉપરાંત, ઘરપરિવાર અને સમાજમાં ઘર માલિકણ મહિલાઓનો માન મરતબો વધ્યો છે.

    ચાર કરોડ ગરીબ પરિવારોને ઘર મળ્યાં: વડાપ્રધાન

    વડાપ્રધાને કૌશલ્ય વિકાસ માટે થઈ રહેલાં કાર્ય અંગે જણાવ્યું હતું કે, આજના યુગમાં સર્ટિફિકેટની સાથે-સાથે કૌશલ્યનું પણ ખૂબ મહત્વ છે. આ માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ કેન્દ્ર દ્વારા જરૂરિયાત મુજબ તાલીમ મેળવીને લાખો યુવાનોને લાભ લેવા માટે તેમણે આહવાન કર્યું હતું.

    પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે રાજ્યનાં અંતરિયાળ ગામોમાં પણ મોબાઇલ ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો છે. ગ્રામીણ વિસ્તારની માતા-બહેનો પણ ડિજીટલ ટેક્નોલોજી, મોબાઇલ ઇન્ટરનેટ થકી દુનિયા સાથે કદમતાલ મિલાવી રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા 7500 જેટલાં ગામડાંમાં સસ્તી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વાઇફાઇ સુવિધા આપવાની યોજનાથી ગામડાઓમાં આમૂલ પરિવર્તન આવશે.

    ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ચાર કરોડ પરિવારોને ઘરનાં ઘર મળ્યાં છે તેમ જણાવતાં પીએમ મોદીએ ઉમેર્યું કે, કોઇ પણ વચેટિયા વિના ગરીબો-વંચિતોને સીધા તેમના ખાતામાં નાણા ટ્રાન્સફર કરી તેમની મરજી મુજબનું ઘર બનાવવાની સગવડતા અમારી સરકારે આપી છે. અગાઉ વર્ષે માત્ર 700/800 લોકોને આવાસ યોજનાનો લાભ મળતો હતો, હવે અમે તમામ જરૂરિયાતમંદ લોકોને આવાસીય સુવિધાઓ આપી તેમના જીવનને ગરિમાપૂર્ણ બનાવવાનો નિર્ધાર કર્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, પહેલાંની સરકારોમાં ગરીબનું ઘર માત્ર આંકડો હતું, પરંતુ અમે ગરીબ વ્યક્તિ ગરિમાપૂર્ણ જીવન જીવે તે માટે કામ કરતા હોઈએ છીએ. 

    પાંચ હજાર કરોડનાં કામોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યાં

    આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હેઠળ ₹1426 કરોડના કામોનું લોકાર્પણ અને ₹3079 કરોડના કામોના ખાતમુહુર્ત એમ કુલ રૂ.4505 કરોડના વિકાસકાર્યો અંતર્ગત 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યું હતું. 

    ઉપરાંત,  ₹251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ દ્વારા ₹209 કરોડના ખર્ચે દાહોદ ખાતે છાબ તળાવ વિકાસકાર્યો અને વોટર સપ્લાય યોજનાનું લોકાર્પણ તેમજ ₹42 કરોડના ખર્ચે પી.એમ. આવાસ યોજના (શહેરી) હેઠળ સેવાસી, વડોદરા ખાતે EWS-2 કેટેગરીના 420 મકાનોનું લોકાર્પણ, માર્ગ-મકાન વિભાગના ₹225 કરોડના ખર્ચે નર્મદા નદી પર બ્રિજનું લોકાર્પણ, ₹52 કરોડના ખર્ચે ગોધરા ખાતે ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત,  વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના ₹60 કરોડના ખર્ચે રાજ્યના 22 જિલ્લાઓના 7500 ગામોમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઈ-ફાઈ સુવિધાનું લોકાર્પણ, પાણી પુરવઠા વિભાગના ₹80 કરોડનાં ખર્ચે કવાંટ ખાતે રૂરલ વોટર સપ્લાય સ્કીમ (RWSS)નું ખાતમુહૂર્ત, દાહોદ ખાતે ₹23 કરોડના ખર્ચે નવનિર્મિત નવોદય વિદ્યાલય અને ₹10 કરોડના ખર્ચે નિર્મિત FM રેડિયો સ્ટુડિયોનું લોકાર્પણ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં