કલકત્તા હાઇકોર્ટે (Calcutta High Court) શુક્રવારે હિંદુ સંગઠન અંજની પુત્ર સેનાને હાવડામાં તેના પ્રસ્તાવિત રૂટ પર રામનવમીની રેલી (Ram Navmi Rally) યોજવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ, રેલી યોજવા માટે કેટલીક શરતો પણ લાદી હતી. નોંધનીય છે કે મમતા બેનર્જીની (Mamta Banerjee) સરકારે રેલી યોજવાની પરમિશન ન આપતાં હિંદુ સંગઠને કલકત્તા હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ સિવાય કોર્ટે VHPને પણ રામનવમીની રેલી યોજવાની પરવાનગી આપી દીધી છે.
આ રેલી નરસિંહ મંદિરથી શરૂ થશે અને જીટી રોડ થઈને હાવડા મેદાન ખાતે સમાપ્ત થશે, આ ઘણા વર્ષોથી આ કાર્યક્રમ થતો હોય છે. જોકે, પશ્ચિમ બંગાળ સરકારે શરૂઆતમાં પરવાનગી આપી નહોતી. જેની પાછળ 2023 અને 2024માં કોર્ટના આદેશોના અગાઉના ઉલ્લંઘનનો હવાલો આપવામાં આવ્યો હતો. હવે આ મામલે કલકત્તા હાઇકોર્ટે અંજની પુત્ર સેનાને રામનવમીની રેલી યોજવાની પરવાનગી આપી દીધી છે.
આ સિવાય કોર્ટે વિશ્વ હિંદુ પરિષદને (VHP) પણ રામ નવમી પર બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી રેલી યોજવાની પરવાનગી મેળવી આપી દીધી છે. તેનો રૂટ BE કોલેજ ગેટ નંબર 1થી રામકૃષ્ણપુર ઘાટ વાયા મલ્લિક ગેટ સુધીનો રહેશે. આ બંને રેલીઓ માટે કોર્ટે એકસરખી શરતો લાદી છે.
હાઇકોર્ટે લાદેલી શરતો
આ શરતોમાં સરઘસ શાંતિપૂર્ણ રીતે નીકળે, રેલીમાં આવનારા લોકો માટે લાકડીઓ સહિતના શસ્ત્રો લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે કોર્ટે ઝંડાઓ અને પ્લાસ્ટિક મેસ (PVC) લઈ જવાની પરવાનગી આપી છે. આ સિવાય રેલીની આગળ અને પાછળ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવશે.
આ રેલી રામનવમીની સવારે 8:30એ નરસિંહ મંદિરથી શરૂ થઈને બપોરે 12 વાગ્યા સુધી હાવડા મેદાન ખાતે સમાપ્ત થઈ જવી જોઈએ. આ ઉપરાંત રેલીમાં આવનાર 500 લોકોએ તેમના આધારકાર્ડ, પાન કાર્ડની ફોટો કોપી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, સેન્ટ્રલ ડિવિઝન, હાવડાને સબમિટ કરવાની રહેશે. નોંધનીય છે કે સરકારે ગત વર્ષે નિયમ ઉલ્લંઘનના હવાલા આપીને રેલી કાઢવાની પરવાનગી આપી નહોતી.
બંગાળ પોલીસે હવાલો આપ્યો હતો કે ગત વર્ષે સંગઠને હાઇકોર્ટ દ્વારા નિર્ધારિત 200 લોકોની મર્યાદા જાળવી નહોતી અને વધુ સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઉપરંત ડીજેનો પણ ઉપયોગ કર્યો હતો. નોંધનીય છે કે આ અઠવાડિયામાં જ મમતા બેનર્જીએ એવું નિવેદન આપ્યું હતું કે, “ધર્મ એ વ્યક્તિગત બાબત છે, પરંતુ તહેવારોમાં બધાનો સમાવેશ થવો જોઈએ. અમે બધા ધર્મોનો આદર કરીએ છીએ, પરંતુ રેલીઓના નામે હિંસાનો આશરો લેનારાઓનો નહીં.”