Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિરોધ બાદ હવે ફિલ્મ ‘પઠાણ’માં ફેરફારો કરાશે, સેન્સર બોર્ડે નિર્માતાઓને આપ્યાં સૂચનો:...

    વિરોધ બાદ હવે ફિલ્મ ‘પઠાણ’માં ફેરફારો કરાશે, સેન્સર બોર્ડે નિર્માતાઓને આપ્યાં સૂચનો: ગીત ‘બેશરમ રંગ’ને લઈને પણ બોર્ડની સલાહ

    શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’નું ગીત ‘બેશરમ રંગ’ ગત 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થયું હતું, ત્યારથી તે ચર્ચામાં છે અને વિરોધ પણ ખૂબ થઇ રહ્યો છે.

    - Advertisement -

    શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલાં જ વિવાદોમાં છે. પહેલાં ફિલ્મનું એક ‘બેશરમ રંગ’ નામનું એક ગીત આવ્યું, જેનો ભારે વિરોધ થયો. ફિલ્મને પ્રતિબંધિત કરવાની માંગ પણ થઇ. હવે જાણવા મળ્યું છે કે સેન્સર બોર્ડે ફિલ્મના નિર્માતાઓને કેટલાક ફેરફારો કરવા માટેનાં સૂચનો આપ્યાં છે. 

    સેન્સર બોર્ડના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પઠાણ’ તાજેતરમાં જ સર્ટિફિકેશન માટે CBFC એક્ઝામિનેશન કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાઈડલાઈન અનુસાર ફિલ્મને જોવામાં આવી. જે પછી સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાં અમુક ફેરફારો કરવાની સલાહ આપી છે. જેમાં ગીતનો પણ સમાવેશ થાય છે. સમિતિએ થીએટર રિલીઝ પહેલાં ફિલ્મનું ‘રિવાઈઝડ વરઝ્ન’ સબમિટ કરવાના આદેશ આપ્યા છે. 

    ન્યૂઝ એજન્સીએ સેન્સર બોર્ડ ચેરમેન પ્રસૂન જોશીને ટાંકીને જણાવ્યું છે કે, “CBFC હંમેશા રચનાત્મક અભિવ્યક્તિ અને દર્શકોની સંવેદનશીલતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે અને માને છે કે તમામ હિતધારકો વચ્ચે સાર્થક સંવાદના માધ્યમથી જ કોઈ પણ વિવાદનો ઉકેલ લાવી શકાય તેમ છે.”

    - Advertisement -

    તેમણે ઉમેર્યું કે, “આપણી સંસ્કૃતિ અને આસ્થા ગૌરવશાળી અને સૂક્ષ્મ છે. આપણે એ ધ્યાન રાખવું પડશે કે સત્ય અને વાસ્તવિકતાથી દૂર હોય તેવી બાબતો સાથે તેને પરિભાષિત કરવામાં ન આવે. મેં પહેલાં પણ કહ્યું છે કે નિર્માતાઓ અને દર્શકો વચ્ચે એક વિશ્વાસ જાળવી રાખવો બહુ જરૂરી છે. નિર્માતાઓએ આ દિશામાં કામ કરવું જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’નું ગીત ‘બેશરમ રંગ’ ગત 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થયું હતું, ત્યારથી તે ચર્ચામાં છે અને વિરોધ પણ ખૂબ થઇ રહ્યો છે. ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ જોવા મળે છે, તેણે પહેરેલી ભગવા રંગની બિકીનીને લઈને મુખ્યત્વે વિવાદ સર્જાયો હતો. 

    વિવાદ વધ્યા બાદ દેશભરમાંથી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો અને તેને પ્રતિબંધિત કરવાની પણ માંગ ઉઠાવવામાં આવતી રહી છે. વચ્ચે એવા પણ સમાચાર મળ્યા હતા કે નિર્માતાઓ આ ગીત જ દૂર કરવાને લઈને વિચાર કરી રહ્યા છે. નિર્માતા આદિત્ય ચોપરાના એક નજીકના મિત્રના હવાલે આ સમાચાર આપવામાં આવ્યા હતા. 

    ફિલ્મ આગામી જાન્યુઆરી મહિનામાં રિલીઝ થશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં