Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પઠાણ’ ફિલ્મને લઈને વિવાદ વધ્યો, ગીત ‘બેશરમ રંગ’ પર ઉઠ્યા સવાલ: પાકિસ્તાની...

    ‘પઠાણ’ ફિલ્મને લઈને વિવાદ વધ્યો, ગીત ‘બેશરમ રંગ’ પર ઉઠ્યા સવાલ: પાકિસ્તાની ગાયકના દાવા બાદ લાગ્યા ચોરીના આરોપ

    સજ્જાદ અલી નામના પાકિસ્તાની ગાયકે પઠાણ ફિલ્મ પર ગીત ચોરીનો આરોપ લગાવ્યો છે. તેના કહેવા મુજબ પઠાણ ફિલ્મનું ગીત 'બેશરમ રંગ' 26 વર્ષ પહેલાં ગવાયેલા ગીત 'અબ કે હમ બિછડે' સાથે ઘણુંખરું મેળ ખાય છે.

    - Advertisement -

    બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની અગામી ફિલ્મનો વિવાદ હવે પાકિસ્તાન પહોંચ્યો છે. એક પાકિસ્તાની ગાયકે પઠાણ ફિલ્મ પર ગીત ચોરીનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ફિલ્મનું વિવાદિત ગીત ‘બેશરમ રંગ’ તેમના 26 વર્ષ જૂના ગીત સાથે આબેહુબ મેળ ખાય છે. આ એ જ ગીત છે જેમાં ભગવા રંગની બીકીની અને અશ્લીલ દ્રશ્યોને લઈને ભારતીય સેન્સર બોર્ડે ફિલ્મ નિર્માતાઓને તેમાં ફેરફાર કરવાના નિર્દેશો આપ્યા છે.

    રિપોર્ટ્સ અનુસાર સજ્જાદ અલી નામના પાકિસ્તાની ગાયકે પઠાણ ફિલ્મ પર ગીત ચોરીનો આરોપ લગાવ્યો છે. તેના કહેવા મુજબ પઠાણ ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ 26 વર્ષ પહેલાં ગવાયેલા ગીત ‘અબ કે હમ બિછડે’ સાથે ઘણુંખરું મેળ ખાય છે. જેને લઈને તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો પણ શેર કર્યો છે.

    પાકિસ્તાની ગાયક સજ્જાદ અલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો અને સાથે લખ્યું છે કે, “એક નવી ફિલ્મનું નવું ગીત સાંભળ્યા બાદ મને 26 વર્ષ પહેલાં રીલીઝ થયેલા મારા ગીત ‘અબ કે હમ બિછડે’ની યાદ અપાવી દીધી. આ ગીત સાંભળો અને એન્જોય કરો.”

    - Advertisement -

    ઈન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરીને આ પાકિસ્તાની ગાયકે કહ્યું હતું કે, “હું યુટ્યુબમાં કેટલાંક જૂનાં ગીતોનું સંગીત સાંભળી રહ્યો હતો. તેવામાં જ નવી ફિલ્મનું એક ગીત સાંભળીને મને 25-26 વર્ષ જુનું ગીત યાદ આવી ગયું, ‘અબ કે હમ બિછડે તો કભી ખ્વાબો મેં મિલે.’ પાકિસ્તાની ગાયકે તેનું આ જૂનું ગીત પોસ્ટ કરીને આડકતરી રીતે પઠાણ ફિલ્મના વિવાદિત ગીત ‘બેશરમ રંગ’ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો.

    સજ્જાદ અલીએ આ વિડીયોમાં પઠાણ ફિલ્મ કે તેના વિવાદિત ગીત ‘બેશરમ રંગ’નો ઉલ્લેખ તો નથી કર્યો પરંતુ તેના આ વિડીયોને જોયા બાદ યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે પઠાણ ફિલ્મના નિર્માતાઓએ આ ગીત સજ્જાદ અલીના મ્યુઝિક કમ્પોઝીશન પરથી બનાવામાં આવ્યું છે, તો કેટલાકે તો આ ગીતને ચોરી કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. જયારે કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે બંને ગીતોની ધૂન અને તેના શબ્દો તદ્દન અલગ છે, અને ક્યાંય મેળ ખાતા નથી જણાઈ રહ્યા.

    સેન્સર બોર્ડે ગીતમાં ફેરફાર કરવા માટે આપ્યા હતા નિર્દેશ

    ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (CBFC)ના અધ્યક્ષ પ્રસૂન જોશીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના નિર્માતાઓને ફિલ્મના ગીતો સહિત અનેક ફેરફારો કરવા નિર્દેશ આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે,  “CBFC હંમેશા રચનાત્મક અભિવ્યક્તિ અને દર્શકોની સંવેદનશીલતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે અને માને છે કે તમામ હિતધારકો વચ્ચે સાર્થક સંવાદના માધ્યમથી જ કોઈ પણ વિવાદનો ઉકેલ લાવી શકાય તેમ છે.”

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “આપણી સંસ્કૃતિ અને આસ્થા ગૌરવશાળી અને સૂક્ષ્મ છે. આપણે એ ધ્યાન રાખવું પડશે કે સત્ય અને વાસ્તવિકતાથી દૂર હોય તેવી બાબતો સાથે તેને પરિભાષિત કરવામાં ન આવે. મેં પહેલાં પણ કહ્યું છે કે નિર્માતાઓ અને દર્શકો વચ્ચે એક વિશ્વાસ જાળવી રાખવો બહુ જરૂરી છે. નિર્માતાઓએ આ દિશામાં કામ કરવું જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’નું ગીત ‘બેશરમ રંગ’ ગત 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થયું હતું, ત્યારથી તે ચર્ચામાં છે અને વિરોધ પણ ખૂબ થઇ રહ્યો છે. ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ જોવા મળે છે, તેણે પહેરેલી ભગવા રંગની બિકીનીને લઈને મુખ્યત્વે વિવાદ સર્જાયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં